અમદાવાદ: ટુ-વ્હીલરમાં MD ડ્રગ્સની હેરાફેરી કરતાં માતા-પુત્રની ધરપકડ, રૂ.7.74 લાખનો મુદ્દામાલ જપ્ત | 2 arrested for smuggling MD drugs in Ahmedabad

![]()
Ahmedabad News : અમદાવાદના ફતેવાડી વિસ્તારમાંથી MD ડ્રગ્સની હેરાફેરી કરતાં માતા-પુત્રને વેજલપુર પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને ગેરકાયદેસર MD ડ્રગ્સના જથ્થા સાથે એક મહિલા અને એક યુવકની ધરપકડ કરી છે. પકડાયેલા બંને આરોપીઓ કાલુપુર વિસ્તારના હોવાનું સામે આવ્યું છે, જેઓ ટુ-વ્હીલર પર ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યા હતા.
ટુ-વ્હીલરમાં MD ડ્રગ્સની હેરાફેરી કરતાં માતા-પુત્રની ધરપકડ
વેજલપુર પોલીસને બાતમી મળી હતી કે, એક સફેદ કલરના એક્સેસ પર એક મહિલા અને એક પુરુષ ફતેવાડી લોખંડવાલા પાર્ટી પ્લોટથી સવેરા હોટલ થઈ અંબર ટાવર તરફ ડ્રગ્સ લઈને પસાર થવાના છે. આ બાતમીના આધારે પોલીસે સવેરા હોટલ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી.
આ દરમિયાન બાતમી મુજબનું વાહન આવતા પોલીસે તેને અટકાવ્યું હતું અને ટુ-વ્હીલર પર સવાર સમીમબાનુ ઉર્ફે પપ્પી પઠાણ (ઉં.વ. 54) અને મોમીનખાન પઠાણ (ઉં.વ. 25)ની તપાસ કરતાં તેમની પાસેથી 246 ગ્રામ 800 મિલીગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે રુપિયા 7,40,000 થાય છે.
પોલીસે ડ્રગ્સ ઉપરાંત આરોપીઓ પાસેથી બે મોબાઈલ ફોન, રોકડ રકમ અને ટુ-વ્હીલર મળી કુલ 7,74,900નો મુદ્દામાલ કબજે કર્યો છે. પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે, આ ડ્રગ્સનો જથ્થો તેમને ફતેવાડીની સીરીન અલ્લારખા નામની મહિલાએ આપ્યો હતો.
પકડાયેલી આરોપી મહિલા સમીમબાનુ અગાઉ સાણંદમાં પ્રોહિબિશન અને DCB પોલીસ સ્ટેશનમાં NDPSના ગુનામાં વોન્ટેડ હોવાનું પણ ખુલ્યું છે. હાલમાં વેજલપુર પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


