બલુચિસ્તાનમાં પાકિસ્તાને અનેક મસ્જિદોને બોમ્બથી ઉડાવી દીધી | Pakistan bombed several mosques in Balochistan

![]()
બલુચિસ્તાનના નેતા મીર યારનો ઘટસ્ફોટ
પાક. સરકાર દ્વારા મસ્જિદો પર બોમ્બ ફેંકીને અનેક મૌલવીઓનું અપહરણ કરાયું
ઇસ્લામાબાદ: બલુચિસ્તાનમાં પાકિસ્તાન દ્વારા અનેક મસ્જિદો તોડવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ ખુલાસો બલુચિસ્તાનની આઝાદીની લડાઇ લડી રહેલા સ્થાનિક નેતા મીર યાર બલોચ દ્વારા કરવામાં આવ્યો છે. સાથે જ તેમણે પાકિસ્તાનને એક આતંકવાદી દેશ પણ જાહેર કર્યો હતો.
મીર યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યુ હતું કે પાકિસ્તાન એક આતંકવાદી દેશ છે અને હિન્દુઓ, શીખો, ખ્રિસ્તીઓ સહિતના લઘુમતીઓ પર અત્યાચાર કરી રહ્યું છે. પોતાના જ દેશમાં લઘુમતીઓ સુરક્ષિત નથી એવામાં પાકિસ્તાનને ભારત સહિતના દેશોમાં લઘુમતીઓના અધિકારો અંગે વાત કરવાનો કોઇ જ અધિકાર નથી. પાકિસ્તાનનું ખુદનું સૈન્ય કટ્ટરવાદીઓ, જિહાદીઓનો ઉપયોગ હિન્દુઓને દબાવવા માટે કરી રહ્યું છે.
બલુચિસ્તાનના નેતાએ વધુમાં કહ્યું હતું કે પાકિસ્તાને સ્વતંત્ર બલુચિસ્તાનમાં લગભગ ૪૦ મસ્જિદોનો નાશ કરી નાખ્યો છે જેમાં મસ્જિદો પર સીધા બોમ્બથી હુમલા કરવા, મસ્જિદોના સંચાલકોનું અપહરણ કરવું, કુરાન સળગાવવા જેવી જઘન્ય ઘટનાઓને પાકિસ્તાની સૈન્ય, પોલીસ અને સરકાર અંજામ આપી રહ્યા છે.
જમ્મુ કાશ્મીરમાં સરકાર મસ્જિદો, મેનેજમેન્ટ કમિટીઓ, ઇમામો વગેરેની જાણકારી એકઠા કરવા માટે એક પ્રોફાઇલિંગ કરવામાં આવી રહી છે. જેને લઇને પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા અટકચાળો કરવામાં આવ્યો હતો અને આ પ્રક્રિયાની ટીકા કરવામાં આવી હતી, જોકે હવે બલુચિસ્તાનના લોકો પાકિસ્તાનને તેમના અત્યાચારો યાદ અપાવી રહ્યા છે અને ભારત પર કોઇ જ ખોટી ટિપ્પણી ના કરવાની સલાહ આપી રહ્યા છે.



