Explainer: ગ્રીનલેન્ડ મુદ્દે જર્મની લડી લેવાના મૂડમાં, અમેરિકા કે યુરોપનો ડર છોડીને લાખો સૈનિકોની ‘મહા સેના’ બનાવવાનો નિર્ણય | germany grand army plan defies us europe greenland issue

Germany Military Buildup: વૈશ્વિક રાજનીતિમાં વર્ષ 2026ની શરૂઆતથી જ મોટા ફેરફારોના સંકેત મળવા લાગ્યા છે. એક તરફ યુક્રેન-રશિયા યુદ્ધ સમાપ્ત થવાની કોઈ શક્યતા જણાતી નથી, તો બીજી તરફ ગ્રીનલેન્ડને મુદ્દે અમેરિકા અને યુરોપ વચ્ચે ઐતિહાસિક તણાવ સર્જાયો છે. તાજેતરમાં જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ દ્વારા કરાયેલી એક જાહેરાતે નાટો (NATO)નું સમીકરણ જ બદલી નાખ્યુ છે. જર્મનીએ યુરોપની સૌથી મજબૂત પરંપરાગત સેના(કન્વેન્શનલ આર્મી) ઊભી કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. જર્મની આટલું આક્રમક શા માટે બની રહ્યું છે? ગ્રીનલેન્ડના વિવાદ સાથે આનો શું સંબંધ છે? ચાલો સમજીએ.
યુરોપની ‘મહા સેના’ બનાવવાનું જર્મનીનું લક્ષ્ય
જર્મનીમાં હવે 18 વર્ષથી મોટી વયના યુવાનોએ લશ્કરી સેવા માટેના શારીરિક ફિટનેસ સંબંધિત પ્રશ્નોના જવાબ ફરજિયાત ભરવા પડે છે. આ પગલું તાજેતરમાં પસાર થયેલા નવા કાયદા હેઠળ લેવામાં આવ્યું છે. હાલમાં ભરતી સ્વૈચ્છિક છે, પણ જો જરૂર પડી તો સરકારને ફરજિયાત ભરતી શરૂ કરવાનો અધિકાર છે. જર્મનીનું લક્ષ્ય સ્પષ્ટ છે: બીજા વિશ્વયુદ્ધ પછી પહેલીવાર યુરોપની સૌથી શક્તિશાળી પરંપરાગત સેના ઊભી કરવી.
જર્મનીની લશ્કરી વિસ્તરણ યોજના
નવેમ્બર, 2025 સુધીમાં જર્મનીના સક્રિય સૈનિકોની સંખ્યા 1,84,000 સુધી પહોંચી ગઈ છે. ચાન્સેલર મેર્ઝે સંસદમાં જાહેર કર્યું હતું કે, જર્મન સશસ્ત્ર દળો(બુન્ડેસવેહર) યુરોપની સૌથી મજબૂત પરંપરાગત સેના બનાવવા જઈ રહ્યાં છે. 1990ના દાયકા પછીનું જર્મનીનું આ સૌથી મોટું લશ્કરી વિસ્તરણ છે. જર્મનીનું લક્ષ્ય 2035 સુધીમાં પોતાની સક્રિય સૈન્ય સંખ્યા 2,60,000 અને અનામત (રિઝર્વ) સૈનિકોની સંખ્યા 2,00,000 સુધી વધારવાનું છે.
સંરક્ષણ બજેટમાં ધરખમ વધારો કર્યો
જર્મન સરકારે લશ્કર મજબૂત કરવા માટે મોટી રકમની મંજૂરી આપી દીધી છે. લગભગ 60 અબજ ડોલર(લગભગ રૂ. 5400 અબજ)ના નવા લશ્કરી સાધનો મંજૂર થઈ ચૂક્યા છે. આ વર્ષે સંરક્ષણ ખર્ચ જર્મનીના GDPના 2.5%(લગભગ 108 અબજ યુરો – રૂ. 11550 અબજ) જેટલું છે. 2030 સુધીમાં તેને 3.5% સુધી લઈ જવાનું લક્ષ્ય છે.
સેનામાં જોડાવા યુવાનોને પ્રલોભનોનો
જર્મનીના યુવાનો સેનામાં ભરતી થવા માટે આકર્ષાય એ માટે જર્મન સરકાર નીચે મુજબના પ્રલોભનો આપી રહી છે:
– 23 મહિનાના કરાર માટે અંદાજે 2,600 યુરો માસિક પગાર(રૂ. 2,75,000).
