મનમાંથી જાતિ નીકળે તો એક દાયકામાં જાતિવાદ ખતમ થઈ જાય : મોહન ભાગવત | If caste is removed from the mind casteism will end in a decade: Mohan Bhagwat

![]()
વિકસીત ભારત માટે આરએસએસ ચીફનું વિઝન
ભાગવતના મતે ધર્મના માર્ગદર્શન હેઠળ જ ભારત સામાજિક એકતા અને વૈશ્વિક નેતાગીરી હાંસલ કરી શકે
છત્રપતિ સંભાજીનગર: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ચીફ મોહન ભાગવતે જણાવ્યું કે જાતિ ભેદભાવ ત્યારે જ દૂર થઈ શકે જ્યારે લોકોના મનમાંથી જાતિવાદ નીકળી જાય. આરએસએસ શતાબ્દિ ઉજવણીના ભાગરૂપે આયોજિત જન સંગોષ્ઠિમાં બોલતા તેમણે કહ્યું કે જાતિ મૂળ રીતે વ્યવસાય અને કાર્ય સાથે જોડાયેલી હતી, પરંતુ સમય જતાં તે જડ અને ભેદભાવપૂર્ણ બની ગઈ. ભાગવતે સમાજને જાતિ આધારીત વિચારસરણીને સભાનપણે નકારવા અપીલ કરી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે નિષ્ઠાવાન પ્રયાસ કરવામાં આવે તો દસથી બાર વર્ષમાં ભેદભાવનો અંત આવી શકે.
શ્રોતાઓ સાથે વાત કરતા ભાગવતે પુનોરુચ્ચાર કર્યો કે આરએસએસ કોઈપણ જૂથના પ્રતિસાદ તરીકે કાર્ય નથી કરતો તેમજ કોઈની સાથે સ્પર્ધા પણ નથી કરતો. તેના સ્થાને તેનું ધ્યાન વ્યક્તિના ચરિત્ર વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણ પ્રત્યે છે. તેમણે જણાવ્યું કે સંઘનું લક્ષ્યાંક એક સંગઠન તરીકે પોતાના વિસ્તરણનું નહિ પણ એકંદર સમાજના ઉત્થાનનું છે. તેમણે ઉમેર્યું કે જેમણે આરએસએસને સમજવાનો પ્રયાસ કરવો હોય તેઓએ તેનું કાર્ય પ્રત્યક્ષ રીતે જોવા માટે તેની શાખાની મુલાકાત લેવી જોઈએ.
મુંબઈમાં એક અલગ સંબોધનમાં ભાગવતે જણાવ્યું કે જ્યાં સુધી ભારત ધર્મનું અનુસરણ કરશે ત્યાં સુધી તે વિશ્વગુરુ રહેશે. તેમણે ધર્મને બ્રહ્માંડના પ્રેરકબળ તરીકે ગણાવ્યું જે સ્વાભાવિક નિયમો અને સિદ્ધાંતો દ્વારા તમામ રચનાનું સંચાલન કરે છે. ભાગવતના મતે પૂર્વજો પાસેથી વારસા મળેલું અને સંતો તેમજ ઋષિઓ દ્વારા જળવાઈ રહેલું ભારતનું વિશિષ્ટ આધ્યાત્મિક જ્ઞાાન તેને આધ્યાત્મિક ઊંડાણનો અભાવ ધરાવતા બાકીના વિશ્વથી નોખુ કરે છે.
આ વિભાવનાની વધુ સ્પષ્ટતા કરતા ભાગવતે જણાવ્યું કે ધર્મ માત્ર કર્મકાંડ સુધી સીમિત નથી. પ્રકૃતિના પ્રત્યેક તત્વને પોતાનો ધર્મ છે, જેમ કે પાણી વહે છે, અગ્નિ બળે છે અને માનવીઓને તેમની ભૂમિકા પ્રમાણે પોતાની ફરજો છે. ભાગવતના મતે કોઈ રાજ્ય ધર્મનિરપેક્ષ હોઈ શકે, પણ કોઈ વ્યક્તિ અથવા સૃષ્ટિ ધર્મ વિના અસ્તિત્વ ન ધરાવી શકે. તેમણે જણાવ્યું કે આ સમજ ભારતના પૂર્વજોએ ગાઢ આધ્યાત્મિક જિજ્ઞાાસા દ્વારા વિકસાવી હતી અને હજી પણ સૌથી સાધારણ જીવનને પણ તે માર્ગદર્શન આપી રહી છે.



