दुनिया

તિલક લગાવતા હિન્દુ વિદ્યાર્થીને શાળા છોડવા મજબૂર કરાયો, લંડનમાં 8 વર્ષના બાળક સાથે ભેદભાવ | eight year old boy discriminated in london applying a tilak



Boy Discriminated in London applying a Tilak: યુનાઇટેડ કિંગડમની રાજધાની લંડનમાંથી ધાર્મિક અસહિષ્ણુતાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લંડનની એક પ્રાથમિક સ્કૂલમાં માત્ર 8 વર્ષના હિન્દુ વિદ્યાર્થીને તેના માથા પર તિલક (ચાંદલો) કરવા બદલ ભેદભાવનો સામનો કરવો પડ્યો છે. આ સ્થિતિ એટલી હદે વણસી હતી કે અંતે બાળકે સ્કૂલ બદલવાની ફરજ પડી હતી.

સ્કૂલના હેડ ટીચરનું જ અપમાનજનક વલણ

બ્રિટિશ હિન્દુ અને ભારતીય સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી એક સંસ્થાના જણાવ્યા અનુસાર, લંડનની વિકાર્સ ગ્રીન પ્રાઇમરી સ્કૂલના (Vicars Green Primary School) કર્મચારીઓએ માસૂમ બાળકને તેની ધાર્મિક પરંપરાઓ અંગે ખુલાસો આપવા દબાણ કર્યું હતું. સંસ્થાએ આક્ષેપ કર્યો છે કે સ્કૂલના હેડ ટીચર રિસેસ દરમિયાન સતત બાળક પર નજર રાખતા હતા, જેના કારણે 8 વર્ષનો બાળક ભયભીત થઈ ગયો હતો.

બાળકો પર ભેદભાવની ગંભીર અસરો

સ્કૂલના હેડ ટીચર દ્વારા રખાતી સતત દેખરેખ અને દબાણને કારણે 8 વર્ષનો માસૂમ બાળક એટલો ભયભીત થઈ ગયો હતો કે તેણે અન્ય સાથીદારો સાથે રમવાનું બંધ કરી દીધું અને તે સાવ એકલવાયો પડી ગયો હતો. એટલું જ નહીં, એવો પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે કે માત્ર તેની ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓને કારણે બાળકને સ્કૂલમાં સોંપવામાં આવેલા જવાબદારીભર્યા હોદ્દાઓ પરથી પણ હટાવી દેવામાં આવ્યો હતો, જે બાળકના માનસિક સ્વાસ્થ્ય માટે અત્યંત આઘાતજનક સાબિત થયું છે.

સ્કૂલના કર્મચારીઓ અને તંત્રની સંવેદનહીનતા

અહેવાલો મુજબ, બાળકના માતા-પિતાએ અન્ય હિન્દુ વાલીઓ સાથે મળીને સ્કૂલના સત્તાધીશોને હિન્દુ રીત-રિવાજો અને તિલકનું મહત્ત્વ સમજાવવા વારંવાર પ્રયાસો કર્યા હતા. જોકે, સ્કૂલ પ્રશાસને આ બાબતે કોઈ પણ પ્રકારની રુચિ દાખવી નહોતી. સંસ્થાના પ્રવક્તાએ જણાવ્યું કે, ‘કોઈ પણ બાળકને પોતાના ધર્મના કારણે દેખરેખ હેઠળ કે અલગ-થલગ અનુભવવું ન જોઈએ. આવા અનુભવો બાળકના માનસપટ પર ઊંડી નકારાત્મક અસર કરે છે.’

આ પણ વાંચો: ટ્રમ્પે ભારે કરી! ગ્રીનલેન્ડમાં અમેરિકાનો ઝંડો લગાવતી તસવીર શેર કરી દુનિયાભરમાં ચર્ચા જગાવી

અત્યાર સુધીમાં 4 બાળકોએ સ્કૂલ છોડી

આ સંસ્થાએ વધુમાં દાવો કર્યો છે કે વિકાર્સ ગ્રીન પ્રાઇમરી સ્કૂલમાં આ પહેલી ઘટના નથી. ધાર્મિક ભેદભાવ અને સંવેદનહીન વાતાવરણને કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ચાર હિન્દુ બાળકોએ આ સ્કૂલ છોડવી પડી છે. હિન્દુ રીત-રિવાજો પર વારંવાર સવાલો ઉઠાવીને તેમને સન્માન આપવાને બદલે નકારી કાઢવામાં આવ્યા હોવાનો ગંભીર આરોપ સ્કૂલ પર લાગ્યો છે.


તિલક લગાવતા હિન્દુ વિદ્યાર્થીને શાળા છોડવા મજબૂર કરાયો, લંડનમાં 8 વર્ષના બાળક સાથે ભેદભાવ 2 - image



Source link

Related Articles

Back to top button