યુનોના વિકલ્પે બોર્ડ ઓફ પીસના નવા સંગઠનની ટ્રમ્પની કવાયત | Trump’s exercise of a new organization of the Board of Peace as an alternative to UNO

![]()
– ગાઝા માટેના સૂચિત ‘પીસ બોર્ડ’ને વૈશ્વિક સંગઠન બનાવવાનો ટ્રમ્પનો કારસો
– ટ્રમ્પના ‘બોર્ડ ઓફ પીસ’માં કાયમી સભ્યપદ માટે રૂ. 9,000 કરોડ ફી : પુતિન, ભારત સહિત 60 દેશોને પ્રસ્તાવ મોકલ્યો
– ગાઝાના પુનરુત્થાન માટે બનાવાયેલા સૂચિત પીસ બોર્ડના ચાર્ટરમાં ગાઝાનું નામ જ નહીં
વોશિંગ્ટન : પૈસા ફેંક તમાશા દેખ એવું સામાન્ય રીતે કહેવાય છે, પરંતુ અમેરિકન ટ્રમ્પે આ કહેવત નવા જ સ્વરૂપમાં સાચી પાડી છે, ડોલર ફેંક ઔર બોર્ડ ઓફ પીસ કે પરમેનન્ટ મેમ્બર બન. યુએનની ૩૧ એજન્સીઓથી અમેરિકા અલગ એકઝાટકે અલગ થયુ ત્યારે કશીક નવીજૂનીના એંધાણ તો હતા, હવે નવીજૂની એ છે કે ટ્રમ્પે બોર્ડ ઓફ પીસના સ્વરૂપમાં પોતાનુ જ સંયુક્ત રાષ્ટ્ર શરૂ કરી દીધું છે.
આ બોર્ડ ઓફ પીસ એટલે કે ટ્રમ્પ રચિત સંયુક્ત રાષ્ટ્રસંઘના વડા તરીકે ટ્રમ્પ પોતે જ હશે. આ માટે ટ્રમ્પે કાયમી સભ્યપદ મેળવવું હોય તો એક અબજ ડોલર (૯,૦૦૦ કરોડ રૂપિયા)ની ફી પણ રાખી છે. આ માટે ટ્રમ્પ રશિયાના પ્રમુખ પુતિનની સાથે ભારત, પાકિસ્તાન અને ચીન સહિત ૬૦થી પણ વધુ દેશોને આમંત્રણ પણ મોકલી ચૂક્યા છે.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પ સારી રીતે જાણે છે કે અમેરિકાના ફંડિંગ વગર યુએન તેની એજન્સીઓ ચલાવી શકવાનું નથી, આ ઉપરાંત ટ્રમ્પ યુએનમાં યુરોપ અને એશિયાના વધતા પ્રભાવથી પણ ખુશ ન હતા. તેથી તેમણે યુએનને એકદમ નિષ્પ્રાણ કરવા માટે આબાદ સોગઠી મારી છે. તેની સાથે યુએનમાં કાયમી સભ્ય બનતા રહી ગયેલા ભારત જેવા દેશોને પોતાની તરફેણમાં કરવાનો આબાદ દાવ ખેલ્યો છે. આમ ભલભલા માથુ ખંજવાળતા રહી જાય તેવો દાવ ટ્રમ્પ આ બોર્ડ ઓફ પીસના સ્વરૂપમાં રમ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે કેટલાય દેશો તેના સભ્ય બનવા માટે હામી પણ ભરી ચૂક્યા છે. પણ યુરોપીયન સંઘ અને યુરોપના અગ્રણી દેશો તથા ભારત, રશિયા ચીન સહિતના બ્રિક્સના દેશોએ આ મુદ્દે હજી મગનું નામ મરી પાડયુ નથી. તેઓનો અભિગમ તેલ જુઓ અને તેલની ધાર જુઓ તેવો છે.
પહેલા તો એમ જ માનવામાં આવતું હતું કે ટ્રમ્પનું નવું પીસ ઓફ બોર્ડ ગાઝા માટે હશે, પરંતુ તેના ચાર્ટરમાં ગાઝાના ઉલ્લેખ સુદ્ધા નથી. અમેરિકાએ વૈશ્વિક શક્તિ તરીકે અને સત્તા કેન્દ્ર તરીકે પોતાનું વર્ચસ્વ જાળવવા માટે બોર્ડ ઓફ પીસ શરૂ કર્યુ છે. નિષ્ણાતોનું માનવું છે કે યુએનમાં વધતી અસંમતિથી ટ્રમ્પ ખુશ નથી. ગાઝા સંકટમાં યુએનની નિષ્ક્રીયતા સામે ઉભરીને આવી હતી. ટ્રમ્પ તંત્રએ યુએનને મળતા ફંડિંગમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. જો કે ટ્રમ્પના બોર્ડ ઓફ પીસને લઈને કેટલાય યુરોપીયન દેશોને શંકા છે. તેઓનું કહેવું છે કે તેઓ ટ્રમ્પના નેતૃત્વ હેઠળની કોઈપણ નવી વિશ્વ વ્યસ્થામાં મોટાપાયા પર ફંડિંગ નહીં કરે.
અહીં સૌથી મોટી ચિંતાજનક વાત એ છે કે એક અબજ ડોલર આપો તો તમે આ સંગઠનના સ્થાયી સભ્ય બની શકો છો. હવે વિચારો કે પાકિસ્તાન જેવું આતંકવાદી રાષ્ટ્ર આ બોર્ડનો સભ્ય બને પછી શાંતિ શું રહેવાની હતી. આજના યુગમાં એક અબજ ડોલર તો કોઈ આતંકવાદી સંગઠન પણ આપી દે તો શું તે બોર્ડ ઓફ પીસનું કાયમી સભ્ય બની જશે તેવા સવાલ પણ ઉઠાવવામાં આવી રહ્યા છે. આને કેટલાય લોકો બીજા વિશ્વયુદ્ધ પછીના સત્તાકેન્દ્રી આધારિત વ્યવસ્થામાંથી નાણા આધારિત વ્યવસ્થા તરફ પ્રયાણ ગણાવીને તેની ટીકા કરે છે.
આશ્ચર્યની વાત એ છે કે ટ્રમ્પના બોર્ડ ઓફ પીસને અમેરિકન સલાહકારોએ જ બનાવ્યું છે. તેને બનાવવા માટે વૈશ્વિક સંમતિ લેવાઈ નથી. ફક્ત ડોલરની ઉઘરાણી કરવામાં આવી છે. જો કે ડોલર આપ્યા વગર પણ તેના સભ્ય બની શકાશે, પરંતુ આ સભ્યપદ ત્રણ વર્ષનું અને કામચલાઉ હશે. ટ્રમ્પ માને છે કે યુએન નિરર્થક બની ગયું છે. તેમા અમલદારશાહી વધી ગઈ છે. ટ્રમ્પ હવે વૈશ્વિક રાજકીય મંચને પણ તેમની કોર્પોરેટ સ્ટાઇલમાં ચલાવવા માંગે છે. જો કે ટ્રમ્પ તંત્રનો દાવો છે કે તેમના બોર્ડ ઓફ પીસને ખોટી રીતે દર્શાવાયું છે.


