દિલ્હી મેટ્રોમાં શરમજનક ઘટના: અમેરિકન યુવતીને 15 વર્ષના છોકરાએ કર્યા અડપલાં, કહ્યું – જેનો ડર હતો એ જ થયું | Shocking Incident in Delhi Metro: US Woman Harassment Minor Boy Detained

![]()
Women Safety In Delhi: દેશની રાજધાની દિલ્હીમાં મહિલાઓની સુરક્ષાના દાવાઓ વચ્ચે દિલ્હી મેટ્રોમાં એક અમેરિકન યુવતી સાથે છેડતીની અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. અમેરિકાના ન્યૂ જર્સીમાં સ્થિત સ્ટીવન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના ભારતીય મૂળના પ્રોફેસર ગૌરવ સબનીસે સોશિયલ મીડિયા પર આ ઘટનાની વિગતો શેર કરતા ખળભળાટ મચી ગયો છે. પ્રોફેસરે જે બાબતનો ડર વ્યક્ત કર્યો હતો, તે જ કડવી વાસ્તવિકતાનો સામનો તેમની વિદ્યાર્થિનીએ ભારત પ્રવાસ દરમિયાન કરવો પડ્યો છે.
જાણો શું છે સમગ્ર મામલો
અહેવાલો અનુસાર, સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને પ્રોફેસર ગૌરવ સબનીસે લખ્યું કે, ‘નવેમ્બરમાં એક પૂર્વ વિદ્યાર્થિનીએ મારો સંપર્ક કર્યો અને કહ્યું કે તે એક મિત્રના લગ્નમાં હાજરી આપવા માટે એક અઠવાડિયા માટે ભારત જઈ રહી છે. જ્યારે વિદ્યાર્થિનીએ ભારત યાત્રા અંગે મારી સલાહ માંગી, ત્યારે મેં તેને છેડતીથી સાવધ રહેવા કહ્યું, ખાસ કરીને દિલ્હીમાં. જો કે, દુઃખની વાત છે કે, જેનો ડર હતો એ જ થયું.’
પ્રોફેસર ગૌરવ સબનીસે ભારતની મુલાકાત પછી વિદ્યાર્થિની તરફથી મળેલો સંદેશ શેર કર્યો. જેમાં વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, ‘જ્યારે હું ભારત આવી, ત્યારે ઘણાં લોકો મારી સાથે સેલ્ફી માંગતા હતા. મે ઘણાં પુરુષોને ના પાડી, પરંતુ મહિલાઓ અને બાળકો સાથે સંમત થઈ હતી. પરંતુ જેમ તમે કહ્યું, મને દિલ્હી મેટ્રોમાં ખૂબ જ કડવો અને ડરામણો અનુભવ થયો. દિલ્હી મેટ્રોમાં એક સગીર છોકરાએ સેલ્ફી માટે અપીલ કરી. સગીર તેની માતા અને બહેન સાથે હોવાથી, મે તેની અપીલ સ્વીકારી, પરંતુ પછી જે બન્યું તે ખૂબ જ આઘાતજનક હતું. લગભગ 14-15 વર્ષના છોકરાએ પહેલા મારા ખભા પર હાથ મૂક્યો. આ પછી આ છોકરાએ મને પકડવાનું શરૂ કર્યું. તેણે મારા પ્રાઈવેટ પાર્ટને ટચ કર્યો અને હસવા લાગ્યો જાણે મજાક કરી રહ્યો હોય. આ દરમિયાન મે ગુસ્સામાં તેનો કોલર પકડી લીધો. ત્યારબાદ છોકરાની માતા અને બહેને તેનો બચાવ કરતા કહ્યું કે તેણે પહેલાં ક્યારેય કોઈ ગોરી યુવતી જોઈ નથી અને તે આશ્ચર્યચકિત થઈ ગયો હતો.’
પ્રોફેસર ગૌરવ સબનીસે લખેલા સંદેશમાં અમેરિકન યુવતીએ લખ્યું કે, ‘આ ઘટનાએ ભારતમાં મારો ખરાબ અનુભવ રહ્યો. હું ભારતને પ્રેમ કરતી હોવા છતાં, હું ભારત ક્યારેય આવીશ નહીં.’
ઉલ્લેખનીય છે કે, દિલ્હી મેટ્રો જેવી વ્યસ્ત જગ્યાએ પરિવારની હાજરીમાં વિદેશી યુવતી સાથે થયેલી આ ગેરવર્તણૂકે પ્રવાસન ક્ષેત્રે ભારતની છબીને મોટું નુકસાન પહોંચાડ્યું છે.



