राष्ट्रीय

ભાજપ પાસે રૂ. 10,000 કરોડની રોકડ અને ડિપોઝીટ્સનું જંગી ભંડોળ | BJP has a huge fund of Rs 10 000 crore in cash and deposits



– ભાજપે ચૂંટણી પંચ સમક્ષ 2024-25ના ઓડિટ રિપોર્ટ રજૂ કર્યો

– 2024-25માં લોકસભા, 8 રાજ્યોની વિધાનસભા અને પેટા ચૂંટણીમાં ભાજપે રૂ. 3,335.36 કરોડનો ખર્ચ કર્યો

નવી દિલ્હી : ભારત પર સતત ત્રણ વખતથી સત્તાના સૂત્રો સંભાળી રહેલા ભાજપ પાસે રૂ. ૧૦,૦૦૦ કરોડના મૂલ્યની રોકડ અને ડિપોઝીટ્સ છે તેમ ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલા પક્ષના વાર્ષિક ઓડિટ રિપોર્ટમાં જણાવાયું છે. વર્ષ ૨૦૨૪-૨૫માં ભાજપે દિલ્હીમાં આપ, ઓડિશામાં બીજેડી સામે તથા કેન્દ્રમાં ફરી ચૂંટાવા માટે ચૂંટણી અભિયાનો કર્યા ત્યારે પક્ષે રૂ. ૩,૩૩૫.૩૬ કરોડનો ખર્ચ કર્યો હતો, જે એક વર્ષ પહેલાં તેના રૂ. ૧,૭૫૪.૦૬ કરોડના ચૂંટણી ખર્ચ કરતાં બમણો હતો. ભાજપે લોકસભા, વિધાનસભા અને પેટા ચૂંટણીઓમાં આ ખર્ચ કર્યો હતો. 

દેશમાં રાજકીય પક્ષોમાં ભાજપની તાકાતનો એ બાબત પરથી જ પરચો મળે છે કે વર્ષ ૨૦૨૪-૨૫માં લોકસભા ચૂંટણી, આઠ રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને પેટા ચૂંટણીઓ થઈ હતી. આ ચૂંટણીઓમાં ભાજપે કુલ રૂ. ૩,૩૩૫.૩૬ કરોડનો ખર્ચ કર્યો હતો તેમ ભાજપે ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલા ઓડિટ રિપોર્ટમાં જણાવાયું હતું. 

આ રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૨૪-૨૫માં ભાજપની રોકડ અને ડિપોઝીટ્સમાં રૂ. ૨,૮૮૨.૩૨ કરોડનો વધારો થયો હતો. ૩૧ માર્ચ, ૨૦૨૫ના અંતે પક્ષનું જનરલ ફંડનું ક્લોઝિંગ બેલેન્સ રૂ. ૧૨,૧૬૪ કરોડ હતું, જે અગાઉના વર્ષમાં રૂ. ૯,૧૬૯ કરોડ હતું.  જનરલ ફંડમાં રૂ. ૯,૯૯૬ કરોડની રોકડ અને બેન્ક ડિપોઝીટ્સ તથા રૂ. ૨૩૪.૧૧ કરોડની લોન્સ અને એડવાન્સનો સમાવેશ થાય છે.  વર્ષ ૨૦૨૪-૨૫માં ભાજપને રૂ. ૬,૧૨૫ કરોડનું સ્વૈચ્છિક દાન મળ્યું હતું, જે અગાઉના વર્ષમાં રૂ. ૩,૯૬૭ કરોડ કરતાં અનેક ગણો વધારો દર્શાવે છે. આ સમયમાં રૂ. ૯,૩૯૦ કરોડની ફિક્સ ડિપોઝીટ્સ સાથે ભાજપને બેન્કોમાં તેની ડિપોઝીટ્સ પર રૂ. ૬૩૪ કરોડનું વ્યાજ પણ મળ્યું હતું. ભાજપે ૨૦૨૪-૨૫માં રૂ. ૬૫.૯૨ કરોડનું ઈન્કમ ટેક્સ રિફન્ડ ફાઈલ કર્યું હતું અને તેના પર રૂ. ૪.૪૦ કરોડની વ્યાજની આવક મેળવી હતી.

વર્ષ ૨૦૨૪-૨૫ માટે પક્ષના કુલ ખર્ચમાં ૮૮.૩૬ ટકા ચૂંટણી પાછળ થયો હતો. પક્ષે આ સમયમાં ચૂંટણી પાછળ રૂ. ૩,૩૩૫.૩૬ કરોડનો ખર્ચ કર્યો હતો, જેમાં પક્ષે રૂ. ૩૧૨.૯ કરોડની નાણાકીય સહાય તેના ઉમેદવારોને કરી હતી અને રૂ. ૫૮૩ કરોડ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર્સમાં પ્રવાસ માટે ખર્ચ્યા હતા.

ભાજપે ૨૦૨૪-૨૫માં ચૂંટણી સમયમાં ઈલેક્ટ્રોનિક મીડિયામાં જાહેરાતો માટે રૂ. ૧,૧૨૫ કરોડનો ખર્ચ કર્યો હતો, જેમાં રૂ. ૧૦૭ કરોડનો ખર્ચ કટઆઉટ, હોર્ડિંગ્સ અને બેનર્સ પાછળ જ્યારે રૂ. ૧૨૩ કરોડનો ખર્ચ પ્રીન્ટ મટીરીયલ પાછળ કરાયો હતો. ભાજપે આ સમયમાં જાહેરાતો પાછળ રૂ. ૮૯૭ કરોડ, રેલીઓ અને કેમ્પેઈન્સ પર રૂ. ૯૦.૯૩ કરોડ અને બેઠકો પાછળ રૂ. ૫૧.૭૨ કરોડનો ખર્ચ કર્યો હતો તેમ રિપોર્ટમાં જણાવાયું હતું.



Source link

Related Articles

Back to top button