પપ્પા મને બચાવી લો… તંત્રની નાકામીના કારણે પિતાની નજર સામે જુવાનજોધ દીકરાનું ડૂબવાથી મોત | Uttar Pradesh Gautambudh Nagar Greater Noida Car Accident Engineer Dies In 30ft Water Filled Pit

![]()
Noida Car Accident : તારીખ 16 જાન્યુઆરી… નોઇડામાં ટાટા યુરેકા પાર્ક સોસાયટીમાં રહેતા રાજકુમાર મહેતાનો રાત્રે 12 વાગ્યે ફોન રણક્યો. પુત્રએ ગભરાયેલા અવાજમાં કહ્યું, પપ્પા મને બચાવી લો, મારી કાર નાળામાં પડી ગઈ છે. હું ડૂબી જઈશ. પિતા અડધો કલાકમાં ઘટનાસ્થળ પર પહોંચ્યા. પોલીસ, ફાયરબ્રિગેડ, SDRFની 80 કર્મીઓની ટીમ હાજર હતી. પણ કોઈએ પાણીમાં ઉતરીને યુવરાજને બચાવવા પ્રયાસ ન કર્યો. તંત્રની નાકામીના કારણે 28 વર્ષનો યુવક પિતાની નજર સામે જ મૃત્યુ પામ્યો. યુવરાજની કાર ધુમ્મસના કારણે અનિયંત્રિત થઈને પાણીમાં ખાબકી હતી. અહીં એક બેઝમેન્ટ માટે 50 ફૂટ ઊંડો ખાડો કરવામાં આવ્યો હતો. જેમાં પાણી ભરાઈ ગયું હતું. પણ આસપાસ કોઈ બેરીકેડિંગ અને ચેતવણીનું બોર્ડ નહોતું. પિતાએ પોલીસને જાણ કરી. તે પછી SDRF અને ફાયર બ્રિગેડની ટીમો પણ પહોંચી. પણ કોઈની પાણીમાં ઊતરવાની હિંમત ન થઈ. અધિકારીઓએ કહ્યું કે પાણી ઠંડુ છે અને અંદર સળિયા પણ હોઈ શકે છે.
પિતાની આપવીતી… મારો દીકરો બૂમો પાડતો રહ્યો પણ કોઈએ મદદ ન કરી
રાજકુમાર મહેતા કહ્યું કે, મને રાત્રે 12 વાગ્યે ફોન આવ્યો હતો કે પપ્પા હું નાળામાં પડી ગયો છું. હું દોડી પડ્યો. મેં ટેક્સી ડ્રાઈવરને હાથ જોડ્યા કે મને નાળા પાસે લઈ જાય. પહેલા અમે ત્યાં જોયું તો કોઈ દેખાયું નહીં. મેં તેને ફોન કર્યો. મને ત્યાં પહોંચવામાં 40 મિનિટનો સમય લાગી ગયો. તે ગાડીમાંથી બહાર નીકળીને હિંમત કરી છત પર સૂઈ ગયો હતો. ત્યાંથી બચાવો… બચાવો…ની બૂમો પાડી રહ્યો હતો. તે મોબાઈલથી ટોર્ચ બતાવી રહ્યો હતો. દૃશ્ય જોઈને હું આમ તેમ દોડવા લાગ્યો કે કોઈ તો મદદ કરો. મેં 112 પર ફોન કર્યો. પોલીસ 20 મિનિટ પછી ત્યાં આવી. ફાયર બ્રિગેડ આવી. રેસ્ક્યૂના નામે કશું કર્યું નહીં. હાઈડ્રોલિક મશીનનો ઉપયોગ કર્યો પણ દોરડો ત્યાં પહોંચી ન શક્યો. તેમની પાસે કોઈ ટ્રેનિંગવાળો માણસ હતો જ નહીં. પછી અઢી વાગ્યે અચાનક જ મોબાઈલની રોશની બંધ થઈ ગઈ. મને ખબર પડી ગઈ કે વાત હવે હાથમાંથી નીકળી ગઈ છે…
27-year-old techie Yuvraj Mehta drowned in a water-filled construction pit in Noida.
He begged for help for over 80 minutes.
Police, Fire Brigade and SDRF were present — yet no rescue happened.
Only a delivery agent, Moninder, tried to save him, risking his own life.
Sadly,… pic.twitter.com/7iclzgozaL
— Manni (@ThadhaniManish_) January 19, 2026
એક ડિલિવરી બોય પાણીમાં કૂદી ગયો
યુવરાજને બચાવવા માટે પાણીમાં ઉતરનાર ડિલિવરી બોયે કહ્યું કે, ફાયરબ્રિગેડવાળાઓએ જ યુવકને ડૂબીને મરવા દીધો છે. હું ત્યાં પહોંચ્યો તો SDRFના જવાનો બોલી રહ્યા હતા કે પાણી ઠંડુ છે. અંદર સળિયા છે એટલે અમે ના જઈએ. મેં કહ્યું ભાઈ તમે બહાર આવો, હું જઈશ અંદર. મેં કપડાં કાઢ્યા, કમર પર દોરી બાંધી અને 50 મીટર સુધી અંદર ગયો. 30 મિનિટ સુધી પાણીમાં શોધતો રહ્યો પણ ગાડી કે યુવક કોઈ ન મળ્યું. પછી હું બહાર આવ્યો, તો ત્યાં હાજર લોકો કહી રહ્યા હતા કે ભાઈ તું 10 મિનિટ આવ્યો હોત તો જીવ બચી ગયો હોત.
પોલીસનો સરકારી જવાબ- તપાસ બાદ કાર્યવાહી કરીશું
સમગ્ર મામલે ગૌતમ બુદ્ધનગરના જોઇન્ટ CP રાજીવ નારાયણ મિશ્રાએ કહ્યું છે કે, આ ઘટના અત્યંત દુખદ છે. અમે પીડિત પરિવાર સાથે ઊભા છીએ. સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. લેડર, સર્ચ લાઈટ, બોટ સહિતના સાધન લગાવાયા હતા. ઝીરો વિઝિબિલિટીના કારણે રેસ્ક્યૂમાં સમસ્યા આવી. અમે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે. દોષિતો સામે કાર્યવાહી કરાશે.
યુવરાજ મહેતા સોફ્ટવેર એન્જિનિયર હતો. તે ગુરુગ્રામની એક કંપનીમાં કામ કરતો હતો. તેની માતાનું થોડા વર્ષો અગાઉ બીમારીના કારણે નિધન થયું હતું. બહેન યુનાઈટેડ કિંગડમમાં રહે છે.



