હું ફૂટપાથ પર જ રહીશ… માઘ મેળામાં વિવાદ બાદ શંકરાચાર્યની પ્રતિજ્ઞા, અન્ન-જળનો પણ ત્યાગ કર્યો | Shankaracharya Refuses to Enter Ashram Vows to Live on Footpath Until Police Apologize Prayagraj

![]()
Magh Mela 2026 Prayagraj : પ્રયાગરાજના માઘ મેળામાં પાલખી-રથયાત્રા રોકવાના વિરોધમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ ધરાણાં પર બેઠા છે. માઘ મેળામાં વિવાદ બાદ શંકરાચાર્યએ અન્ન-જળનો ત્યાગ કર્યો છે અને પ્રતિજ્ઞા લીધી છે કે, “હું ફૂટપાથ પર જ રહીશ…”
હું ફૂટપાથ પર જ રહીશ…: માઘ મેળામાં વિવાદ બાદ શંકરાચાર્યની પ્રતિજ્ઞા
માઘ મેળામાં પાલખીમાં બેસીને સંગમ સ્નાન કરવા જઈ રહેલા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને પ્રશાસને રોકતા ભારે હોબાળો મચી ગયો હતો. શંકરાચાર્યના સમર્થકો અને પોલીસ અધિકારીઓ વચ્ચે લગભગ ત્રણ કલાક સુધી ચાલેલી ખેંચતાણ અને ધક્કા-મુક્કી બાદ, શંકરાચાર્ય સ્નાન કર્યા વિના જ પાછા ફર્યા હતા અને આમરણાંત ઉપવાસ પર બેસી ગયા હતા. સમગ્ર મામલે આજે સોમવારે (19 જાન્યુઆરી) શંકરાચાર્યએ કહ્યું કે, “પ્રશાસન જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી અમે આશ્રમમાં જઈશું નહીં અને ફૂટપાથ પર રહીશું. આમ, પોલીસ તંત્ર દ્વારા સન્માન અને પ્રોટોકોલ સાથે લઈ નહીં જાય ત્યાં સુધી ગંગા સ્નાન નહીં કરું.”
તેમણે વધુમાં કહ્યું કે, “હું દરેક મેળામાં પ્રયાગરાજ આવવાની પ્રતિજ્ઞા લઉં છું પણ ક્યારે કેમ્પમાં નહીં રહું અને ફૂટપાથ પર રહેવાની વ્યવસ્થા કરીશ. ભૂતકાળમાં પણ શંકરાચાર્ય સ્નાન કરવા માટે હંમેશા પાલખીમાં જ ગયા છે.”
આ પણ વાંચો: ‘નાસભાગ કરાવી મને મારી નાખવાનું કાવતરું હતું…’, અનશન વચ્ચે શંકરાચાર્યનો ગંભીર આરોપ
શું છે સમગ્ર વિવાદ?
રવિવારે(18 જાન્યુઆરી, 2026) સવારે લગભગ 9:47 વાગ્યે, શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ તેમના અનુયાયીઓ સાથે પાલખીમાં સવાર થઈને સંગમ કિનારે પહોંચ્યા હતા. સંગમ તટ પર જ્યાંથી ઘાટ માત્ર 50 મીટર દૂર હતો, ત્યાં પ્રશાસને તેમને પાલખીમાં બેસીને આગળ વધતા રોક્યા અને પગપાળા સ્નાન કરવા વિનંતી કરી હતી. આનો તેમના અનુયાયીઓએ વિરોધ કર્યો અને ધક્કા-મુક્કી કરતા સંગમ વોચ ટાવર સુધી પહોંચી ગયા હતા. આ મામલો વધુ વણસ્યો જ્યારે પોલીસ બળે શંકરાચાર્યને રોકવાનો પ્રયાસ કર્યો અને તેમના કેટલાક અનુયાયીઓને ઘસડીને પોલીસ ચોકીમાં લઈ ગયા.



