મહીસાગરમાં 123 કરોડનું નલ સે જલ કૌભાંડ: વધુ એક ભાજપ નેતા જેલભેગા, કુલ 23માંથી 3 આરોપીઓ ‘કમળ છાપ’ | Mahisagar News ‘Nal se Jal’ scam BJP leader Mukesh Shrimali arrested CID crime

Mahisagar News: મહીસાગર જિલ્લાના મસમોટા 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં CID ક્રાઇમ બ્રાન્ચને મળી વધુ એક સફળતા હાથ લાગી છે. વડોદરા શહેરના અનુસુચિત જાતિ મોરચાના પ્રભારી ભાજપના જૂના કાર્યકર્તા મુકેશ શ્રીમાળીની ધરપકડ કરવામાં આવી છે. મુકેશ શ્રીમાળી પાસે સરકારને કુલ 1,76,97,169.25 રૂપિયાની અધધ રિકવરી કરવાની બાકી છે.
કુલ ત્રણ ભાજપ નેતાઓની થઈ ધરપકડ
સમગ્ર કૌભાંડમાં CID ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધીમાં કુલ ત્રણ ભાજપ નેતાઓની ધરપકડ કરી છે. આ અગાઉ જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ ચિરાગ પટેલ ત્યારબાદ ખાનપુર તાલુકાના પૂર્વ મહા મંત્રી ધર્મેન્દ્ર માલીવાડ (ડી. પી. માલીવાડ) બાદ હવે મુકેશ શ્રીમાળીની ધરપકડ કરવામાં આવી છે.

ગઇકાલે ચાર આરોપીની કરી હતી ધરપકડ
20 જાન્યુઆરીના રોજ ધરપકડ કરવામાં આવેલા ચારેય આરોપીઓ વાસ્મોમાં સોશિયલ મોબિલાઈઝર તરીકે કરાર આધારિત ફરજ બજાવતા હતા. ઝડપાયેલા કર્મચારીઓમાં ગીરીશ વાળંદ, જનાર્દન પટેલ, મહેન્દ્ર રાઠોડ અને નાથા ડામોરનો સમાવેશ થાય છે. આ કર્મચારીઓ પાસે ખાનપુર, લુણાવાડા, કડાણા અને સંતરામપુર એમ ચાર અલગ-અલગ તાલુકાઓનો ચાર્જ હતો. તેમની મુખ્ય કામગીરી લોકો સાથે સંપર્ક કરવો, યોજના વિશે સમજાવવું અને સરપંચોને વહીવટી પ્રક્રિયામાં મદદ કરવાની હતી.

કેવી રીતે આચર્યું કૌભાંડ?
તપાસમાં બહાર આવ્યું છે કે આ કર્મચારીઓએ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને સરપંચો પાસેથી વિશ્વાસમાં લઈને કોરા લેટરપેડ મેળવી લીધા હતા. આ લેટરપેડ પર ખોટી સહીઓ કરી સરકારી ફંડની માંગણી કરવામાં આવતી હતી. 22 જૂન 2026ના રોજ વાસ્મોના તત્કાલીન યુનિટ મેનેજર ગિરીશ અગોલાએ વડોદરા CID ક્રાઇમમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
714 ગામમાંથી 620 ગામોમાં ગેરરીતિ થઈ હોવાની વિગતો સામે આવી છે. જેમાં નલ સે જલ યોજના અંતર્ગત ગામડાઓમાં પીવાના પાણીની લાઈન અને નળ કનેક્શનના કામોના પતાવટ માટે માંગણી પત્રો ભરવાના હોય છે, આ કામકાજ માટે નિયુક્ત કરાર આધારિત કર્મચારીઓએ પોતે જ તમામ વિગતો ભરી બારોબાર વહીવટ પાડી દીધો હોવાનો આરોપ છે, નિયમોનું ઉલ્લંઘન કરી સરપંચોના કોરા લેટરપેડનો ઉપયોગ કરીને નાણાની માંગણી કરી મસમોટું કૌભાંડ કર્યું હતું જેની તપાસમાં CID ક્રાઇમ હાલ કાર્યવાહી કરી રહી છે.
કુલ 23 લોકોની ધરપકડ થઈ ચૂકી છે
અત્યાર સુધીમાં ભાજપ નેતા મુકેશ શ્રીમાળી સહિત કુલ 23 કૌભાંડીઓની ધરપકડ થઈ છે. આ કેસમાં 20 આરોપીઓએ આગોતરા જામીન માટે અરજી કરી હતી, જેમાંથી કોર્ટે 18ની અરજી ફગાવી દીધી છે, જ્યારે 2ને હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે. કરોડોના ભ્રષ્ટાચારને કારણે યોજના ખોરંભે પડી છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર ક્યારે આ નાણાંની રિકવરી કરશે અને તરસ્યા ગ્રામજનોને ક્યારે નળ વાટે શુદ્ધ પીવાનું પાણી મળશે?
નોંધનીય છે કે, કૌભાંડના મુખ્ય સૂત્રધારો અને કરોડો રૂપિયાની રિકવરી જેમની પાસેથી કરવાની છે તેવા મોટા કોન્ટ્રાક્ટરો હજુ પણ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. આ ભેદભાવભરી કાર્યવાહીને લઈને સ્થાનિક સ્તરે તપાસની નિષ્પક્ષતા પર અનેક સવાલો ઊઠી રહ્યા છે.



