મને નોબેલ ન આપ્યો તેથી હવે શાંતિની જવાબદારી મારી નથી… ટ્રમ્પનો નોર્વેના PMને લખેલો પત્ર લીક | Donald Trump Norway PM Finland Letter Leaked Nobel Prize Greenland Occupation Tariff

![]()
Donald Trump’s Letter Leaked : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ‘શાંતિ નોબેલ પુરસ્કાર’ ન મળતાં તેઓ દાદાગીરી પર ઉતરી આવ્યા હોવાનો અને ખૂબ ગુસ્સે થયા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. વાસ્તવમાં ટ્રમ્પને નોર્વેના વડાપ્રધાન જોનાસ ગાહર સ્ટોરેને મોકલેલો પત્ર લીક થયો છે. તેમાં નોબેલ પુરસ્કાર અને ગ્રીનલૅન્ડનો ઉલ્લેખ થયો છે. આ ચોંકાવનારી માહિતી સામે આવ્યા બાદ હડકંપ મચી ગયો છે.
શાંતિ પુરસ્કાર ન મળતાં ટ્રમ્પ ગુસ્સે થયા
ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) પત્રમાં લખ્યું છે કે, વિશ્વમાં શાંતિ સ્થાપવા માટેનો વિચાર કરવાની જવાબદારી તેમની નથી. ટ્રમ્પે સ્વીકાર કર્યો છે કે, તેઓ નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવાના કારણે ગુસ્સે થયા છે અને આ જ કારણે તેઓ ગ્રીનલૅન્ડ પર કબજો કરવા મથી રહ્યા છે. આ તમામ માહિતી પબ્લિક બ્રોડકાસ્ટિંગ સર્વિસે(PBS) આપી છે.
ટ્રમ્પના પત્રમાં શું લખ્યું છે?
ટ્રમ્પના પત્ર પરથી લાગી રહ્યું છે કે, નોબેલ પુરસ્કાર ન મળતાં તેમનું વૈશ્વિક મુદ્દાઓ જોવાનું વલણ બદલાઈ ગયું છે. તેમણે લખ્યું છે કે, ‘મારા દેશે આઠથી વધુ યુદ્ધ અટકાવ્યા છતાં મને નોબેલ શાંતિ પુરસ્કાર ન અપાયો. તેથી મને લાગી રહ્યું છે કે, મને હવે ફક્ત શાંતિ વિશે વિચારવાની કોઈ ફરજ નથી લાગતી. જોકે હંમેશા શાંતિ મુખ્ય બાબત છે, પરંતુ હવે હું તે વિચારી શકું છું કે, અમેરિકા માટે શું યોગ્ય છે.’
ટ્રમ્પે પત્રમાં કહ્યું છે કે, શાંતિની દિશામાં કામ કરવા છતાં તેમને નોબેલ પુરસ્કાર મળ્યો નથી, તેથી હવે તેઓ ગ્રીનલૅન્ડ પર કબજો કરવાની દિશામાં કડક પગલાં ભરી શકે છે.
ટ્રમ્પે ગ્રીનલૅન્ડ ડેનમાર્કનો ભાગ હોવાનો દાવો નકાર્યો
ગ્રીનલૅન્ડ (Greenland) ભૌગોલિક રીતે ડેનમાર્ક(Denmark)નો ભાગ છે, પરંતુ ટ્રમ્પના પત્રમાં આ દાવાને રદીયો અપાયો છે. તેમણે ડેનમાર્કની સંપ્રભુતા પર પણ સવાલો ઉઠાવ્યા તર્ક આપ્યો છે કે, રશિયા કે ચીન ડેનમાર્કના દ્વીપ ગ્રીનલૅન્ડનું રક્ષણ નહીં કરી શકે. ટ્રમ્પે કહ્યું કે, ‘ડેનમાર્ક ગ્રીનલૅન્ડને રશિયા કે ચીનથી સુરક્ષિત નહીં રાખી શકે, તો પછી તેની પાસે માલિકી હક કેમ છે? ગ્રીનલૅન્ડ ડેનમાર્કનું હોવાનો કોઈ લેખિત દસ્તાવેજ પણ નથી. વાત માત્ર એટલી છે કે, હજારો વર્ષ પહેલા ત્યાં માત્ર એક હોડી પહોંચી હતી, પરંતુ અમારી હોડીઓ પણ ત્યાં પહોંચી હતી.’
નોર્વેના વડાપ્રધાને પત્રના લખાણની પુષ્ટિ કરી
નોર્વેના વડાપ્રધાન સ્ટોરે(Norwegian PM Jonas Gahr Store) સ્થાનિક સમાચાર પત્રથી પુષ્ટિ કરી છે કે, તેમને ટ્રમ્પનો આ સંદેશ મળ્યો છે. તેમણે કહ્યું કે, તેમણે ફિનલૅન્ડના રાષ્ટ્રપ્રમુખ એલેક્ઝાન્ડર સ્ટબ્બ (Finland President Alexander Stubb) સાથે મળીને ટ્રમ્પને એક પત્ર મોકલ્યો હતો, જેમાં નોર્વે, ફિનલૅન્ડ સહિત ઘણા દેશો પર ટેરિફ લગાવવાનો વિરોધ કરાયો હતો. હવે આ પત્રના જવાબમાં ટ્રમ્પે પોતાનો ગુસ્સે દેખાડ્યો છે.
સ્ટોરે કહ્યું કે, ‘હું પુષ્ટિ કરી શકું છું કે, આ તે જ વાતો છે, જે મને કાલે બપોરે ટ્રમ્પ દ્વારા મળેલા પત્રમાં લખી હતી. મેં સ્ટબ્બ સાથે મળીને ટ્રમ્પને એક પત્ર મોકલ્યો હતો, જેના જવાબમાં ટ્રમ્પે મને આ પત્ર મોકલ્યો છે.’ પીબીએસના રિપોર્ટ મુજબ, આવા પત્રો વોશિંગ્ટનમાં ઘણા યુરોપીયન રાજદૂતોને મોકલાયા છે.
આ પણ વાંચો : વ્હાઇટ હાઉસમાં લંચ કરીને ખુશ હતા આસિમ મુનિર, હવે ટ્રમ્પે માંગી લીધી ‘કિંમત’!



