અમદાવાદમાં RTE એડમિશન માટે તૈયારીઓ શરૂ, 1300 ખાનગી શાળાઓમાં અંદાજે 12000 બેઠકો | Ahmedabad Launches RTE Admissions as 1 300 Private Schools Offer 12 000 Seats

![]()
RTE Admission In Ahmedabad: અમદાવાદમાં વર્ષ 2026-27ના શૈક્ષણિક વર્ષ માટે રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ પ્રવેશ પ્રક્રિયાની પૂર્વ તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શહેરની તમામ ખાનગી શાળાઓ પાસે વિદ્યાર્થીઓની સંખ્યા અને વર્ગોની વિગતો મંગાવવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણ નિયામકની સૂચના અનુસાર, આ પ્રક્રિયાને સમયસર પૂર્ણ કરવા માટે વહીવટી તંત્ર કામે લાગ્યું છે, જેથી આગામી સમયમાં જ્યારે પ્રવેશની જાહેરાત થાય ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે.
શાળાઓને ખાસ વેરિફિકેશન ફોર્મ આપવામાં આવ્યું
આ પ્રક્રિયા અંતર્ગત અમદાવાદ શહેરની અંદાજે 1300 જેટલી ખાનગી શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ CRCને આ અંગેની કામગીરી સોંપવામાં આવી છે. શાળાઓને ખાસ વેરિફિકેશન ફોર્મ આપવામાં આવ્યું છે, જેમાં ધોરણ 1ના વર્ગોની સંખ્યા, RTE હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને કુલ વિદ્યાર્થીઓની માહિતી માંગવામાં આવી છે. નિયમ મુજબ, શાળાઓમાં ધોરણ 1ના ‘નોન-RTE’ વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે જ RTEની બેઠકો નક્કી કરવામાં આવે છે, જેના કારણે આ વિગતો એકત્રિત કરવી અનિવાર્ય છે.
આ પણ વાંચો: અમદાવાદમાં SG હાઈવે પર ટ્રાફિક વચ્ચે AMTS બસ ભડભડ કરતી સળગી, મુસાફરોનો આબાદ બચાવ
આંકડાકીય વિગતો પર નજર કરીએ તો, અમદાવાદ શહેરમાં દર વર્ષે અંદાજે 12,000 જેટલી બેઠકો પર RTE હેઠળ ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવે છે. હાલની સ્થિતિએ અમદાવાદ શહેરની વિવિધ શાળાઓમાં ધોરણ 1થી 8માં કુલ મળીને અંદાજે 90,000 જેટલા વિદ્યાર્થીઓ RTE હેઠળ મફત શિક્ષણ મેળવી રહ્યા છે. હાલમાં ચાલી રહેલી વેરિફિકેશનની કામગીરી પૂર્ણ થયા બાદ, શાળાઓની આખરી બેઠકોની સંખ્યા જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયાની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.



