ટ્રમ્પ ‘ઈન્ટરનેશનલ ગેંગસ્ટર’ જેવું વર્તન કરી રહ્યા છે… ગ્રીનલેન્ડ માટે અમેરિકાની ‘દાદાગીરી’ મુદ્દે બ્રિટિશ સાંસદ ભડક્યા | UK MP Ed Davey Slams Trump as International Gangster Over Greenland Bullying and Tariffs

![]()
British MP Attack On Donald Trump : બ્રિટિશ સાંસદ એડ ડેવીએ ડોનાલ્ડ ટ્રમ્પને અત્યાર સુધીના ‘સૌથી ભ્રષ્ટ અમેરિકન પ્રમુખ’ ગણાવ્યા છે. ગ્રીનલેન્ડ મુદ્દે બ્રિટિશ સંસદમાં વાત કરતા તેમણે કટાક્ષ કર્યો હતો કે, ટ્રમ્પ ઈન્ટરનેશનલ ગેંગસ્ટર જેવું વર્તન કરી રહ્યા છે. ટ્રમ્પને શાંત રાખવા માટે તેમને અબજો રૂપિયાની ભેટ આપીને લલચાવો અથવા તેમની સામે અડગ ઊભા રહો.
ટ્રમ્પ એક ‘બુલી’ અને ‘ગેંગસ્ટર’ જેવા: એડ ડેવી
બ્રિટિશ સંસદમાં વિદેશ સચિવ યવેટ કૂપરને સંબોધતા સાંસદ એડ ડેવીએ ટ્રમ્પ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ટ્રમ્પ એક ‘ઇન્ટરનેશનલ ગેંગસ્ટર’ જેવું વર્તન કરી રહ્યા છે. તેમને એવું લાગે છે કે, તેઓ અમેરિકાની શક્તિના જોરે કંઈ પણ છીનવી શકે છે. ટ્રમ્પ એક સાથી દેશના સાર્વભૌમત્વને કચડવાની ધમકી આપી રહ્યા છે. તેઓ નાટો અસ્તિત્વ સામે જોખમ ઊભું કરી રહ્યા છે. બ્રિટન, યુરોપ અને સમગ્ર વિશ્વ માટે આ એક ‘અતિ ગંભીર બાબત’ છે કારણ કે ટ્રમ્પ કોઈ પણ પ્રકારના ઉશ્કેરણીજનક કારણ વગર અન્ય દેશોના અર્થતંત્ર, લોકોની આજીવિકા અને રાષ્ટ્રીય સુરક્ષા પર હુમલો કરી રહ્યા છે.
ગ્રીનલેન્ડ ન મળે તો ટેરિફની ધમકીથી વિવાદ
આ સમગ્ર વિવાદ ગ્રીનલેન્ડ પર કબજો જમાવવાની ટ્રમ્પની ઈચ્છાથી શરૂ થયો છે. યુરોપિયન દેશોએ આનો વિરોધ કર્યો, ત્યારે ટ્રમ્પે ધમકી આપી છે કે જો ગ્રીનલેન્ડ મુદ્દે કોઈ સમજૂતી નહીં થાય, તો 1 ફેબ્રુઆરીથી ડેનમાર્ક, ફ્રાન્સ, જર્મની અને બ્રિટન સહિતના આઠ દેશો પર 10% ટેરિફ લાદવામાં આવશે. જો વાત નહીં બને તો 1 જૂનથી આ ટેરિફ વધારીને 25% કરી દેવામાં આવશે.
આ પણ વાંચો : નકશામાંથી ઈરાનનું નામોનિશાન મિટાવી દઇશ…જાણો કેમ ભયાનક ગુસ્સે થયા ટ્રમ્પ
ટ્રમ્પને ભેટ આપો અથવા સામનો કરોઃ ડેવીનો કટાક્ષ
આ મુદ્દે બ્રિટિશ સંસદમાં એડ ડેવીએ કટાક્ષ કરતા જણાવ્યું કે ટ્રમ્પને રોકવા માટે આપણી પાસે બે જ વિકલ્પો છે. તેમને નવું જેટ પ્લેન આપો અને તેમના ક્રિપ્ટો એકાઉન્ટમાં અબજો રૂપિયા જમા કરાવો. અથવા તો તમામ સાથી દેશોએ સાથે મળીને તેમની સામે મજબૂતીથી ઊભા રહેવું જોઈએ.
અમે ટ્રમ્પથી ડરતા નથીઃ યુરોપિયન દેશોની ચીમકી
યુરોપિયન યુનિયનના વડા ઉર્સુલા વોન ડેર લેયેને દાવોસમાં જણાવ્યું હતું કે, ટ્રમ્પે ઝીંકેલા ટેરિફ એક મોટી ભૂલ છે અને તેનાથી બંને પક્ષોને નુકસાન થશે. યુરોપનો જવાબ ‘અડગ અને સંતુલિત’ હશે. બીજી તરફ, ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને પણ કહ્યું કે, હું દાદાગીરી કરનારા ને બદલે સન્માનને પ્રાધાન્ય આપે છે અને આ અસ્વીકાર્ય ટેરિફ સામે ઝૂકશે નહીં.
શા માટે ટ્રમ્પને જોઈએ છે ગ્રીનલેન્ડ?
ટ્રમ્પનો તર્ક છે કે રશિયા અને ચીન જેવા દેશોના ખતરા સામે ગ્રીનલેન્ડને સુરક્ષિત રાખવું જરૂરી છે. ગ્રીનલેન્ડ ખનીજ સંસાધનોથી સમૃદ્ધ છે અને ટ્રમ્પના મતે તે અમેરિકાની ‘રાષ્ટ્રીય સુરક્ષા’ તેના પર કબજો કરી લેવો અનિવાર્ય છે.
આ પણ વાંચો : ગ્રીનલેન્ડ બાદ હવે હિંદ મહાસાગરના ટાપુ પર ડોનાલ્ડ ટ્રમ્પની નજર! ભારત માટે કેટલો ખતરો?



