શિક્ષણ બોર્ડ: પ્રખરતા શોધ કસોટી માટે હોલટિકિટ ડાઉનલોડ થવાની શરૂ, જાણો ક્યારે યોજાશે પરીક્ષા | Talent Search Test Hall tickets downloaded in Gujarat Education Board Site

Talent Search Test Gujarat : વિદ્યાર્થીમાં શિક્ષણના સ્તરમાં વધારો કરવા માટે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પ્રખરતા શોધ કસોટીનું આયોજન કરવામાં આવે છે. જેમાં ધોરણ-9ના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે શિક્ષણ બોર્ડ આગામી 28 જાન્યુઆરી, 2026ના રોજ પરીક્ષા લેશે. આમ, આ પરીક્ષા માટેની હોલટિકિટ આજથી એટલે કે 19 જાન્યુઆરીથી ડાઉનલોડ કરી શકાશે.

ગુજરાત શિક્ષણ બોર્ડ અનુસાર, આગામી 28 જાન્યુઆરીના રોજ લેનારી પ્રખરતા શોધ કસોટી(TST) માટે અરજી કરનારા વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ gsebeservice.com પરથી પરીક્ષાની હોલટિકિટ આજથી ડાઉનલોડ કરી શકશે. વધુ માહિતી બોર્ડની વેબસાઈટ પરથી મળી રહેશે.
પ્રખરતા શોધ કસોટી એટલે શું?
પ્રખરતા શોધ કસોટીએ વિદ્યાર્થીઓમાં રહેલી વિશેષ બુદ્ધિપ્રતિભા, તર્કશક્તિ અને કૌશલ્યોને ઓળખવા માટે લેવામાં આવતી એક મહત્ત્વપૂર્ણ પરીક્ષા છે. ગુજરાતમાં ખાસ કરીને ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ પરીક્ષા લેવામાં આવે છે.
પરીક્ષાનો મુખ્ય હેતુ
આ કસોટીનો મુખ્ય ઉદ્દેશ્ય તેજસ્વી વિદ્યાર્થીઓની શોધ કરવાનો છે. ગ્રામ્ય કે શહેરી વિસ્તારના એવા પ્રતિભાસાળી વિદ્યાર્થીઓ જેઓ આર્થિક કે અન્ય કારણોસર પાછળ ન રહી જાય, તેમને પ્રોત્સાહન અને આર્થિક સહાય (શિષ્યવૃત્તિ) પૂરી પાડવાનો આ પરીક્ષાનો હેતુ છે.
પરીક્ષાનું માળખું
આ પરીક્ષા સામાન્ય રીતે OMR (ઓપ્ટિકલ માર્ક રીડર) પદ્ધતિથી લેવાય છે, જેમાં બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો (MCQs) હોય છે. પ્રશ્નપત્ર મુખ્યત્ત્વે બે ભાગમાં વહેંચાયેલું હોય છે:
ભાગ-1: બૌદ્ધિક યોગ્યતા કસોટી (MAT – Mental Ability Test)
જેમાં તર્કશક્તિ, શ્રેણી પૂર્ણ કરવી, કોડિંગ-ડીકોડિંગ, આકૃતિઓ વગેરે જેવા પ્રશ્નો હોય છે. આ કસોટીના પ્રશ્નપત્રમાં 1 થી 100 પ્રશ્નો આપેલા હોય છે. તમામ પ્રશ્નો ફરજિયાત હોય છે. પ્રત્યેક સાચા પ્રત્યુત્તરનો 1 ગુણ મળશે. પ્રત્યેક ખોટા પ્રત્યુત્તર માટે 1/3 ગુણ કપાશે.
ભાગ-2: શૈક્ષણિક યોગ્યતા કસોટી (SAT – Scholastic Aptitude Test)
જેમાં ધોરણ 8 અને 9 ના અભ્યાસક્રમ મુજબના વિષયો જેવા કે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ભાષા (ગુજરાતી/અંગ્રેજી)ના પ્રશ્નો હોય છે.
પરીક્ષા આપવાનો ફાયદાઓ
શિષ્યવૃત્તિ: મેરિટ લિસ્ટમાં આવતા વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ (ધોરણ 10 થી 12) માટે સરકાર દ્વારા નક્કી કરેલી રકમની શિષ્યવૃત્તિ મળે છે.
આત્મવિશ્વાસ: આવી સ્પર્ધાત્મક પરીક્ષા આપવાથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે છે અને ભવિષ્યની મોટી પરીક્ષાઓ (JEE, NEET, UPSC) માટેની પૂર્વતૈયારી થાય છે.
પ્રમાણપત્ર: રાજ્ય સ્તરે ઉત્તીર્ણ થનારને પ્રતિષ્ઠિત પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે.
તૈયારી કેવી રીતે કરવી?
પાઠ્યપુસ્તકો: ધોરણ 8 અને 9 ના ગણિત અને વિજ્ઞાનના પાઠ્યપુસ્તકો પાકા કરવા.
તર્કશક્તિ (Reasoning): દરરોજ કોયડાઓ ઉકેલવા અને રીઝનિંગની પ્રેક્ટિસ કરવી.
જૂના પેપર: પાછલા વર્ષોના પ્રશ્નપત્રો સોલ્વ કરવાથી પરીક્ષાની પદ્ધતિ સમજાય છે.



