દમણના ડાભેલની હોટલના રૂમમાં આગ લાગતા રાજકોટના યુવાનનું મોત | A young man from Rajkot died in a fire in a hotel room in Dabhel Daman

![]()
4 મિત્રો પ્રિન્સ ગાર્ડન હોટલમાં રોકાયા હતા : 3 મિત્રો રેસ્ટોરામાં ગયા અને વિનય વિરમગામીયા રૂમમાં એકલો હતો : હોટલ સ્ટાફના 3ને ઇજા
વાપી, : દમણના ડાભેલ ગામે આવેલી હોટલની એક રૂમમાં અચાનક આગ સળગી ઉઠી હતી. રૂમમાં હાજર રાજકોટના યુવાનનું ગુંગળામણથી મોત થયું હતું. જો કે ત્રણ મિત્રો રેસ્ટોરન્ટમાં જમવા જતા બચી ગયા હતા. આગ અંગે ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. મૃતક સહિત ચાર મિત્રો રાજકોટથી દમણ ફરવા આવ્યા હતા. ફાયર વિભાગના લાશ્કરો દોડી જઈ આગને કાબુમાં લીધી હતી. ઘટનામાં હોટલના બેથી ત્રણ કર્મચારીઓને ઈજા થઈ હતી. રૂમમાં સિગારેટ પીતી વેળા તણખલો ઉડતા ઘટના બની હોવાનું અનુમાન લગાવાયું છે.
પ્રાપ્ત માહિતિ અનુસાર રાજકોટ ખાતે રહેતો વિનય હસમુખભાઈ વિરમગામીયા (ઉ.વ. 37) અને ત્રણ મિત્રો ઉત્તરાયણ પર્વને લઇ દમણ ફરવા આવ્યા હતા. ગઇકાલે બુધવારે ચારેય મિત્રો ડાભેલ ખાતે આવેલી પ્રિન્સ ગાર્ડન હોટલમાં રોકાયા હતા. ચારેય મિત્રો સવારથી રૂમમાં દારૂની પાર્ટી કરી રહ્યા હતા. સાથે રૂમમાં ચારેય મિત્રો રૂમમાં સિગારેટ પણ પીતા હતા. સ્ટાફે રૂમમાં સિગારેટ નહીં પીવાનંું પણ જણાવ્યું હતું. ચારેય મિત્રો દારૂના નશામાં ધૂત બની ગયા હતા. મોડી સાંજે ચાર પૈકી ત્રણ મિત્રો રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા. વિનય રૂમમાં હાજર હતો. તે વેળા અચાનક આગ લાગી હતી. જેને કારણે વિનય શરીરે દાઝી ગયા બાદ બચવા માટે બાથરૂમમાં ગયા બાદ આગના ધુમાડાને કારણે વિનય ગુંગળામણથી બાથરૂમમાં બેહોશ થઇ ગયો હતો.
ઘટનાને પગલે જમવા ગયેલા ત્રણેય મિત્રો અને હોટલનો સ્ટાફ દોડી ગયો હતો. રૂમમાંથી વિનયને બેભાન અવસ્થામાં બહાર કાઢયા બાદ હોસ્પિટલમાં લઇ જતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. બીજી તરફ ફાયર વિભાગના બંબા આગને પગલે દોડી ગયા બાદ લાશ્કરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. હોટલના બેથી ત્રણ કર્મચારીઓને ઈજા પણ થઈ હતી. ઘટનાને પગલે પોલીસ અધિકારી અને ટીમ પણ દોડી ગઇ હતી. આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ કોઇ કારણ બહાર આવ્યું નથી. જો કે હોટલની રૂમમાં સિગારેટ પીતી વેળા તણખલો ઉડવાથી આગ લાગી હોવાનું અનુમાન લગાવાયું છે.


