राष्ट्रीय

12000 ફૂટની ઊંચાઈએ જૈશનું ‘બંકર’ ઉડાવી દીધું, આતંકીઓ વિરુદ્ધ ભારતીય સૈન્યની મોટી કાર્યવાહી | jammu kashmir kishtwar jaish terrorist bunker demolished 12000 feet



Jammu and Kashmir Jaish had Built a Bunker: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડના દુર્ગમ અને બરફાચ્છાદિત પહાડોમાં સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદના આતંકીઓના એક અત્યંત મજબૂત અને ગુપ્ત ‘કારગિલ-સ્ટાઈલ’ ફોર્ટિફાઇડ બંકરને શોધી કાઢીને ધ્વસ્ત કરી દીધું છે. સમુદ્ર સપાટીથી 12,000 ફૂટની ઊંચાઈએ બનેલા આ ઠેકાણામાં જૈશનો પાકિસ્તાની કમાન્ડર સૈફુલ્લાહ અને તેનો સાથી આદિલ મહિનાઓથી છુપાયેલા હતા.

બંકરમાંથી મળી લક્ઝરી સુવિધાઓ: લાંબી યોજનાનો ખુલાસો

જ્યારે સુરક્ષા દળોએ આ ગુપ્ત બંકરની અંદર પ્રવેશ કર્યો, ત્યારે ત્યાંની સુવિધાઓ અને લોજિસ્ટિક્સ જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. આતંકીઓએ અહીં લાંબો સમય સુધી બહારની દુનિયાથી સંપર્ક કાપીને પણ જીવિત રહી શકાય તેવી તમામ તૈયારીઓ કરી રાખી હતી. તપાસ દરમિયાન બંકરમાંથી 50 મેગીના પેકેટ, 20 કિલો ઉચ્ચ ગુણવત્તાવાળા બાસમતી ચોખા, ટામેટા-બટાકા જેવી તાજી શાકભાજી અને 15 જેટલા વિવિધ મસાલા મળી આવ્યા હતા, જે તેમની લાંબા ગાળાની યોજનાનો પુરાવો આપે છે. 

રસોઈ માટે ગેસ સિલિન્ડર અને સૂકા લાકડાનો મોટો જથ્થો પણ ત્યાં હાજર હતો. મોટા પથ્થરોની અત્યંત મજબૂત દીવાલોથી બનેલું આ ‘મિની-કિલ્લા’ જેવું બંકર એવી રીતે તૈયાર કરવામાં આવ્યું હતું કે તેમાં પ્રવેશવા અને બહાર નીકળવા માટે અનેક ગુપ્ત રસ્તાઓ હતા, જેના કારણે તે સુરક્ષા દળો માટે એક મોટો પડકાર બની ગયું હતું.

સાત જવાન ઘાયલ, એક હવાલદાર શહીદ

રવિવારે બપોરે જ્યારે સુરક્ષા દળોએ આ ઠેકાણાને ઘેરી લીધું, ત્યારે આતંકીઓએ અચાનક ગ્રેનેડ ફેંકીને હુમલો કર્યો હતો. આ અથડામણમાં સાત જવાન ઘાયલ થયા હતા, જેમાંથી હવાલદાર ગજેન્દ્ર સિંહે ગંભીર ઈજાઓને કારણે દમ તોડ્યો હતો અને શહીદ થયા હતા. આ હુમલા બાદ અંધારાનો લાભ લઈને સૈફુલ્લાહ અને આદિલ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.

આ પણ વાંચો: રાષ્ટ્રગીતને સન્માન ન મળતાં નારાજ થયા તમિલનાડુના રાજ્યપાલ, વિધાનસભાથી કર્યું વૉકઆઉટ

સ્થાનિક મદદની આશંકા: 4 શંકાસ્પદોની ધરપકડ

આટલી ઊંચાઈ અને દુર્ગમ વિસ્તારમાં આટલા મોટા પાયે રાશન અને ઈંધણ પહોંચાડવું સ્થાનિક મદદ વગર અશક્ય છે. તપાસ એજન્સીઓને આશંકા છે કે આતંકીઓને સ્થાનિક લોકો તરફથી લોજિસ્ટિક સપોર્ટ મળી રહ્યો હતો. હાલમાં ચાર શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે.

ઓવરગ્રાઉન્ડ નેટવર્ક પર ત્રાટકશે સુરક્ષા દળો

અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની કમાન્ડર સૈફુલ્લાહ છેલ્લા એક વર્ષથી આ વિસ્તારમાં સક્રિય હતો. બંકરની બનાવટ એટલી ચાલાકીભરી હતી કે ઉપરથી જોતા કોઈને અંદાજ પણ ન આવે કે નીચે રહેવા માટે આટલી મોટી જગ્યા છે. સુરક્ષા એજન્સીઓ હવે આ વિસ્તારના સમગ્ર ઓવરગ્રાઉન્ડ નેટવર્કને ખતમ કરવા માટે મોટું ઓપરેશન ચલાવી રહી છે જેથી ભવિષ્યમાં આવા ઠેકાણા ફરી તૈયાર ન થઈ શકે.


12000 ફૂટની ઊંચાઈએ જૈશનું 'બંકર' ઉડાવી દીધું, આતંકીઓ વિરુદ્ધ ભારતીય સૈન્યની મોટી કાર્યવાહી 2 - image



Source link

Related Articles

Back to top button