गुजरात

બુધેલ ગામે યુવાનની હત્યારા શખ્સને આજીવન કેદની સજા | Man sentenced to life imprisonment for killing young man in Budhel village



– માતાને ભગાડી ગયાનો ખાર રાખી પુત્રએ ખૂની ખેલ ખેલ્યો હતો

– સામા પક્ષે પરિણીતાને બે વર્ષ કારાવાસનો કોર્ટે હુકમ કર્યો

ભાવનગર : બુધેલ ગામે સાડા ત્રણ વર્ષ પૂર્વે માતાને ભગાડી ગયાનો ખાર રાખી પુત્રએ ખૂની ખેલ ખેલ્યાની ચકચારી ઘટનામાં ન્યાયપાલિકાએ હત્યારા શખ્સને આજીવન કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો છે. સામા પક્ષે મારામારીના કેસમાં એક પરિણીતાને બે વર્ષ કારાવાસનો હુકમ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બુધેલ ગામે કાના પોપટભાઈ રાઠોડની માતાને કાળુભાઈ રવજીભાઈ મકવાણા નામનો યુવાન એક દિવસ માટે ભગાડી ગયો હતો. તે બાબતની દાઝ રાખી પાંચ વર્ષ બાદ કાના રાઠોડે ઘરે ધસી જઈ નીતાબેન અને તેમના ભાઈ કાળુભાઈ મકવાણાને ગાળો દઈ કાળુભાઈને છાતિના ભાગે છરીના બે ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. દરમિયાનમાં યુવકનું સારવારમાં મૃત્યુ થતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આ ઘટના અંગે નીતાબેન બુધાભાઈ મેરએ ગત તા.૨૦-૭-૨૦૨૨ના રોજ ફરિયાદ નોંધાવતા વરતેજ પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લઈ જેલમાં ધકેલી દીધો હતો. આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ સેશન્સ જજ એચ.એસ. મુલિયાની કોર્ટમાં ચાલી જતાં જિલ્લા સરકારી વકીલ મનોજભાઈ જોષીની અસરકારક દલીલો, આધાર, પુરાવા અને સાક્ષી વગેરેને ધ્યાને રાખી કોર્ટે આરોપી કાના રાઠોડને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રોકડ રૂા.૨૫,૦૦૦નો દંડ ફટકાર્યો હતો.

સામા પક્ષે મારામારીની ઘટનામાં મૃતક કાળુભાઈ મકવાણા, તેમના બહેન નીતાબેન મેર અને નીતાબેનના સાસુ કમુબેન સામે ગુનો નોંધાયો હતો. આ કેસમાં સરકારી વકીલ મિતેષભાઈ મહેતની ધારદાર દલીલો, આધાર-પુરાવા, સાક્ષીઓ વગેરેને ધ્યાને રાખી ન્યાયમૂર્તિ એચ.એસ. મુલિયાએ નીતાબેનને બે વર્ષ કેદની સજા, રોકડ રકમનો દંડ ફટકાર્યો હતો.



Source link

Related Articles

Back to top button