‘હા કહેશો તો વખાણ થશે, ના કહેશો તો યાદ રાખીશું..’, ગ્રીનલૅન્ડની તરફેણ કરતાં દેશોને ટ્રમ્પની ધમકી | europe switzerland davos world economic forum donald trump statement

![]()
Donald Trump statement: સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) 2026માં પોતાનું ભાષણ આપ્યું, જેમાં ટ્રમ્પે કહ્યું કે, ખૂબસૂરત દાવોસમાં પાછા આવવું ખૂબ જ આનંદદાયક છે. અહીં ઘણા બધા બિઝનેસ લીડર્સ છે, ઘણા બધા મિત્રો છે, ઘણા બધા દુશ્મનો છે, અને બધા સન્માનિત મહેમાનો છે.
‘યુરોપ સાચી દિશામાં આગળ વધી રહ્યું નથી’
ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે મને યુરોપથી પ્રેમ છે, પણ તે સાચી દિશામાં આગળ વધી રહ્યું નથી, યુરોપમાં કેટલાય એવા વિસ્તારો છે, જે હાલમાં ઓળખાતા પણ નથી, આપણને અનુસરીને દુનિયા વિનાશના માર્ગથી બચી શકે છે. મેં ઘણા દેશોના વિનાશ થતા જોયા છે. યુરોપમાં મોટા પાયે સ્થળાંતર થઈ રહ્યું છે. તેઓ હજુ સુધી તેના સંભવિત પરિણામો સમજી શક્યા નથી. યુરોપિયન યુનિયને મારી સરકાર પાસેથી શીખવું જોઈએ.
‘વેનેઝુએલા હુમલા બાદ ડીલ માટે તૈયાર થયું’
ટ્રમ્પે કહ્યું કે જ્યારથી તેમણે રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે, ત્યારથી દેશમાં ફુગાવો સતત ઘટી રહ્યો છે. યુએસ સ્ટોક એક્સચેન્જ અત્યાર સુધીના ઉચ્ચ સ્તરે છે. મારા કાર્યકાળ દરમિયાન, દેશમાં રોકાણ 18 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી ગયું છે. અમેરિકા વિશ્વની આર્થિક રાજધાની છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમે ટ્રમ્પની ટેરિફ નીતિને સાચી ઠેરવી છે. આ સાથે જ WEFના વૈશ્વિક મંચ પરથી ટ્રમ્પે દાવો કર્યો કે વેનેઝુએલા હુમલા બાદ ડીલ માટે તૈયાર થઈ ગયું.
ગ્રીનલૅન્ડ મુદ્દે શું કહ્યું?
આ સાથે ટ્રમ્પે ગ્રીનલૅન્ડને અંગે કહ્યું હતું કે, તે એક ખૂબસૂરત ટુકડો છે, હું ગ્રીનલૅન્ડ અને ડેનમાર્કના લોકોનું સન્માન કરું છું. અમે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ગ્રીનલૅન્ડની મદદ કરી હતી. ગ્રીનલૅન્ડની સુરક્ષા અમારા સિવાય કોઈ પણ દેશ નહીં કરી શકે, અમેરિકા જ માત્ર ગ્રીનલૅન્ડને બચાવી શકે છે. અમે બીજા વિશ્વ યુદ્ધમાં ગ્રીનલૅન્ડને બચાવ્યું હતું, અમે મૂર્ખ હતા કે ત્યારે ગ્રીનલૅન્ડને અમે પરત કરી દીધું, અમેરિકા પાસે હવે સૌથી વધુ મિલટરી પાવર છે. હું તેનો ઉપયોગ કરવા માંગતો નથી, અમેરિકાની સુરક્ષા માટે ગ્રીનલૅન્ડની જરૂર છે.
હિંસા કે જબરદસ્તી વગર ગ્રીનલૅન્ડ લઈશું
‘અમે કોઈ પણ હિંસા કે જબરદસ્તી વગર ગ્રીનલૅન્ડ માંગીએ છીએ, અમારી માંગ મોટી નથી, હું શક્તિનો ઉપયોગ કરવા માગતો નથી, તમે જો હા કહેશો તો વખાણ થશે અને ના કહેશો તો અમે તેને યાદ રાખીશું, અમેરિકા ખુશ તો દુનિયા પણ ખુશ રહે છે.’
‘ડેનમાર્ક કૃતઘ્ન છે’
‘ડેનમાર્કને જર્મનીએ માત્ર છ કલાકમાં પરાજય આપ્યો હતો. તે સમયે, ડેનમાર્ક ન તો પોતાનો બચાવ કરી શક્યું કે ન તો ગ્રીનલૅન્ડ. આ પછી, યુનાઇટેડ સ્ટેટ્સને ગ્રીનલૅન્ડનું રક્ષણ કરવા માટે દબાણ કરવામાં આવ્યું. અમે બચાવ્યું અને પરત કરી દીધું, ડેનમાર્ક અત્યંત કૃતઘ્ન છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ડેનમાર્ક પોતાનો બચાવ કરવામાં અસમર્થ હતું, અને તે સમયે યુનાઇટેડ સ્ટેટ્સે તેને મદદ કરી હતી, છતાં આજે તે ગ્રીનલૅન્ડ પર નિયંત્રણ છોડવા તૈયાર નથી.’



