ભાજપે ચૂંટણી માટે રૂ. 3300 કરોડ ખર્ચ્યા, તો કોંગ્રેસે રૂ.890 કરોડ… જુઓ તમામ પક્ષનો ડેટા | Which Party Spent More In 2024 2025 Elections BJP Congress JDU TMC TDP BJD EC Data

![]()
Election Expenditure Report : ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોએ ચૂંટણી વર્ષ 2024-2025માં કેટલો ખર્ચ કર્યો અને કયા પક્ષોની આવક વધી, તેનો ચૂંટણી પંચે ડેટા જાહેર કર્યો છે. રિપોર્ટ મુજબ, ભાજપે રાજકીય પક્ષોના ખર્ચ અને આવક મામલે નવો રેકોર્ડ નોંધાવ્યો છે.
ચૂંટણી પાછળ ભાજપે કોંગ્રેસ કરતા ચાર ઘણો વધુ ખર્ચ કર્યો
ચૂંટણી પંચમાં જમા કરવામાં આવેલા પાર્ટીના ઓડિટ રિપોર્ટના વિશ્લેષણ મુજબ, ભાજપે 2024-2025માં ચૂંટણી પાછળ કુલ 3,335.36 કરોડ રૂપિચા ખર્ચ કર્યો છે, જ્યારે કોંગ્રેસે 896.22 કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે. એટલે કે ભાજપે કોંગ્રેસ કરતા ચાર ઘણો વધુ ખર્ચ કર્યો છે. આ સમયગાળામાં લોકસભા ચૂંટણી, આઠ રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને પેટા-ચૂંટણી યોજાઈ હતી.
ભાજપે રૂ.6769.14 કરોડની આવક મેળવી
આવકની વાત કરીએ તો ભાજપે 2024-2025માં 6,769.14 કરોડ રૂપિયાની આવક મેળવી છે, તેમાંથી 6,124.85 કરોડ રૂપિયા ડોનેશન મેળવ્યું છે. ભાજપે નેતાઓની વિમાની મુસાફરી અને હેલિકોપ્ટર સેવા પાછળ 583.08 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે, જ્યારે ઉમેદવારોને નાણાંકીય સહાય રૂપે 312.90 કરોડ રૂપિયા આપ્યા છે.
ભાજપે કર્મીઓ પર રૂ.74.34 કરોડનો ખર્ચ કર્યો
ભાજપે કર્મચારીઓ પર 74.34 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે, આમાં 69.07 કરોડ રૂપિયા પગાર પાછળ અને 5.27 કરોડ રૂપિયા કર્મચારી કલ્યાણ યોજનાઓ પાછળ ખર્ચ કરાયો છે. જોકે પાર્ટી દ્વારા પગાર ખર્ચમાં સામાન્ય ઘટાડો થયો છે. રહસપ્રદ વાત એ છે કે, ભાજપે 2024-25માં જૂના અખબારો વેચીને માત્ર 2.26 લાખ રૂપિયાની કમાણી કરી છે, જ્યારે નવા અખબારો ખરીદવા માટે 50.29 લાખ રૂપિનો ખર્ચો કર્યો છે. ભાજપે વર્ષ 2024-2025માં કુલ 3774.58 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે, ત્યારબાદ પાર્ટી પાસે 2994.56 કરોડ રૂપિયા સરપ્લસ છે.
આ પણ વાંચો : આસામના કોકરાઝારમાં હિંસા-આગચંપી-તોડફોડ, ઈન્ટરનેટ બંધ, જુઓ VIDEO
કોંગ્રેસે પણ કર્યો કરોડો રૂપિયાનો ખર્ચો, TMCને ઝટકો
બીજીતરફ ભાજપની તુલનાએ કોંગ્રેસની સ્થિતિ નબળી રહી છે. કોંગ્રેસે 2024-2025માં 918.28 કરોડ રૂપિયાની આવક મેળવી છે, જ્યારે 1111.94 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. એટલે કે કોંગ્રેસે આવકથી વધુ ખર્ચ કર્યો છે. ભાજપે 2023-2024માં 4340.47 કરોડ રૂપિયાની આવક મેળવી હતી, જે 2024-2025માં વધીને 6769314 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. જ્યારે પાર્ટીનો ખર્ચ 2211.69 કરોડ રૂપિયાથી વધીને 3774.58 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે.
TMCને ઝટકો, ડોનેશન ઘટ્યું
અન્ય પક્ષોની વાત કરીએ તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. TMCનું ડોનેશન 646.39 કરોડથી ઘટીને 184.08 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. જ્યારે પાર્ટીએ 2024-2025માં કુલ 227.59 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આમાં 137.58 કરોડ રૂપિયા ચૂંટણી ખર્ચ પણ સામેલ છે. આ ઉપરાંત YSR કોંગ્રેસ પાર્ટીનું ડોનેશન 184.11 કરોડ રૂપિયાથી ઘટીને 140.05 કરોડ રૂપિયા થયું છે અને ચૂંટણી પાછળ 299.92 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આમાં 2.14 કરોડ રૂપિયા સ્ટાર પ્રચારકો પાછળ ખર્ચ કરાયો છે.
TDP-BJDનું પણ ડોનેશન ઘટ્યું
આ ઉપરાંત તેલુગુ દેશમ પાર્ટી (TDP)ને મળતું ડોનેશન 274.65 કરોડ રૂપિયાથી ઘટીને 85.20 કરોડ, બીજૂ જનતા દળ (BJD)ને મળતું ડોનેશન 245.5 કરોડ રૂપિયાથી ઘટીને 60 કરોડ નોંધાયું છે. જ્યારે બીજેડીએ 2024-2025ની ચૂંટણીમાં 270.66 કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે.
JDU-SPની આવક વધી
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઈટેડ (JDU)નું ડોનેશન 4.35 કરોડ રૂપિયાથી વધીને 18.69 કરોડ રૂપિયા પર પહોંચ્યું છે. જ્યારે સમાજવાદી પાર્ટીની ડોનેશન રકમ 48.22 લાખ રૂપિયાથી વધીને 93.47 લાખ રૂપિયા પર પહોંચ્યું છે. ચૂંટણી પંચમાં જમા કરાવેલા ઓડિટ રિપોર્ટથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, ભાજપે 2024-2025ની ચૂંટણીઓમાં સંશાધનો અને ખર્ચ મામલે તમામ પક્ષોથી વધુ ખર્ચ કરવાની સાથે આવક મેળવી છે.