– મફત રહેઠાણ અને આરોગ્ય વીમાની સુવિધા.
– કર-કપાત પછી યુવાનોના હાથમાં લગભગ 2,300 યુરો(રૂ. 2,43,000) બચે તેવી વ્યવસ્થા.
આ પણ વાંચો: નકશામાંથી ઈરાનનું નામોનિશાન મિટાવી દઇશ…જાણો કેમ ભયાનક ગુસ્સે થયા ટ્રમ્પ
મહા સેના બનાવવાના મૂળમાં છે ગ્રીનલેન્ડનો વિવાદ
જર્મનીના આ પગલાં પાછળનું મુખ્ય કારણ છે ગ્રીનલેન્ડ પર મંડાયેલો અમેરિકાનો ડોળો. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર કબજો જમાવવા માટે આક્રમક વલણ દાખવ્યું છે. ડેનમાર્ક અને ગ્રીનલેન્ડના નેતાઓએ અમેરિકાનો ગ્રીનલેન્ડ ખરીદી લેવાનો પ્રસ્તાવને નકારી કાઢ્યા પછી અમેરિકાએ 17 જાન્યુઆરીએ જર્મની, ફ્રાંસ અને ડેનમાર્ક સહિત આઠ યુરોપિયન દેશો પર 10% ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પ પ્રશાસને કહ્યું છે કે ગ્રીનલેન્ડની ખરીદીનો કરાર ન થાય ત્યાં સુધી આ ટેરિફ ચાલુ રહેશે અને એમાં 25% સુધીનો વધારો પણ થઈ શકે છે.
અમેરિકા સાથીને બદલે વ્યાપારી લાગી રહ્યું છે
અમેરિકાનો હેતુ ગ્રીનલેન્ડને આર્કટિક પ્રદેશમાં રશિયા અને ચીન સામે વ્યૂહાત્મક ચાવી તરીકે વાપરવાનો છે, પણ યુરોપ આ પગલાને પોતાની સાર્વભૌમત્વ પરનો હુમલો સમજે છે. યુરોપને લાગે છે કે અમેરિકા હવે એમના સાથી દેશ કરતાં બળજબરી કરનાર વ્યાપારી જેવું વર્તન કરી રહ્યું છે.
જવાબી કાર્યવાહી: ‘ઓપરેશન આર્કટિક એન્ડ્યોરન્સ’
અમેરિકાના દબાણ સામે ઝૂકવાને બદલે યુરોપે જવાબી પગલું ભર્યું છે. યુરોપે ગ્રીનલેન્ડમાં પોતાની લશ્કરી હાજરી વધારી દીધી છે. ઇતિહાસમાં પહેલી વખત જર્મન સૈનિકો ઘરથી હજારો માઇલ દૂર એવા મિશનમાં ભાગ લઈ રહ્યા છે જે સીધી રીતે અમેરિકાનો વિરોધ કરે છે. આ મિશનનું નામ છે ‘ઓપરેશન આર્કટિક એન્ડ્યોરન્સ’. જર્મની, ફ્રાન્સ અને સ્વીડનના લશ્કરી દળો ડેનમાર્કને ટેકો આપવા માટે ગ્રીનલેન્ડમાં તૈનાત થઈ રહ્યા છે. આ એક ઐતિહાસિક પગલું છે, કારણ કે તે નાટો સંગઠનને બે ભાગમાં વિભાજિત કરે છે; એક તરફ અમેરિકા છે અને બીજી તરફ યુરોપના દેશો.
અમેરિકાના વિરોધી રશિયાએ વ્યક્ત કરી નાખુશી
જર્મનીના મહા સેના બનાવવાના પગલાં બાબતે રશિયાએ તીવ્ર અસંતોષ વ્યક્ત કર્યો છે. રશિયાના રાજદૂતે જણાવ્યું છે કે, જર્મની રશિયા સાથેનું લશ્કરી સંતુલન બગાડવાના માર્ગે આગળ વધી રહ્યું છે.
