राष्ट्रीय

મુંબઈના મેયર પદ માટે મહાસંગ્રામ, ભાજપ સૌથી મોટી પાર્ટી હોવા છતાં ચાવી ‘કિંગમેકર’ શિંદેના હાથમાં | Mumbai Mayor Race: BJP Emerges as Largest Party Shinde’s Shiv Sena Holds the Key



Mumbai Mayor Race: બૃહદ મુંબઈ મહા નગરપાલિકા (BMC) ના પરિણામો બાદ હવે મુંબઈના મેયર પદને લઈને મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે. કોઈ પણ પક્ષ પાસે સ્પષ્ટ બહુમતી નહીં હોવાથી હવે ગઠબંધન અને ‘રિસોર્ટ પોલિટિક્સ’ શરુ થઈ ગયું છે. આમ તો બૃહદ મુંબઈ મહા નગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યો છે, પરંતુ પોતાના દમ પર મેયર બનાવવા માટે જરૂરી જાદુઈ આંકડો (114) કોઈની પાસે નથી. આ જ કારણસર મેયર પદ કબજે કરવા માટે ભાજપે એકનાથ શિંદેની શિવસેનાના ટેકાની જરૂર છે. 

શિંદે સેનાની ‘ઓરિએન્ટેશન વર્કશોપ’ કે ‘સાવચેતી’ 

આ સ્થિતિમાં એકનાથ શિંદેએ તેમના જીતી ગયેલા તમામ 29 કોર્પોરેટરોને મુંબઈની એક હોટલમાં મોકલી દીધા છે. સત્તાવાર રીતે તેને ‘ઓરિએન્ટેશન વર્કશોપ’ (કામગીરી સમજવાની શિબિર) કહેવાય છે, પરંતુ રાજકીય વર્તુળોમાં તે કોર્પોરેટરોને તૂટતા બચાવવાનો પ્રયાસ છે. આમ મુંબઈના મેયર પદની વાત છે, ત્યાં સુધી એકનાથ શિંદે ‘કિંગમેકર’ની ભૂમિકામાં છે.

મુંબઈનું મેયર પદ હાંસલ કરવા સમજો બહુમતીનું ગણિત 

બૃહદ મુંબઈ મહા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ 89 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો છે. તો એકનાથ શિંદેની શિવસેનાએ 29 બેઠકો જીતી છે, જે ભાજપ માટે બહુમતી સાબિત કરવા માટે અત્યંત મહત્ત્વની છે. જો કે, BMCની કુલ 227 બેઠકો છે, એટલે મુંબઈનું મેયર પદ મેળવવા માટે 114 બેઠકોની જરૂર હોય છે, જ્યારે મહાયુતિ ગઠબંધન પાસે હાલ 118 બેઠકો છે.

આ પણ વાંચોઃ મુંબઈનો મેયર ‘મહાયુતિ’નો હશે, વિવાદની ચર્ચાઓ અને સસ્પેન્સ વચ્ચે એકનાથ શિંદેનું નિવેદન

મુંબઈના મેયર પદ માટેનું સસ્પેન્સ વધુ ઘેરાવાનું કારણ 

આ સ્થિતિમાં મુંબઈના મેયર પદનું ગણિત લોટરી સિસ્ટમ અને અનામત (OBC કે મહિલા) પર પણ નિર્ભર છે, જેના કારણે આ સસ્પેન્સ વધુ ઘેરાયું છે. બીજી તરફ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના, કોંગ્રેસ અને શરદ પવારની NCP (SP) પણ મુંબઈનું મેયર પદ હાંસલ કરવા સંયુક્ત રીતે સક્રિય છે. તેમની પાસે કુલ 100થી વધુ કોર્પોરેટરો છે, જે સત્તાધારી પક્ષોના આંકડાથી માત્ર 8 મત જ દૂર છે. તેથી થોડી પણ ઉથલપાથલ થાય તો વિપક્ષ પોતાનો મેયર બેસાડવામાં સફળ થઈ શકે છે. 

ઉદ્ધવની રાજકીય આશા અને સંજય રાઉતનો સંકેત 

આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ કાર્યકર્તાઓને સંબોધતી વખતે સંકેત આપ્યો હતો કે, જો સંજોગો સાથ આપશે તો મુંબઈમાં શિવસેના(UBT)નો મેયર બની શકે છે. જે લોકો પક્ષ પલટો કરીને ગયા છે, તેઓ ફરી પાછા પણ આવી શકે છે. આ દરમિયાન ઉદ્ધવ જૂથના અગ્રણી નેતા સંજય રાઉતે પણ કહ્યું છે કે, મહારાષ્ટ્રમાં મોટો રાજકીય ખેલ થઈ શકે છે. શિંદે જૂથના ઘણા કોર્પોરેટરો અને ખુદ શિંદે પણ મુંબઈમાં ભાજપનો મેયર બને તેવું નથી ઇચ્છતા.

મુંબઈના મેયર પદની ખુરશીનું રાજકીય મહત્ત્વ 

BMCનું બજેટ ઘણાં નાના રાજ્યોના બજેટ કરતા પણ મોટું હોય છે. મુંબઈ પર કબજો જમાવવો એ મહારાષ્ટ્રની સત્તાના શિખરે રહેવા સમાન છે. ભાજપ દાયકાઓ પછી શિવસેનાના ગઢમાં ભગવો લહેરાવવા માંગે છે, જ્યારે ઉદ્ધવ ઠાકરે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા મથી રહ્યા છે.

નોંધનીય છે કે, મુંબઈના મેયરની ખુરશી હાંસલ કરવા ભાજપ, શિંદે જૂથ અને ઉદ્ધવ જૂથ વચ્ચે સખત હરીફાઈ છે. હાલ તમામ પક્ષો પોતપોતાના કોર્પોરેટરોને સાચવવામાં અને સામેના પક્ષમાં ગાબડું પાડવાની વ્યૂહ રચનામાં વ્યસ્ત છે.



Source link

Related Articles

Back to top button