જામનગરની સાયબર ક્રાઇમ પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ ઝુંબેશ અંતર્ગત 9 વ્યક્તિઓના છેતરપિંડીમાં ગયેલા રૂ.18.25 લાખ પરત અપાવ્યા | Jamnagar’s Cyber Crime Police recovered 18 25 lakhs that were defrauded from 9 people

![]()
Jamnagar Cyber Crime : સમગ્ર રાજ્યભરની માફક જામનગર જિલ્લામાં પણ પોલીસનો ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અનેક પરિવાર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. ત્યારે જામનગર સાયબર ક્રાઈમ પોલીસે છેતરપિંડીમાં ગુમાવેલા 18.25 લાખ રૂપિયા 9 અરજદારોને પરત અપાવ્યા છે.
જામનગર શહેર-જિલ્લામાં વધતા જતા સાયબર ફ્રોડ વચ્ચે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં આવેલી અરજીઓમાંથી અરજદારોએ ગુમાવેલા નાણાનું પોલીસ ટીમ દ્વારા ઈન્વેસ્ટિગેશન કરીને તેની રિકવરીની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જે અંતર્ગત અરજદારો પાસે કોર્ટ કાર્યવાહી કરાવવામાં આવી હતી. ત્યાર પછી જે તે નાગરિકોએ પોતાને મળેલા કોર્ટ ઓર્ડર પોલીસ તંત્રને સોંપ્યા હતા. જે બાદ તમામને પોલીસે પૈસા પરત અપાવ્યા હતા.
સોશિયલ મીડિયામાં છેતરપીંડીનો ભોગ બન્યા બાદ પોલીસ તંત્રએ શરદ સુખદેવભાઈ સાંખલાના 1.80 લાખ રૂપિયા, મેહુલ પરમારના 6.17 લાખ, અજયસિંહ જાડેજાના 3.91 લાખ રૂપિયા, શિયાળ દીપકભાઈના 1.36 લાખ, પ્રિયંકાબેન દૂધાગરાના 61 હજાર, પોબિંદા ચરણસતપતિના 3.44 લાખ અને કિશોરભાઈ મકવાણાના 61 હજાર, વૈશાલીબેન ચાવડાના 31 હજાર રૂપિયા અને મકવાણા હરેશભાઈનો મોબાઈલ પરત અપાયો હતો. આમ પોલીસે 9 નાગરિકોના રૂ.18.25 લાખની રોકડ અને મોબાઈલ તેઓને પરત કર્યા હતા.


