અરવલ્લીમાં ખનન તાત્કાલિક બંધ કરો, તપાસ માટે નિષ્ણાતોની સમિતિ રચો… સુપ્રીમ કોર્ટનો કડક નિર્દેશ | Aravalli Mountains Mining Dispute Supreme Court Case Rajasthan Gujarat

![]()
Aravalli Mountains Mining Case : અરવલ્લી પર્વતમાળામાં ચાલી રહેલી ગેરકાયદે પ્રવૃત્તિઓ અંગે સુપ્રીમ કોર્ટે આજે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો અરવલ્લીમાં ગેરકાયદે ખનન તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે, તો પર્યાવરણને એવું નુકસાન થશે જે ક્યારેય ભરપાઈ કરી શકાશે નહીં.
રાજસ્થાન સરકારને કડક આદેશ
સુપ્રીમ કોર્ટે રાજસ્થાન સહિતના સંબંધિત રાજ્યોને કડક સૂચના આપી છે કે, અરવલ્લી ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારનું ખનન ન થાય તે સુનિશ્ચિત કરવામાં આવે. સુનાવણી દરમિયાન રાજસ્થાન સરકારે કોર્ટને ખાતરી આપી હતી કે, રાજ્યમાં કોઈ પણ ગેરકાયદે ખનન ચલાવી લેવામાં આવશે નહીં અને અરવલ્લીમાં આવી પ્રવૃત્તિઓને રોકવા માટે તાત્કાલિક પગલાં ભરવામાં આવશે.
નિષ્ણાતોની સમિતિની રચના કરાશે
અરવલ્લીમાં ખનન અને તેને લગતા પ્રશ્નોની ઊંડી તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટે એક સ્પેશિયલ એક્સપર્ટ કમિટી બનાવવાનો નિર્ણય લીધો છે. કોર્ટે એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટી અને એમિકસ ક્યુરી કે. પરમેશ્વરને ચાર અઠવાડિયામાં એવા પર્યાવરણવિદો અને વૈજ્ઞાનિકોના નામ સૂચવવા કહ્યું છે, જેઓ ખનન ક્ષેત્રના નિષ્ણાત હોય. આ સમિતિ સીધી સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ કામ કરશે.
આ પણ વાંચો : પાલઘર સ્થિત વસઈના દરિયામાં રહસ્યમય ઘટના, જુઓ VIDEO
અરવલ્લીની નવી વ્યાખ્યા પર સ્ટે યથાવત
અગાઉ 20 નવેમ્બરના આદેશમાં અરવલ્લી પર્વતમાળાની એક સમાન વ્યાખ્યા સ્વીકારવામાં આવી હતી, જેના પર વિવાદ સર્જાતા કોર્ટે સ્ટે આપ્યો હતો. આજે કોર્ટે આ સ્ટેની મુદત લંબાવી દીધી છે. વરિષ્ઠ એડવોકેટ કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે, પર્વતોને ચોક્કસ વ્યાખ્યામાં બાંધી શકાય નહીં, કારણ કે ત્યાં સતત ભૌગોલિક ફેરફારો થતા રહે છે.
કોર્ટે આપી સખત ચેતવણી
ચીફ જસ્ટિસે કહ્યું કે, ‘ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક હાથે કામ લેવામાં આવશે. આ એક સ્પષ્ટ ગુનો છે અને તેના માટે સજા થશે.’ કોર્ટે એમ પણ ઉમેર્યું કે, હવે આ મામલે વારંવાર નવી અરજીઓ કરીને મુખ્ય મુદ્દા પરથી ધ્યાન ભટકાવવું જોઈએ નહીં. હવે આ મામલે આગામી સુનાવણી ચાર અઠવાડિયા પછી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો : તેલંગાણામાં એક બાદ એક 600 કૂતરાઓના મોતથી ખળભળાટ! ઝેર અપાયું હોવાનો આરોપ, FIR નોંધાઈ


