ગુજરાત હાઈકોર્ટનું કડક અવલોકન: ત્રાસ આપતા પતિની સજા માફ, આશરો ન આપનાર માતા-પિતા ગુનાને પાત્ર | Harassment Cases: Gujarat HC Makes Strong Observation on Parents’ Responsibility

![]()
Gujarat High Court: પરિણીત મહિલાઓ દ્વારા સાસરિયાના ત્રાસથી કંટાળીને સંતાનો સાથે આપઘાત કરવાના વધતા કિસ્સાઓ પર ગુજરાત હાઈકોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. એક ચુકાદા દરમિયાન જસ્ટિસ ગીતા ગોપીએ અવલોકન કર્યું હતું કે, ‘જે માતા-પિતા પોતાની દીકરીને સાસરિયામાં ક્રૂરતા સહન કરવા મજબૂર કરે છે અથવા પિયરમાં આશરો આપવાનો ઇન્કાર કરે છે, તેઓ પણ દીકરીના આપઘાત માટે જવાબદાર ગણી શકાય.’
શું હતો સમગ્ર કેસ?
એક પરિણીતાએ તેના દારૂડિયા પતિના ત્રાસ અને મારથી કંટાળીને પોતાના એક વર્ષના માસૂમ બાળક સાથે ટ્રેન નીચે કૂદીને આપઘાત કરી લીધો હતો. આ કેસમાં ટ્રાયલ કોર્ટે પતિને 7 વર્ષની સજા ફટકારી હતી. જો કે, હાઈકોર્ટે પુરાવાના અભાવે પતિને નિર્દોષ જાહેર કર્યો છે અને પિયર પક્ષની ભૂમિકા અંગે આકરા સવાલો ઊઠાવ્યા હતા.
ગુજરાત હાઈકોર્ટનું કડક અવલોકન
ગુજરાત હાઈકોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે, ઘણીવાર દીકરી સાસરિયામાં સહન ન કરી શકતા પિયર પાસે મદદ માંગે છે, પરંતુ માતા-પિતા કે જ્ઞાતિના વડાઓ તેને સમજાવીને કે દબાણ કરીને પાછી સાસરે મોકલે છે. જે માતા-પિતા દીકરીને આશરો ન આપીને તેને ઘાતક પરિસ્થિતિમાં પાછી મોકલે છે, તેમની સામે ‘આપઘાત માટે મજબૂર કરવા’ના આરોપ હેઠળ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
કોર્ટે સ્પષ્ટ કર્યું કે, માતા-પિતા ગમે તેટલી મુશ્કેલ સ્થિતિમાં હોય, પણ તેમને તેમના માસૂમ બાળકોનું જીવન છીનવી લેવાનો કોઈ અધિકાર નથી.
સમાજમાં પ્રગતિશીલ વિચારધારાની જરૂર
જસ્ટિસ ગીતા ગોપીએ ભાર મૂક્યો હતો કે, સમાજમાં માતા-પિતાને એ બાબતે શિક્ષિત કરવા જોઈએ કે દીકરી માટે પિયરના દરવાજા હંમેશા ખુલ્લા રહેવા જોઈએ. ન્યાય માટે પોલીસની મદદથી એક રચનાત્મક અને સંવેદનશીલ અભિગમ હોવો જરૂરી છે. જો આશરો ન આપનાર માતા-પિતા સામે કાર્યવાહી શરૂ થાય, તો પરિણીત મહિલાઓના આપઘાતના દરમાં મોટો ઘટાડો લાવી શકાય તેમ છે.
કોર્ટે અંતમાં જણાવ્યું હતું કે દીકરીઓને મરવા માટે મજબૂર કરતા સાસરિયાઓ જેટલા જવાબદાર છે, તેટલા જ જવાબદાર એ માતા-પિતા પણ છે જેઓ મુસીબતના સમયે દીકરીનો હાથ છોડી દે છે. સમાજમાં પરિવર્તન લાવવા માટે આ એક સીમાચિહ્નરૂપ અવલોકન સાબિત થઈ શકે છે.



