ટ્રમ્પને એમની જ ભાષામાં મળશે જવાબ, EU અમેરિકા ઉપર 93 અબજ યુરોનો ટેરિફ ઝીંકશે! | US EU Trade War Looms as Trump Threatens Tariffs on 8 Nations Over Greenland Dispute

USA and EU Tariff News : ગ્રીનલેન્ડને લઈને અમેરિકા અને યુરોપિયન દેશો વચ્ચેનો તણાવ હવે ખુલ્લી ‘ટ્રેડ વોર’ તરફ આગળ વધી રહ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ મુદ્દે સાથ ન આપનારા 8 યુરોપિયન દેશો પર ભારે ટેરિફ લગાવવાની ધમકી આપી છે, જેના જવાબમાં યુરોપિયન યુનિયન (EU)એ પણ વળતા પ્રહારની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ટ્રમ્પની ‘ટેરિફ વોર’ની ધમકી, EUએ બોલાવી ઈમરજન્સી બેઠક
ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે 8 યુરોપિયન દેશોમાંથી આવતા સામાન પર 1 ફેબ્રુઆરીથી 10% ટેરિફ લગાવવામાં આવશે, જેને 1 જૂનથી વધારીને 25% કરી દેવામાં આવશે. ટ્રમ્પની આ જાહેરાત બાદ EU એક્ટિવ મોડમાં આવી ગયું છે. રવિવારે બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં EUના રાજદૂતોની એક ઈમરજન્સી બેઠક યોજાઈ હતી, જેમાં જર્મની અને ફ્રાન્સ સહિતના ઘણા દેશોએ ટ્રમ્પની ધમકીઓની નિંદા કરી અને તેને ‘બ્લેકમેલ’ સમાન ગણાવી.
EUની વળતા પ્રહારની તૈયારી, 93 અબજ યુરોનો ટેરિફ લગાવશે
ફાઇનાન્સિયલ ટાઇમ્સના અહેવાલ મુજબ, ફ્રાન્સે ટ્રમ્પની ટેરિફ ધમકીના જવાબમાં અત્યાર સુધી ન અજમાવ્યા હોય તેવા કડક પગલાં લેવાનો પ્રસ્તાવ મૂક્યો છે. યુરોપિયન દેશો અમેરિકા પર 93 અબજ યુરો (લગભગ 107.71 અબજ ડોલર) સુધીના જવાબી ટેરિફ લગાવવા અથવા તો અમેરિકન કંપનીઓને યુરોપિયન બજારમાંથી બહાર કરવા જેવા આકરા પગલાં લેવા પર વિચાર કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ અઠવાડિયે સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં યોજાનાર વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમિયાન ટ્રમ્પ પર દબાણ બનાવવા માટે યુરોપિયન દેશો આ પગલાં પર વિચાર કરી રહ્યા છે.
જવાબી કાર્યવાહીની તારીખ પણ નક્કી? EUમાં મતભેદ
અહેવાલ અનુસાર, EUના એક રાજદૂતે કહ્યું છે કે ટ્રમ્પના ટેરિફના જવાબમાં જવાબી ટેરિફ 6 ફેબ્રુઆરીથી લાગુ થઈ શકે છે. જોકે, એક અન્ય રાજદ્વારીએ જણાવ્યું કે, “ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકા વિરુદ્ધ જવાબી પગલાં લેવાનો અમારો કોઈ ઈરાદો નથી. અમે રાજદ્વારી માર્ગો શોધી રહ્યા છીએ. જો 1 ફેબ્રુઆરીએ ટ્રમ્પ ટેરિફ લાગુ કરશે, તો જ જવાબી ટેરિફ પર વિચાર કરવામાં આવશે.”
શા માટે સર્જાયો આ વિવાદ?
આ સમગ્ર વિવાદનું કેન્દ્રબિંદુ ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલેન્ડને અમેરિકામાં ભેળવવાની ઝુંબેશ છે. જે 8 દેશો ટ્રમ્પના નિશાના પર છે તેમાં ડેનમાર્ક, સ્વીડન, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, ફિનલેન્ડ, બ્રિટન અને નોર્વેનો સમાવેશ થાય છે. આ દેશોએ ડેનમાર્કના સમર્થનમાં આર્કટિક ક્ષેત્રમાં પોતાના સૈનિકોની તૈનાતી પણ કરી દીધી છે.
કેનેડાએ વ્યક્ત કરી ચિંતા
આ વધતા વિવાદ વચ્ચે, કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે કેનેડા હંમેશા પ્રાદેશિક અખંડિતતાના સમર્થનમાં રહ્યું છે અને ગ્રીનલેન્ડનું ભવિષ્ય ગ્રીનલેન્ડ અને ડેનમાર્કે જ નક્કી કરવું જોઈએ.