બીજી તરફ, રશિયા યુક્રેનમાંથી સૈન્ય પાછું ખેંચવા તૈયાર ન હોવાથી જર્મનીને લાગે છે કે, નજીકના ભવિષ્યમાં રશિયા જર્મની સાથે પણ લશ્કરી સંઘર્ષમાં ઉતરી શકે છે. તેથી પણ જર્મની પોતાનું સૈન્યબળ વધારવા માટે મક્કમ છે. એક સર્વે મુજબ 80% જર્મન માને છે કે રશિયન નેતા પુતિન કોઈ શાંતિ કરાર કરવા માટે ગંભીર નથી એટલે કે બહુમતિ જર્મનો પુતિન પર ભરોસો નથી કરતાં.
જર્મનોને હવે અમેરિકા પર પણ વિશ્વાસ ઘટી ગયો છે
જર્મન સમાજમાં અમેરિકા પ્રત્યેના વિશ્વાસમાં પણ ઘટાડો આવ્યો છે. જૂન, 2025માં થયેલા એક સર્વેનું પરિણામ કહે છે કે, 73% જર્મનો માને છે કે અમેરિકા હવે યુરોપની સુરક્ષાની કોઈ ગેરંટી આપશે નહીં. ડિસેમ્બર સુધીમાં આ સંખ્યા વધીને 84% થઈ ગઈ હતી. અમેરિકા પ્રમુખ ટ્રમ્પ દ્વારા યુરોપની ટીકા કરવામાં આવતી હોવાથી તથા અમેરિકાની સુરક્ષા નીતિમાં થયેલા ફેરફારોને કારણે જર્મનોનો અમેરિકા પરનો વિશ્વાસને ઓછો થઈ ગયો છે.
જર્મનો નવી સૈન્ય ધરી રચવાના મૂડમાં છે
જર્મની હવે અમેરિકાનો ‘જુનિયર પાર્ટનર’ રહેવા નથી માગતું. તે પોતાની સુરક્ષા, પોતાની રાજનીતિ અને પોતાનું ભવિષ્ય પોતાના હાથમાં લેવા માંગે છે. સર્વે કહે છે કે, 60% જર્મનો હવે અમેરિકાના પરમાણુ સંરક્ષણ(ન્યુક્લિયર અમ્બ્રેલા) પર વિશ્વાસ નથી કરતા. ન્યુક્લિયર અમ્બ્રેલા એ પરમાણુ હથિયારો ધરાવતા મજબૂત દેશ દ્વારા તેના સાથી દેશોને આપવામાં આવતી પરમાણુ હુમલા સામે રક્ષણની ગેરંટી છે. અમેરિકાએ આવી સુરક્ષા ગેરંટી યુરોપના દેશોને આપી રાખી છે. 75% જર્મનો ઇચ્છે છે કે, અમેરિકાને ભરોસે બેસી રહેવાને બદલે હવે જર્મની, ફ્રાન્સ અને બ્રિટન ભેગા મળીને સંયુક્ત પરમાણુ સંરક્ષણ(એંગ્લો-ફ્રેન્ચ અમ્બ્રેલા) બનાવે. જર્મનો એવો પણ મત ધરાવે છે કે ‘યુરોપિયન નાટો’ની રચના કરીને યુરોપે જ પોતાની સુરક્ષા માટેની જવાબદારી લેવી જોઈએ.
શું મહા સેના બનાવવાનું જર્મનીનું લક્ષ્ય પાર પડશે?
ભૂતકાળમાં પણ જર્મનીને લશ્કરી વિસ્તરણની યોજનાઓ હતી, પણ અમલદારશાહી(બ્યુરોક્રેસી) અને સામાજિક ખચકાટને કારણે તે પૂર્ણ થઈ શકી નહોતી. જર્મની બબ્બે વિશ્વયુદ્ધમાં પાયમાલ થયું હોવાથી અને દુનિયાની નજરે ‘વિલન’ સાબિત થયું હોવાથી જર્મન સમાજમાં લશ્કરી કારકિર્દીને સારી નજરે નથી જોવાતી. જોકે, 2022માં રશિયાએ યુક્રેન પર કરેલા આક્રમણ પછી જર્મન પ્રજામાં આ વલણ બદલાવા લાગ્યું છે. અમેરિકા અને ચીન પછીની વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર ધરાવતું જર્મની મહા સેના બનાવવાનું લક્ષ્ય હાંસિલ કરી શકશે કે કેમ, એ તો સમય જ કહેશે.




