જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીમાં રાહત 13.0 ડિગ્રી તાપમાન : ભેજનું પ્રમાણ વધી જતાં જાકળ વર્ષા થઈ | Relief from cold in Jamnagar city and district temperature 13 0 degrees

![]()
Jamnagar Winter Season : જામનગર શહેર અને જિલ્લામાં ધીમે ધીમે ઠંડીમાં રાહત થઈ રહી છે. બે દિવસ પહેલા શુક્રવારે ઠંડીનો પારો 9.5 ડીગ્રી સુધી નીચે ચાલ્યો ગયો હતો, અને સિંગલ ડીજિટમાં તાપમાન નોંધાયું હોવાથી વાતાવરણમાં ઠંડક પ્રવેશી ગઈ હતી.
પરંતુ તેમાં હવે રાહત જોવા મળી છે, અને ઠંડીનો પારો ઉપર ચડીને 13.0 ડિગ્રી સુધી પરત ફર્યો હોવાથી છેલ્લા બે દિવસથી ઠંડીમાં રાહત થઈ છે. જોકે વહેલી સવારે ભેજનું પ્રમાણ વધી જતાં ઝાકળવર્ષા થઈ છે.
આજે સવારે ભેજનું પ્રમાણ 84 ટકા રહ્યું હતું, જેને કારણે ગાઢ ધુંમ્મસ દેખાયું હતું, અને વિઝીબિલિટી ઝીરો થઈ જતાં વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, ઉપરાંત માર્ગો પણ ભીંજાયા હતા.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર આજે સવારે 8:00 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 13.0 ડિગ્રી સેન્ટિગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન 27.0 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. ભેજનું પ્રમાણ 84 ટકા રહ્યું હતું, ત્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 20.0 થી 25.0 કિ.મી ની ઝડપે રહી હતી.


