VIDEO | અમદાવાદ: ખોખરામાં ધોળા દિવસે મહિલાના ગળામાંથી ચેઈન સ્નેચિંગ, સીસીટીવીમાં કેદ થઈ ચોરની કરતૂત | Chain Snatching Incident in Khokhara Ahmedabad CCTV footage viral

![]()
Chain Snatching Incident In Ahmedabad: અમદાવાદમાં ચોંકાવનારો કિસ્સો ખોખરા વિસ્તારમાંથી સામે આવ્યો છે. ખોખરામાં ધોળા દિવસે એક મહિલાના ગળામાંથી સોનાનો ચેઈન તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મહિલાની સતર્કતા અને બૂમાબૂમના કારણે ચોર ગભરાઈ ગયો હતો, પરંતુ આરોપી સોનાના ચેઈનનું પેન્ડલ લઈને ભાગવામાં સફળ રહ્યો હતો. આ સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
ખોખરામાં ધોળા દિવસે મહિલાના ગળામાંથી ચેઈન સ્નેચિંગ
ખોખરા વિસ્તારમાં ગોરના કુવા પાસે આવેલા જીવન એપાર્ટમેન્ટમાં રહેતા સ્વાતિબેન દરજી આ ઘટનાના ભોગ બન્યા હતા. સ્વાતિબેન સવારના સમયે ઘરકામ પતાવી નજીકની સ્ટેશનરીની દુકાને પેન લેવા માટે ગયા હતા. જ્યારે તેઓ ખરીદી કરીને પરત પોતાના ફ્લેટ નીચે પહોંચ્યા, ત્યારે અગાઉથી રેકી કરી રહેલા તસ્કરોએ તેમને નિશાન બનાવ્યા હતા.
સ્વાતિબેન જ્યારે ફ્લેટના પાર્કિંગ પાસે પહોંચ્યા ત્યારે એક અજાણ્યો શખસ તેમની પાછળ-પાછળ એપાર્ટમેન્ટમાં ઘૂસ્યો હતો. મોકો મળતા જ આ શખસે સ્વાતિબેનના ગળામાં પહેરેલા સોનાના ચેઈન પર ઝાપટ મારી તેને તોડવાનો પ્રયત્ન કર્યો હતો. અચાનક થયેલા હુમલાથી ગભરાવાને બદલે સ્વાતિબેને હિંમત બતાવી બૂમાબૂમ કરી મૂકી હતી અને ચોરનો પ્રતિકાર કર્યો હતો.
ઝપાઝપી દરમિયાન સોનાનો દોરો તૂટી ગયો હતો અને તેનું પેન્ડલ નીચે પડ્યું હતું. મહિલાની બૂમો સાંભળી આસપાસના લોકો એકઠા થાય તે પહેલા ચોર નીચે પડેલું પેન્ડલ ઝડપીને ભાગ્યો હતો. સ્વાતિબેને પણ તેની પાછળ પીછો કર્યો હતો, પરંતુ એપાર્ટમેન્ટની બહાર પહેલેથી જ પલ્સર બાઈક લઈને ઉભેલા અન્ય બે સાથીદારો સાથે લૂંટારો ફરાર થઈ ગયો હતો. હાલ ખોખરા પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



