ખેડૂતો સાવધાન: PM કિસાનનો 22મો હપ્તો મેળવવા ‘ફાર્મર આઇડી’ ફરજિયાત, જાણો રજિસ્ટ્રેશન પ્રક્રિયા | Pradhan Mantri Kisan Samman Nidhi unique farmer id card gujarat New Farmer Registration

![]()
PM-Kisan Samman Nidhi: ભારત સરકારના કૃષિ મંત્રાલય દ્વારા ખેતી અને ખેડૂતોના ઉત્થાન માટે ડિજિટલ ક્રાંતિની શરુઆત કરવામાં આવી છે. ‘એગ્રીસ્ટેક પ્રોજેક્ટ’ (AgriStack) અંતર્ગત હવે દરેક ખેડૂત ખાતેદાર માટે 11 આંકડાનો ‘યુનિક ફાર્મર આઇડી’ બનાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે. જો ખેડૂતો આ રજિસ્ટ્રેશન નહીં કરાવે, તો આગામી સમયમાં પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો અટકી શકે તેવી શક્યતા છે.
શું છે ‘ફાર્મર આઇડી’ અને તેનો હેતુ?
જેમ નાગરિકોની ઓળખ માટે ‘આધાર કાર્ડ’ છે, તેમ હવે ખેડૂતોની ડિજિટલ ઓળખ માટે ‘ફાર્મર આઇડી’ તૈયાર કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2024-25થી અમલી બનેલા આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ખેડૂતોને મળતી સરકારી સહાયમાં પારદર્શકતા લાવવાનો અને વચેટિયા દૂર કરી સીધો લાભ ખેડૂતોના ખાતામાં પહોંચાડવાનો છે.
આ યોજનાઓ માટે આઇડી હશે અનિવાર્ય:
– પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા.
– બિયારણ અને ખાતર પર મળતી સબસીડી.
– પાક વીમો (PMFBY) અને સરકારી ખરીદીના લાભ.
– ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાકીય સહાય.
કઈ રીતે કરાવશો રજિસ્ટ્રેશન?
– ખેડૂત મિત્રો પોતાની સુવિધા મુજબ નીચેની ત્રણ રીતે રજિસ્ટ્રેશન કરાવી શકે છે:
– પોતાના મોબાઇલ દ્વારા: સરકારના સત્તાવાર પોર્ટલ gjfr.agristack.gov.in પર જઈને સેલ્ફ-રજિસ્ટ્રેશન કરી શકાય છે.
–ગ્રામ પંચાયત: જે-તે ગામના VCE/VLE (કોમ્પ્યુટર ઓપરેટર) પાસે જઈને.
–જનસેવા કેન્દ્ર: નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જઈને પણ નોંધણી કરાવી શકાય છે.
જરૂરી દસ્તાવેજો:
રજિસ્ટ્રેશન માટે ખેડૂતોએ નીચે મુજબના ડોક્યુમેન્ટ્સ સાથે રાખવા પડશે:
– આધાર કાર્ડ.
– આધાર સાથે લિંક થયેલો ચાલુ મોબાઇલ નંબર (OTP માટે).
– જમીનની વિગતો (7/12 અને 8-અના ઉતારા).
ખેતીવાડી વિભાગનો અનુરોધ
જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા તમામ ખેડૂત ખાતેદારોને અપીલ કરવામાં આવી છે કે, ભવિષ્યમાં કોઈપણ સરકારી સહાય કે હપ્તા મેળવવામાં કોઈ અડચણ ન આવે તે માટે વહેલી તકે ફાર્મર રજિસ્ટ્રેશન પૂર્ણ કરી લેવું. ખાસ કરીને 22મા હપ્તાના લાભાર્થીઓએ આ પ્રક્રિયામાં વિલંબ ન કરવા સૂચના અપાઈ છે.
આ પણ વાંચો: અમદાવાદથી 4 વર્ષ બાદ લૂંટારી દુલ્હન ઝડપાઈ, લગ્ન કરી 4 દિવસમાં દાગીના-રોકડ લઈ જતી ફરાર
ફરજિયાત અમલીકરણ
ગુજરાત સરકાર આ બાબતે ખૂબ સક્રિય થઈ છે. 15 ઑક્ટોબર 2024થી ગુજરાતમાં ‘ફાર્મર રજિસ્ટ્રી’ માટેનું અભિયાન શરુ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરી 2025થી પીએમ કિસાન યોજનામાં નવા નોંધણી કરાવતા ખેડૂતો માટે ‘ફાર્મર આઇડી’ (Farmer ID) હોવું ફરજિયાત બની ગયું છે. સરકારે સંકેત આપ્યા છે કે આગામી સમયમાં જે ખેડૂતો પાસે આ આઇડી નહીં હોય, તેમના પીએમ કિસાનના હપ્તા અટકી શકે છે.

