અમેરિકાની ધમકી બાદ ઈરાનમાં કંઈક મોટું થવાના એંધાણ ! ખામેનેઈ ફરી બંકરમાં છૂપાયા | Khamenei Hides in Underground Bunker After US Israel Threats Iran Deploys F 15 Jets Near Border

![]()
America-Iran Dispute : પશ્ચિમ એશિયામાં ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાયા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની સીધી ધમકી બાદ ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈ તેહરાન નજીક આવેલા સુરક્ષિત બંકરમાં છુપાઈ ગયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. છેલ્લા સાત મહિનામાં તેઓ બીજી વખત બંકરમાં છૂપાયા છે.
અમેરિકાની ધમકી બાદ ખામેનેઈ બંકરમાં છૂપાયા
તાજેતરમાં જ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ઈરાનમાં સત્તાપલટો કરવાની ધમકી આપી હતી. અહેવાલો મુજબ ટ્રમ્પે ખામેનેઈની હાલત કાસિમ સુલેમાની અથવા બગદાદી જેવી કરવાની વાત કરી છે. બીજી તરફ નેતન્યાહૂએ પણ ચેતવણી આપી છે કે, ઈરાન પર એવો હુમલો થશે જેવો પહેલા ક્યારેય જોયો નહીં હોય. ઈરાન સરકારને ડર છે કે, અમેરિકી ગુપ્તચર એજન્સી અને મોસાદ મળીને તેહરાન પર ગમે ત્યારે મોટું ઓપરેશન પાર પાડી શકે છે.
ખામેનેઈ પર નિકોલસ જેવું ઓપરેશન થવાનો ઈરાનને ડર?
અમેરિકાએ તાજેતરમાં જ વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોનું તેમના નિવાસસ્થાનેથી અપહરણ કરી તેમને અમેરિકી જેલમાં મોકલી દીધા છે. આ ઘટનાથી ઈરાન ઍલર્ટ પર છે. જૂન 2025માં જ્યારે અમેરિકા અને ઈઝરાયેલે ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલો કર્યો હતો, ત્યારે પણ ખામેનેઈ 21 દિવસ સુધી બંકરમાં રહ્યા હતા. ઈરાનની સરકારી મીડિયાના રિપોર્ટ મુજબ, ખામેનેઈ છેલ્લે 17 જાન્યુઆરીએ જાહેરમાં આવ્યા હતા અને તેમણે અમેરિકા-ઈઝરાયલ પર નિશાન સાધ્યું હતું.
‘જો ખામેનેઈ પર હુમલો થશે તો…’ રાષ્ટ્રપ્રમુખ પેજેશકિયનની ધમકી
ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેજેશકિયને સ્પષ્ટ કહ્યું છે કે, ‘જો સુપ્રીમ લીડર પર કોઈ હુમલો થશે તો તેહરાન તેને સીધું યુદ્ધ માનશે.’ ઈરાને 12 એફ-15 જેટ વિમાનોને જોર્ડન સરહદ પાસે તૈનાત કર્યા છે. તો અમેરિકાએ પણ ‘યુએસએસ અબ્રાહમ’ યુદ્ધ જહાજને મલક્કાની ખાડીમાં ઉતારીને ઈરાનની ઘેરાબંધી મજબૂત કરી છે. ઈરાનમાં ચાલેલા વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 5000થી વધુ લોકોના મોત થયા હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.

