દિલ્હીમાં રૂ. પાંચ કરોડનું કોકેન અને એમડીએમએ ટેબલેટ જપ્ત | Cocaine and MDMA tablets worth Rs 5 crore seized in Delhi

![]()
બે વિદેશી નાગરિકોની ધરપકડ
નાઇજિરિયન નાગરિકો દ્વારા સંચાલિત ઇન્ટરનેશનલ ડ્રગ સિંડિકેટનો પર્દાફાશ
નવી દિલ્હી: દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે નાઇજિરિયન નાગરિકો દ્વારા સંચાલિત એક ઇન્ટરનેશનલ ડ્રગ સિંડિકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં બે વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.
આ કાર્યવાહીમાં પાંચ કરોડ રૂપિયાનું કોકેન અને એમડીએમએ જપ્ત કરવામાં આવ્યું છે. આ ઓપરેશન દિલ્હીનાં અલગ અલગ વિસ્તારોમાં ચલાવવામાં આવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર ઓપરેશન દરમિયાન ૪૧૮ ગ્રામ કોકેન, ૯૨૫ એમડીએમએ ટેબલેટ (એક્સ્ટેસી) જપ્ત કરવામાં આવી છે. પોલીસ છેલ્લા સમયથી એક્ટિવ ડ્રગ સપ્યાલરોની પ્રવૃત્તિઓ પર કડક નજર રાખી રહી હતી.
બે ડિસેમ્બરે માહિતી મળી હતી કે એક નાઇજિરિયન નાગરિક સાયકોટ્રોપિક ડ્રગ સપ્લાય કરી રહ્યું છે. આ આરોપીની અગાઉ એનડીપીએસ કેસોમાં પણ સંડોવણી હતી. માહિતી મળ્યા પછી પોલીસે ટેકનિકલ અને મેન્યુઅલ સર્વેલન્સ શરૂ કર્યુ હતું. આરોપી પોલીસથી બચવા માટે સતત પોતાનું લોકેશન બદલતો રહેતો હતો. તે દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ દિલ્હીનાં વિસ્તારોમાં સક્રિય હતો.
સર્વેલન્સનાં અંતે પોલીસે દરોડા પાડી તેની ધરપકડ કરી હતી. આરોપીએ પોતાનું નામ ફ્રેંક વિટ્સ ગણાવ્યું હતું. તેની પાસેથી મોટા પ્રમાણમાં કોકેન અને એમડીએમએ ટેબલેટ જપ્ત કરવામાં આવી હતી.
ત્યારબાદ એનડીપીએસ (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ) એક્ટ હેઠળ કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસની પૂછપરછમાં આરોપીએ ખુલાસો કર્યો હતો કે તે દિલ્હી અને આસપાસનાં રાજ્યોમાં ફેલાયેલા એક સંગઠિત ડ્રગ સપ્લાય નેટવર્કનો હિસ્સો છે.


