વડોદરાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જતા સ્ટેટ હાઈવે માટે 15 લાખ હેક્ટર જમીન સરકાર હસ્તગત કરશે | vadodara statue of unity highway land acquisition by gujarat government

Vadodara-Statue of Unity Highway Land Acquisition: વડોદરાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી તરફ જતા સ્ટેટ હાઈવેને વધુ પહોળો કરવા માટે ખાનગી જમીનોનું સંપાદન કરવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. ખાનગી માલિકોની વડોદરા જિલ્લામાં આવેલી આશરે 15 લાખ હેક્ટર જેટલી જમીન સંપાદન કરવાની પ્રક્રિયા પણ પૂરજોશમાં ચાલી રહી છે.
હાઇ-સ્પીડ કનેક્ટિવિટીનું લક્ષ્ય
ઉલ્લેખનીય છે કે વડોદરાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોડતા વડોદરા તેમજે નર્મદા જિલ્લાના સ્ટેટ હાઇવે પર વાહનો પૂરઝડપે દોડી શકે તેવી સુવિધાઓ વિકસાવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવે છે, પરંતુ અનેક સ્થળોએ જામ થતા ટ્રાફિકમાંથી લોકોને મુક્તિ મળે તે દિશામાં કોઈ નક્કર પ્રક્રિયા હાથ ધરાતી નથી. વડોદરાથી એસઓયુ તરફ જતા સ્ટેટ હાઈવે પર વડોદરાથી ડભોઈ તરફના રોડને અગાઉથી જ પહોળો કરવામાં આવ્યો છે અને હવે વધુ સુવિધા સભર બનાવવા તરફ કામગીરી કરવામાં આવી રહી છે.
17 ગામોની ખાનગી જમીનનું સંપાદન
વડોદરા જિલ્લામાં એસઓયુ તરફ જતા સ્ટેટ હાઇવે માટે કુલ 17 ગામોની ખાનગી માલિકીની જમીનો સંપાદન કરવામાં આવશે. જેમાં સૌથી વધારે ડભોઇ તાલુકાના અકોટી ગામની તેમજ સૌથી ઓછી વડોદરા તાલુકાના મહંમદપુરા ગામની જમીન સંપાદન કરાશે તેમ જાણવા મળ્યું છે. કુલ 17 ગામોની 15 લાખ હેક્ટર જમીન સંપાદન થશે, જેમાં કુલ 825 સરવે નંબરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખાનગી જમીન માલિકો પાસેથી જમીનો લેવા માટે હાલમાં કલમ-10(ક) મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રેવન્યૂ વિભાગ સંભાળશે કામગીરી
વડોદરા તાલુકાના મહંમદપુરા ગામથી ડભોઇ તાલુકાના અકોટી ગામ સુધીના માર્ગ પર આવનારી ખાનગી માલિકોની જમીનો સરકાર પોતાના હસ્તક લઈ લેશે તેમ જાણવા મળ્યું છે. ખાનગી જમીનો લેવા માટે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને તે માટેની કામગીરી રેવન્યૂ વિભાગ દ્વારા કરાશે.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંદિરો તેમજ અન્યને દિવાલો તોડવા નોટિસ
વડોદરાથી એસઓયુ તરફના સ્ટેટ હાઇવેને પહોળો કરવા માટે જમીન સંપાદનની કામગીરી શરૂ કરવામાં આવી છે તેની સાથે સાથે રોડના માર્જિનમાં આવતા મંદિરો તેમજ કેટલીક દિવાલોને તોડવા માટે પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ખાનગી માલિકીની જમીન ધરાવનારા અથવા તો રોડ માર્જિનમાં આવતા કેટલાક બાંધકામોને દૂર કરવા માટે નોટિસો આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરા અને ડભોઈ તાલુકાના ખેડૂતોની સંપાદન થનાર જમીનોના ગામોના નામ
મહંમદપુરા, પલાસવાડા, ભીલાપુર, થુવાવી, પુડા, હાંસાપુરા, ફરતીકુઇ, વેગા, ડભોઈ, થરવાસા, સાઠોદ, ગામડી, ધરમપુરી, સીતપુર, વડજ, ચનવાડા, અકોટી.
84 સરવે નંબરોની સરકારી જમીનો પણ સંપાદન કરાશે
સ્ટેટ હાઇવેને પહોળો કરવા માટે ખાનગી જમીન ઉપરાંત સરકારી જમીનોને પણ હસ્તગત કરવા માટે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સરકારી તેમજ સરદાર સરોવર નર્મદા નિગમ હસ્તકના કુલ 84 સરવે નંબરોની પણ જમીન હાઇવે માટે સંપાદન કરવામાં આવશે. આ માટે અકોટીથી હેતમપુરા સુધી સ્થળ માપણી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.
પલાસવાડા ફાટક પાસે ટ્રાફિકજામમાં રોજે રોજ ફસાતા વાહનચાલકો
વડોદરાથી ડભોઈ સ્ટેટ હાઇવે પર પલાસવાડા પાસે રેલવે ફાટક પ્રવાસીઓ તેમજ વાહનચાલકો માટે માથાનો દુખાવો બની ગઈ છે. આ ફાટકની બંને બાજુએ વારંવાર ટ્રાફિકજામની સમસ્યા ક્યારે દૂર થશે તે નક્કી નથી. ફાટકની બંને બાજુ ટ્રાફિકજામ દૂર કરવા માટે માર્ગ અને મકાન વિભાગ, પોલીસ તેમજ રેલવે તંત્ર સંદતર નિષ્ફળ ગયું હોય તેમ લાગી રહ્યું છે. આ ફાટક પર લાંબા ટ્રાફિકજામના કારણે કલાકોનો સમય લોકોનો બગડે છે. કેટલીક વખત એમ્બ્યુલન્સ પણ આ ટ્રાફિકજામમાં ફસાઈ જતી હોય છે.


