શેરીમાં ઘોડા ચલાવવા બાબતે જસદણના રાણીગપુર ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ, 25 જણાઓએ ત્રણ લોકો પર કર્યો હુમલો | Rajkot News Clash between two groups of the same community in Ranigpur village of Jasdan

![]()
Rajkot News: રાજકોટના જસદણમાં ઉત્તરાયણના દિવસે એક જ સમાજના બે જૂથ સામ સામે આવી જતાં સ્થિતિ તંગ બની હતી. રાણીગપુર ગામમાં બનેલી આ ઘટનામાં ત્રણ લોકો પર 20 થી 25 લોકોના ટોળાંએ તીક્ષ્ણ હથિયારોથી ઘાતકી હુમલો કર્યો હતો, પ્રાથમિક માહિતી મુજબ ભોજપુરી અને ગુંદા ગામના લોકોએ હુમલો કર્યો હોવાની શંકા છે.
શેરીઓમાં ઘોડા ચલાવવા મુદ્દે ધીંગાણું?
જસદણના ભાડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ બનાવ બન્યો છે, રાજકોટના જસદણ તાલુકાના રાણીગપર ગામથી સાતેક કિમી દૂર સુરેન્દ્રનગર જિલ્લાનું ભોજપરી અને ગુંદા ગામ આવેલું છે. અલગ અલગ ગામના પણ એક જ સમાજના લોકો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી, જેનું કારણ શેરીઓમાં ઘોડા ચલાવવા બાબતે માથાકૂટ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
પોલીસે તપાસ શરૂ કરી
જૂથ અથડામણ થતાં ત્રણેય લોકોને શરીરમાં ગંભીર ઈજા પહોંચી છે, રાણીગપર ગામના ઈજાગ્રસ્તો રમેશ જેમાભાઈ મકવાણા, વિપુલ જેમાભાઈ મકવાણા તેમજ વિજય રમેશભાઈ મકવાણાને 108ને બોલાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તો શેરીઓમાં ઘોડા ચલાવવા બાબતે બબાલ થયાનું અનુમાન છે પણ ભાડલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જેમાં સાચું કારણ સામે આવશે.



