અમદાવાદમાં ફાયર સહાયક સ્ટેશન ઓફિસરની પરીક્ષા રદ, સિલેબસ બહારના પ્રશ્નોના આક્ષેપ બાદ AMCનો નિર્ણય | Ahmedabad Fire Department Station Officer Exam Cancelled

Ahmedabad News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના ફાયર વિભાગની આજે(20 જાન્યુઆરી, 2026) લેવાયેલી સહાયક સ્ટેશન ઓફિસરની પરીક્ષા રદ કરવામાં આવી છે. સિલેબસ બહારના સવાલો પૂછાયા હોવાના ઉમેદવારોના આક્ષેપને પગલે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સહાયક સ્ટેશન ઓફિસરની પરીક્ષા રદ
AMCના ફાયર વિભાગની સહાયક સ્ટેશન ઓફિસરની પરીક્ષા આજે મંગળવારે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા લેવામાં આવી હતી. પરીક્ષાને લઈને ઉમેદવારોએ આક્ષેપ કર્યા હતા કે, ‘પેપરમાં સિલેબસ બહારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.’
11 ફેબ્રુઆરીએ ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય
ઉમેદવારોના આક્ષેપને ધ્યાનમાં રાખીને AMCએ તાત્કાલિક પરીક્ષા રદ કરી છે અને હવે આગામી 11 ફેબ્રુઆરીના રોજ પરીક્ષા યોજવાનો નિર્ણય લીધો છે.
32 ઉમેદવારોએ આપી હતી પરીક્ષા

અગાઉ પરીક્ષા વગર સીધા ઈન્ટરવ્યૂ રખાતા વિરોધ થયેલો
મળતી માહિતી મુજબ, AMCના ફાયર એન્ડ ઈમરજન્સી ખાતામાં સહાયક સ્ટેશન ઓફિસરની ભરતી બહાર પાડવામાં આવી હતી. ભરતીમાં કુલ 144 અરજી મળી હતી, જેમાંથી 120 ઉમેદવારોને ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવ્યા હતા. આ પછી ફિઝિકલ ટેસ્ટમાં પાસ થનારા 62 ઉમેદવારોમાંથી 32 ઉમેદવારોનું વેરિફિકેશન થતાં મૌખિક ઇન્ટરવ્યૂ માટે બોલાવાયા હતા.
સમગ્ર ભરતી પ્રક્રિયામાં લેખિત પરીક્ષાને સ્થાન ન આપવામાં આવતા આ મામલે કોંગ્રેસ દ્વારા ભરતીમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરીને વિરોધ નોંધાવ્યો હતો. જેને લઈને તંત્ર દ્વારા ભરતી પ્રક્રિયામાં પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આજે મંગળવારે લેવામાં આવેલી પરીક્ષામાં સિલેબસ બહારના પ્રશ્નો પૂછાતા ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો હતો. અંતે AMCએ પરીક્ષા રદ કરીને નવી તારીખ જાહેર કરી છે.



