गुजरात

નડિયાદના ફૈઝાન પાર્ક વિસ્તારમાંથી જુગાર રમતા 19 ઝડપાયા, 6 ફરાર | 19 arrested for gambling in Faizan Park area of ​​Nadiad 6 absconding



– ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમનો દરોડો 

– પોલીસે રોકડ, વાહનો અને મોબાઈલ મળી 5.77 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી 

નડિયાદ : ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે નડિયાદમાં મોટી કાર્યવાહી કરતા શહેરના ફૈઝાન પાર્ક પાછળના ખુલ્લા ખેતરમાં ધમધમતા મોટા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડો પાડીને સ્થળ પરથી જુગાર રમતા અને રમાડતા કુલ ૧૯ શખ્સોને ઝડપી લીધા હતા, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત ૬ શખ્સો પોલીસને જોઈને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે રોકડ, વાહનો અને મોબાઈલ મળી કુલ ૫.૭૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓ ખેડા-નડિયાદ જિલ્લામાં દારૂ અને જુગારની બદી ડામવા માટે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, નડિયાદના ફૈઝાન પાર્ક વિસ્તારમાં રહેતો યાસીન ઉર્ફે ખલી ઉસ્માનગની વ્હોરા અને તેનો સાગરિત મહંમદ ઇકબાલ ઉર્ફે રોમી બંને મળીને ફૈઝાન પાર્ક સોસાયટીની પાછળ આવેલા ખુલ્લા ખેતરમાં જુગારધામ ચલાવી રહ્યા હતા. આ શખ્સોેએ ખેતરમાં લોખંડના સ્થંભ ઉભા કરી મીણીયા અને પ્લાસ્ટિકના તંબુ બાંધીને એક કામચલાઉ શેડ તૈયાર કર્યા હતો, જ્યાં બહારથી માણસો બોલાવીને અંદર-બહારનો હારજીતનો જુગાર રમાડવામાં આવતો હતો. બાતમીની ખરાઈ કર્યા બાદ એસએમટીની ટીમે પંચોને સાથે રાખીને ખેતરમાં દરોડો પાડયો હતો. પોલીસને જોઈને જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી કોર્ડન કરીને ૧૯ જેટલા ઈસમોને ઝડપી લીધા હતા. જ્યારે મુખ્ય સંચાલક યાસીન ઉર્ફે ખલી, લીલી, ગેટીંગ અને અન્ય વાહન ચાલકો સહિત કુલ ૬ શખ્સો અંધારાનો લાભ લઈ નાસી છૂટયા હતા. પોલીસે સ્થળ પરથી અંગજડતીના રોકડા રૂપિયા ૧,૦૦,૫૨૦ તથા દાવ પરના રોકડા રૂપિયા ૨૩,૦૦૦ મળી કુલ રોકડ રકમ કબજે કરી હતી.

તપાસ દરમિયાન પોલીસને સ્થળ પરથી જુગારના સાહિત્ય ઉપરાંત પ્લાસ્ટિકના અલગ અલગ કલરના ૫૪૭ નંગ ટોકન મળી આવ્યા હતા, જેનો ઉપયોગ પૈસાના બદલામાં જુગાર રમવા માટે થતો હતો. આ ઉપરાંત ૧૫ મોબાઈલ ફોન કિંમત રૂ. ૬૧,૫૦૦, ૨ ઓટો રિક્ષા અને ૪ મોટરસાયકલ કિંમત રૂ. ૪,૧૫,૦૦૦ સહિત કુલ રૂપિયા ૫,૭૭,૬૨૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે નડિયાદ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અંધારામાં જુગાર રમવા બેટરી અને એલઈડીની સુવિધા

ખેતરમાં લાઈટની સુવિધા ન હોવાથી જુગારધામ ચલાવનારાઓએ રાત્રે પણ જુગાર ચાલુ રાખી શકાય તે માટે ખાસ વ્યવસ્થા કરી હતી. પોલીસને દરોડા દરમિયાન સ્થળ પરથી એક બેટરી અને વાયર સાથેની એલઈડી લાઈટ મળી આવી હતી. જુગારીઓ રાત્રે આ લાઈટના અજવાળે પ્લાસ્ટિકના ચાર્ટ પર ગંજીપાના વડે જુગાર રમતા હતા. આ ઉપરાંત ગ્રાહકોને બેસવા માટે પ્લાસ્ટિકની ખુરશીઓ અને નીચે પાથરવા માટે કોટનની ચટાઈઓ પણ રાખવામાં આવી હતી.

ઝડપાયેલા 19 માંથી 6 આરોપીઓ હિસ્ટ્રીશીટર

પોલીસના હાથે ઝડપાયેલા જુગારીઓ માત્ર શોખ ખાતર જુગાર રમવા આવ્યા ન હતા, પરંતુ તેમાંના ઘણા રીઢા ગુનેગારો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા ૧૯ આરોપીઓ પૈકી ૬ આરોપીઓ વિરુદ્ધ ભૂતકાળમાં પણ જુગાર અને મારામારીના ગુના નોંધાયેલા છે. જેમાં મહંમદ ઇકબાલ સામે ૨૦૨૦માં, જાવેદખાન સામે ૪ ગુના, અનસ ઉર્ફે દેડકો સામે ૫ ગુના, અને અમીત મકવાણા સામે વટવા, ખોખરા અને ચાંદખેડામાં ગુનાઓ નોંધાયેલા હોવાનું ખુલ્યું છે.



Source link

Related Articles

Back to top button