ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ : સાતનાં મોત, 100થી વધુ ટ્રેનો મોડી પડી | Dense fog in North India: Seven dead over 100 trains delayed

![]()
જમ્મુ-કાશ્મીરનું સોનમર્ગમાં માઇનસ 8.9 ડિગ્રીએ થીજી ગયું
ઉત્તર પશ્ચિમ ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે બરફ વર્ષા અને વરસાદ પડવાની આગાહી
નવી દિલ્હી: દેશનાં ઉત્તરી ભાગોમાં ઠંડીનો પ્રકોપ જારી છે. કાશ્મીરમાં લઘુતમ તાપમાન સતત ઘટી રહ્યું છે. પંજાબનાં અમૃતસરમાં લઘુતમ તાપમાન ઘટીને ૧.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીરનાં સોનામાર્ગમાં માઇનસ ૮.૯ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.
પોેલીસનાં જણાવ્યા અનુસાર હરિયાણાનાં નૂંહમાં કુંડલી-માનેસર-પલવલ (કેએમપી) એક્સપ્રેસવે પર રવિવાર સવારે ગાઢ ધુમ્મસને કારણે વાહનો એકબીજા સાથે ટકરાતા એક ટ્રક ડ્રાઇવર સહિત બે લોકોનાં દાઝી જવાથી મોત થયા હતાં.
તેમણે જણાવ્યું હતું કે આ અકસ્માતને કારણે લાંબો ટ્રાફિક જામ થયો હતો અને એક્સપ્રેસ વે ઉપર પણ ટ્રાફિકમાં અવરોધ ઉભો થયો હતો.
પોલીસે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશનાં બરેલી જિલ્લામાં રવિવાર સવારે ગાઢ ધુમ્મસને કારણે દિલ્હી-લખનઉ નેશનલ હાઇવે પર ઓછામાં ઓછા ૨૦ વાહનો એકબીજા સાથે ટકરાયા હતાં.
ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી એક સપ્તાહ દરમિયાન ગાઢ ધુમ્મસ અને ઠંડી જારી રહેશે. કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ કે બરફવર્ષાની પણ સંભાવના છે. ઉત્તર પ્રદેશમાં આ સિઝનનો સૌથી ગાઢ ધુમ્મસ જોવા મળ્યો હતો. જેના કારણે કેટલાક જિલ્લાઓમાં માર્ગ અકસ્માત સર્જાયા હતાં. વિભિન્ન સ્થળોએ કુલ ૪૦થી વધારે વાહનોની ટક્કર થઇ હતી. જેમાં દોઢ વર્ષની બાળકી સહિત સાત લોકોનાં મોત થયા હતાં. આ અકસ્માતમાં ૫૦થી વધુ લોકો ઘાયલ થયા હતાં. ધુમ્મસને કારણે દ્રશ્યતા શૂન્યની નજીક પહોંચી જતા હાઇવે અને મુખ્ય માર્ગો પર વાહન ચાલકોએ નિયંત્રણ ગુમાવ્યું હતું. રાજ્યમાં ૧૦૦થી વધારે ટ્રેનોે વિલંબથી ચાલી રહી છે. જેના કારણે યાત્રીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
જમ્મુ-કાશ્મીરમાં ચિલ્લઇ કલાંનાં ૪૦ દિવસનો સમયગાળો ચાલી રહ્યો છે. જેનો આજે ૨૮મો દિવસ હતો. શ્રીનગરનું લઘુતમ તાપમાન માઇનસ ચાર ડિગ્રી નોંધવામાં આવ્યું હતું. શોપિયાંમાં માઇનસ ૫.૬ ડિગ્રી, પહલગામમાં માઇનસ ૨.૬ ડિગ્રી, ગુલમર્ગમાં માઇનસ ૪.૨ ડિગ્રી અને સોનમર્ગમાં માઇનસ ૨.૯ ડિગ્રી તાપમાન રહ્યું હતું.
હિમાચલ પ્રદેશનાં લાહોલ સ્પીતિ અને ચંબા જિલ્લાઓમાં નવેસરથી બરફવર્ષા અને પ્રવાસીઓ ફસાઇ ગયા હતાં. સ્પીતિનાં શિંકુલા દર્રા વિસ્તારમાં પ્રવાસીઓનાં ૨૫ વાહન બરફમાં ફસાઇ ગયા હતાં. સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રે તરત જ રેસ્ક્યુ ઓપરેશન ચલાવી અને તમામને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતાં.
હવામાન વિભાગની ચેતવણી અનુસાર ઉત્તર ભારતનાં પર્વતીય વિસ્તારોમાં આગામી સપ્તાહમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવનારા છે. જેના કારણે ૨૩ જાન્યુઆરી અને તેની આસપાસ કેટલાક સ્થળોએ ભારે વરસાદ અને બરફ વર્ષા થશે.
આ ઉપરાંત ૨૨ થી ૨૪ જાન્યુઆરી દરમિયાન ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર ભારતનાં મેદાની વિસ્તારોમાં પણ વરસાદની એલર્ટ છે. આગામી બે થી ત્રણ દિવસ ઉત્તર પશ્ચિમ ભારત, બિહારમાં ગાઢ ધુમ્મસ જોવા મળશે.


