राष्ट्रीय

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે નીતિન નબીનનું નામ લગભગ નક્કી, હવે યુવા નેતાઓને સોંપાશે પક્ષનું સુકાન | nitin nabin bjp president nomination youth leadership reshuffle



Nitin Nabin BJP National President Election: ભારતીય જનતા પાર્ટીને 6 વર્ષ બાદ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળવા જઈ રહ્યા છે. સોમવારે 19 જાન્યુઆરીએ ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીને દિલ્હી સ્થિત પક્ષના મુખ્ય મથકે રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ, જેપી નડ્ડા અને નિતિન ગડકરી સહિત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને પ્રદેશ પ્રમુખો હાજર રહ્યા હતા. 

55 વર્ષથી ઓછી વયના નેતાઓને ટીમમાં અપાશે પ્રાથમિકતા

નીતિન નબીન એકમાત્ર ઉમેદવાર હોવાથી તેમનું બિનહરીફ ચૂંટાવું નિશ્ચિત માનવામાં આવે છે. આ અંગેની સત્તાવાર જાહેરાત આવતીકાલે એટલે કે 20 જાન્યુઆરીએ કરવામાં આવશે. 2029ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય સંગઠન ટીમનું પુનર્ગઠન કરવામાં આવશે, જેમાં 55 વર્ષથી ઓછી ઉંમરના યુવા નેતાઓને પ્રાથમિકતા આપી નવી પેઢીને આગળ લાવવાનો લક્ષ્‍યાંક છે.

નીતિન નબીન બનશે ભાજપના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ

બિહારથી પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલા નીતિન નબીન હવે જેપી નડ્ડાનું સ્થાન લેશે અને પક્ષના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે. પીએમ  મોદી અને પક્ષના ટોચના નેતૃત્વએ પણ તેમની ઉમેદવારીને સમર્થન આપ્યું છે. ભાજપના બંધારણ મુજબ, રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી માટે રાષ્ટ્રીય અને રાજ્ય પરિષદોના પ્રતિનિધિઓ દ્વારા બનેલા ઈલેક્ટોરલ કૉલેજની પ્રક્રિયા અનુસરવામાં આવે છે. કોઈપણ ઉમેદવાર માટે ઓછામાં ઓછા પાંચ રાજ્યોમાંથી ટેકો હોવો અને 15 વર્ષની સક્રિય સદસ્યતા હોવી અનિવાર્ય છે.

2021 પછી મંત્રીમંડળમાં પ્રથમ વખત મોટા પાયે ફેરફારની તૈયારી

આ ફેરફારોમાં કેન્દ્રીય મંત્રીમંડળની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. વર્ષ 2021 પછી મંત્રીમંડળમાં કોઈ મોટો બદલાવ થયો નથી, તેથી હવે વહીવટી અનુભવ અને સામાજિક સમીકરણોને આધારે નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. બીજી તરફ, ઉત્તર પ્રદેશ જેવા ભાજપ શાસિત રાજ્યોમાં સામાજિક સંતુલન જાળવવા દલિત નેતાઓને મોટી જવાબદારી સોંપાઈ શકે છે, જ્યારે બિહાર અને રાજસ્થાનમાં પણ કેબિનેટમાં ફેરબદલની શક્યતા છે.

આ પણ વાંચો: કુલદીપ સેંગરને દિલ્હી હાઈકોર્ટનો ઝટકો, ઉન્નાવ પીડિતાના પિતાના મોત મામલે સજા મોકુફીની અરજી ફગાવાઈ

પક્ષના 30 જેટલા રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ પૂર્ણ

આગામી એક વર્ષમાં રાજ્યસભાની 70થી વધુ બેઠકો ખાલી થવાની છે, જેમાં ભાજપના 30 જેટલા સાંસદો નિવૃત્ત થઈ રહ્યા છે. પક્ષ આ બેઠકો પર એવા ઉમેદવારોને પસંદ કરવાનું વિચારી રહ્યું છે જે સંગઠન અને વહીવટી બંને મોરચે મજબૂત હોય. ભાજપનો મુખ્ય ઉદ્દેશ્ય પક્ષની વિચારધારા સાથે જોડાયેલા અને સંઘની પૃષ્ઠભૂમિ ધરાવતા નેતાઓને મહત્ત્વની જવાબદારી સોંપીને 2029 માટે પક્ષને વધુ સક્રિય અને મજબૂત બનાવવાનો છે.


ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે નીતિન નબીનનું નામ લગભગ નક્કી, હવે યુવા નેતાઓને સોંપાશે પક્ષનું સુકાન 2 - image



Source link

Related Articles

Back to top button