સુરતમાં અડાજણના નાગરિક સુવિધા કેન્દ્રમાં મુલાકાતીઓના પાર્કિંગની જગ્યા નથી, ગંદકીના ઢેર | no parking space for visitors at Adajan Civic Center in Surat piles of dirt

![]()
Surat : સુરત પાલિકા દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારમાં નાગરિકોને ઘર નજીક પાલિકાની વિવિધ સુવિધા મળી રહે તે માટે નાગરિક સુવિધા કેન્દ્ર બનાવ્યા છે. પરંતુ અડાજણ આનંદ મહલ રોડ પર બનાવેલું નાગરિક સુવિધા કેન્દ્ર નાગરિકોની અસુવિધા માટે કુખ્યાત બની ગયું છે જેના કારણે અનેક લોકો આ જગ્યાએ જવાનું ટાળી રહ્યા છે. આવી અનેક ફરિયાદ છતાં તંત્ર દ્વારા ગંદકી કે ભંગાર દુર કરવાની કામગીરી કરવામાં આવતી ન હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સુરત પાલિકાના રાંદેર ઝોનમાં અડાજણ વિસ્તારમાં આનંદ મહલ રોડ પર પાણીની ટાંકી સામે પાલિકાનું નાગરિક સુવિધા કેન્દ્ર આવેલું છે. આ નાગરિક સુવિધા કેન્દ્રની મુલાકાતે જતા લોકોને સુવિધા ઓછી અને અસુવિધાનો વધુ અનુભવ થઈ રહ્યો છે. આ કેન્દ્રના કમ્પાઉન્ડમાં લાઈટ વિભાગ અને ડ્રેનેજ વિભાગની ઓફીસ કાર્યરત છે. બંને વિભાગોના મોટા વાહનો આડેધડ પાર્ક કરવામાં આવી રહ્યાં છે જેના કારણે નાગરિક સુવિધા કેન્દ્રની મુલાકાતે આવતા નાગરિકોને વાહન પાર્ક કરવાની જગ્યા રહેતી નથી. ભુલમાં જો કોઈ નાગરિક બહાર વાહન પાર્ક કરે તો પોલીસ વાહન ઉચકી જાય છે.
આ સમસ્યા ઓછી હોય તેમ આ વિભાગોના ભંગાર અને અન્ય સામાન ખુલ્લામાં જ પડ્યા રહેતા હોવાથી સમગ્ર વિસ્તાર ફેલાવી દેવામા આવ્યો છે અને તેના કારણે ભારે ગંદકી થઈ રહી છે. ભંગાર અને વાહન પડ્યા હોવાથી સફાઈની કામગીરી પણ યોગ્ય રીતે થઈ શકતી નથી. ભંગાર પડ્યો હોવાથી નાગરિક સુવિધા કેન્દ્રમાં આવતા લોકોને સતત અકસ્માતની ભીતિ રહેલી છે.
સુરતની પ્રજા આ નાગરિક સુવિધા કેન્દ્રમાં રોજે રોજ લોકો પ્રમાણપત્ર, ટેક્સ, પાણી-ડ્રેનેજ સહિતની સેવાઓ માટે આવે છે, ત્યાં આવી ગંદકી પાલિકાની બેદરકારી દર્શાવે છે. ઉપરાંત નાગરિક સુવિધા કેન્દ્રમાં સિનિયર સિટીઝન માટે બેસવાની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી. લાંબા સમય સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે, પરંતુ આરામ માટે એકાદ બેન્ચ સુધી ઉપલબ્ધ નથી. જેથી નાગરિકોની હાલત વધુ કફોડી થઈ રહી છે.
આ નાગરિક સુવિધા કેન્દ્રમાં અનેક સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવતો ન હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. નાગરિકોનું સ્પષ્ટ કહેવું છે કે જો તાત્કાલિક વ્યવસ્થા ન સુધારાય તો નાગરિક સુવિધા કેન્દ્ર નામ માત્રનું રહી જશે અને પ્રજા માટે વધુ મુશ્કેલીઓ ઉભી કરશે.



