ગુંડાગીરી નહીં, સન્માનથી વાત કરો; આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરો: ફ્રાંસની ટ્રમ્પને ચેતવણી | trump threatens france wine tariff macron peace board

Donald Trump vs Emmanuel Macron: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફ્રાંસના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ(WEF)ને સંબોધિત કરતા મેક્રોને ટ્રમ્પની ધમકીઓનો જડબાતોડ જવાબ આપ્યો છે. મેક્રોનએ સ્પષ્ટ કર્યું કે ફ્રાંસ ધમકીઓ કે ગુંડાગીરી સામે ઝૂકશે નહી, સન્માનથી વાત કરો અને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું સન્માન થવું જોઈએ.
200% ટેરિફની ધમકી અને ગાઝા શાંતિ બોર્ડ
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ટ્રમ્પે ફ્રાંસની પ્રખ્યાત વાઈન અને શેમ્પેઇન પર 200% ટેરિફ લગવવાની ચેતવાની આપી. ટ્રમ્પની નારાજગીનું કારણ કારણ એ છે કે ફ્રાંસે ગાઝાના વહીવટ માટે ટ્રમ્પ દ્વારા બનવવામાં આવેલા ‘નેશનલ કમિટી ફોર ધ એડમિનિસ્ટ્રેશન ઓફ ગાઝા'(NCAG) અથવા ‘પીસ બોર્ડ’માં જોડાવાનો ઇનકાર કર્યો છે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર મેક્રોનનો એક ખાનગી મેસેજ પણ લીક કર્યો, જેમાં મેક્રોનએ ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકાના વલણ પર સવાલ ઉઠાવ્યા હતા. ટ્રમ્પે કટાક્ષ કરતા કહ્યું કે, ‘જો હું ટેરિફ લગાવીશ, તો મેક્રોન જાતે જ શાંતિ બોર્ડમાં જોડાઈ જશે.’
મેક્રોનનો વળતો પ્રહાર: ‘દુનિયા તાનાશાહી તરફ વધી રહી છે’
સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં આયોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનએ અત્યંત આક્રમક અને ગંભીર વલણ અપનાવ્યું હતું. તેમણે અમેરિકાનું નામ લીધા વિના નિશાન સાધતા જણાવ્યું કે, ‘કોઈપણ દેશની જમીન, આઝાદી કે સાર્વભૌમત્વ પર દબાણ લાવવા માટે ટેક્સ અને આર્થિક પાબંદીઓનો હથિયાર તરીકે ઉપયોગ કરવો બિલકુલ સ્વીકાર્ય નથી.’
આંતરરાષ્ટ્રીય મંચ પર ગ્રીનલેન્ડ વિવાદનો ઉલ્લેખ કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે, ‘ફ્રાંસ પોતાના મિત્ર દેશ ડેનમાર્ક સાથે મક્કમતાથી ઊભું છે અને યુરોપની સંપ્રભુતા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.’ ભાષણ દરમિયાન જ્યારે મેક્રોનએ કહ્યું કે ‘આ સમય શાંતિ, સ્થિરતા અને વિશ્વાસનો હોવો જોઈએ’, ત્યારે હોલમાં હાજર લોકો વર્તમાન ભૌગોલિક તણાવને જોઈને હસી પડ્યા હતા. આ હાસ્ય પર પ્રતિક્રિયા આપતા મેક્રોનએ પણ સ્વીકાર્યું હતું કે આજની વાસ્તવિકતા આનાથી તદ્દન અલગ છે અને વિશ્વ હાલમાં અસ્થિરતા, યુદ્ધો અને નબળા પડતા લોકશાહી મૂલ્યોના જોખમી વળાંક પર ઊભું છે.
શું છે આ ‘પીસ બોર્ડ'(NCAG) અને તેના પર વિવાદ?
ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝાના વહીવટ અને પુનઃનિર્માણ માટે ‘નેશનલ કમિટી ફોર ધ એડમિનિસ્ટ્રેશન ઓફ ગાઝા'(NCAG) હેઠળ એક વિશેષ ‘બોર્ડ ઓફ પીસ’નું ગઠન કર્યું છે, જેમાં ભારત, રશિયા અને પાકિસ્તાન સહિત વિશ્વના 60 દેશોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બોર્ડની સભ્યપદ ફીને લઈને મોટો વિવાદ ઊભો થયો છે, કારણ કે બ્લૂમબર્ગના અહેવાલ મુજબ કાયમી સભ્યપદ મેળવવા માટે દેશોએ 1 અબજ ડોલર(આશરે ₹8400 કરોડ) આપવા પડશે, જોકે વ્હાઇટ હાઉસે આ અહેવાલોને ભ્રામક ગણાવ્યા છે.
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આ પહેલ સામે નારાજગી વ્યક્ત કરી છે, કારણ કે તેમાં તૂર્કીયે જેવા દેશોને સામેલ કરાયા છે જેમને ઇઝરાયલ હમાસના સમર્થક ગણે છે. આ બોર્ડમાં ભારતીય મૂળના અને વિશ્વ બેન્કના પ્રમુખ અજય બંગાને પણ સભ્ય તરીકે સ્થાન આપવામાં આવ્યું છે, જે ગાઝાના આર્થિક વિકાસ અને ‘મિરેકલ સિટીઝ’ જેવી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
આ પણ વાંચો: BIG NEWS | બાંગ્લાદેશમાં તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ભારતનો વધુ એક મોટો નિર્ણય
ફ્રેન્ચ વાઈન અને શેમ્પેઈનનું મહત્ત્વ
જો ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફ્રેન્ચ વાઈન પર 200% જેટલો ટેરિફ લાદવામાં આવે છે, તો ફ્રાંસના અર્થતંત્રને મોટો આર્થિક ફટકો પડી શકે છે. ફ્રાંસ હાલમાં ઇટાલી પછી વિશ્વનો બીજો સૌથી મોટો વાઈન ઉત્પાદક દેશ છે અને વૈશ્વિક વાઈન ઉત્પાદનમાં તે આશરે 15-16% જેટલો હિસ્સો ધરાવે છે.
તેમજ જો શેમ્પેઈનની વાત કરીએ તો, સમગ્ર વિશ્વમાં વેચાતી 100% શેમ્પેઈન માત્ર ફ્રાન્સના ‘શેમ્પેઈન’ ક્ષેત્રમાં જ તૈયાર થાય છે, કારણ કે આ નામનો ઉપયોગ અન્ય કોઈ દેશ કરી શકતો નથી. 2025ના આંકડા મુજબ, વિશ્વના કુલ 23.2 ખરબ મિલીલીટર વાઈન ઉત્પાદનમાંથી 3.59 ખરબ મિલીલીટર ઉત્પાદન માત્ર ફ્રાંસનું છે. અમેરિકા ફ્રેન્ચ વાઈન માટે એક મોટું બજાર હોવાથી, આ ટેરિફ ફ્રાંસના કૃષિ અને નિકાસ ક્ષેત્રની કમર તોડી શકે તેમ છે.
મેક્રોનએ G7ની બેઠક બોલાવવાનો પ્રસ્તાવ આપીને વિવાદ ઉકેલવાની કોશિશ કરી છે, પરંતુ ટ્રમ્પના આક્રમક વલણને જોતા યુરોપ અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોર ફાટી નીકળવાની શક્યતા નકારી શકાય તેમ નથી.




