મુંબઈનો મેયર ‘મહાયુતિ’નો હશે, વિવાદની ચર્ચાઓ અને સસ્પેન્સ વચ્ચે એકનાથ શિંદેનું નિવેદન | BMC Elections Mumbai Mayor Shiv Sena Eknath Shinde statement Mayor Mahayuti

![]()
Mumbai Mayor: બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ચૂંટણી બાદ હાલ ભાજપ અને શિવસેના એકનાથ શિંદે જૂથ વચ્ચે મેયર બાબતે ખેંચતાણ ચાલી રહી હોવાની ચર્ચા છે, તેવામાં ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેનું મોટું નિવેદન સામે આવ્યું છે, વિવાદો વચ્ચે શિંદેએ કહ્યું કે, ‘ભાજપ નંબર એક પાર્ટી છે, બાલાસાહેબ ઠાકરેના આશીર્વાદ અને પ્રધાનમંત્રી મોદીના પ્રયાસોથી શિવસેના ઓછા સમયમાં આગળ વધીને મજબૂત પાર્ટી બની છે.
વ્યવહાર અને વાણી પર કંટ્રોલ રાખો
એકનાથ શિંદેએ હોટલમાં રાખેલા ચૂંટાયેલા કોર્પોરેટર્સ સાથે મોડી રાત્રે મુલાકાત કરી હતી જે બાદ શિંદેએ જણાવ્યું કે અત્યાર સુધીની ચૂંટણીઓમાં શિવસેના અમારી પાર્ટી નંબર બે સ્થાન પર રહી છે, હવે ચૂંટાયેલા નગરસેવકોએ તેમના વિસ્તારની જવાબદારી સંભાળી લેવી જોઈએ અને જનતા વચ્ચે જઈને કામ કરવું જોઈએ, ચૂંટાયેલા કોર્પોરેટર્સને સલાહ સૂચન આપ્યું કે, ક્યાંય પણ કોઈ પણ ભૂલ કે ધબ્બો ન લાગે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે, કેમ કે તમારા વ્યવહાર અને વાણી પર નાગરિકોની નજર હોય છે. આ દરમિયાન કહ્યું કે આ ચૂંટણીમાં લાડકી બહેન યોજના ગેમ ચેન્જર બની, આપણી પાસે 29માંથી 19 લાડકી બહેનો છે, જનતાએ જે જનાદેશ આપ્યો છે તેનો સ્વીકાર કરીએ છીએ, જે પણ ઉણપ રહી હશે તેનું આત્મચિંતન કરીશું.
મુંબઈનો મેયર મહાયુતિનો હશે: એકનાથ શિંદે
વધુમાં એકનાથ શિંદેએ મુંબઈના મેયર બાબતે કહ્યું કે સોમવારે 19 જાન્યુઆરીએ મારે ઘણી મુલાકાતો કરવાની છે, મુંબઈનો મેયર મહાયુતિનો હશે, આજે મેં ચૂંટાયેલા નગરસેવકો/કોર્પોરેટર્સ સાથે બેઠક કરી છે, મહત્વનું છે કે મુંબઈના મેયર પદ માટે હાલ એકનાથ શિંદે કિંગ મેકરની ભૂમિકામાં છે કારણ કે 29 બેઠકો સાથે ભાજપ સાથે મળી BMC ચૂંટણીમાં બહુમતીનો આંકડો પાર કર્યો છે.
અમે ઘણાના સંપર્કમાં: સંજય રાઉત
મુંબઈના મેયર પદ માટે સસ્પેન્સ વધી રહ્યું છે. કારણ કે ચૂંટણી જીત્યા બાદ એકનાથ શિંદેએ અઢી અઢી વર્ષ માટે મેયર પદની ભાજપ પાસે માંગ કરી છે. અને પોતાના કોર્પોરેટર્સને ફાઈવ સ્ટાર હોટલમાં ખસેડી દીધા છે. એક તરફ મુખ્યમંત્રી ફડણવીસ વિવાદ નથી તેવી હામ ભરી રહ્યા છે, પણ ઘટનાક્રમ બીજી તરફ ઈશારો કરી રહ્યું છે. કારણ કે મોકો જોઈને ઉદ્ધવ ઠાકરે પણ કહ્યું કે, ‘જો ભગવાનની ઈચ્છા હશે તો શિવસેના UBTનો જ મેયર બનશે’. સંજય રાઉતે પણ લાભ ઉઠાવતા જણાવ્યું કે, ‘શિવસેના એકનાથ જૂથના ઘણા કોર્પોરેટર નથી ઇચ્છતા કે ભાજપનો મેયર બને, અમે ઘણાના સંપર્કમાં છીએ’
‘કોર્પોરેટર્સને હોટલમાં કેદી બનાવીને રાખ્યા’
સંજય રાઉતે કહ્યું-‘એકનાથ શિંદેએ કોર્પોરેટર્સને હોટલમાં જેલની માફક કેદી બનાવીને રાખ્યા જે કાયદાકીય વ્યવસ્થા પર સવાલ ઊભા કરે છે, કોર્પોરેટર્સને ડર છે કે તેમનું અપહરણ થઈ શકે છે, તેમને તોડવામાં આવી શકે છે, તેવામાં શિંદેએ તેમને તાજ હોટલમાં બંધ કરી દીધા છે અને ત્યાં પોલીસ પહેરો લગાવી દીધો છે, આ ખૂબ જ ચિંતાજનક છે કોર્પોરેટર્સના અધિકારોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે.’
BMCમાં સત્તાનું ગણિત:
કુલ બેઠક: 227, બહુમતી: 114, આમ તો, શુક્રવારે જાહેર થયેલા BMC ચૂંટણીના પરિણામોમાં મહાયુતિ ગઠબંધન(ભાજપ-શિવસેના શિંદે જૂથ)ને 118 બેઠકો સાથે પૂર્ણ બહુમતી મળી છે.
-ભાજપ: 89 બેઠકો
-શિવસેના (એકનાથ શિંદે): 29 બેઠકો
-શિવસેના (ઉદ્ધવ ઠાકરે): 65 બેઠકો
-કોંગ્રેસ: 24 બેઠકો
-MNS (રાજ ઠાકરે): 6 બેઠકો
-AIMIM: 8 બેઠકો
-NCP (શરદ પવાર): 1 બેઠક
-NCP (અજિત પવાર): 3 બેઠકો
..તો ઉદ્ધવ જૂથ પણ મારી શકે બાજી?
હાલ સ્થિતિ એટલા માટે રોચક થઈ ગઈ છે કે ભાજપ મુંબઈમાં પોતાનો મેયર બેસાડવા માંગે છે જ્યારે શિવસેના (એકનાથ શિંદે) મેયર માટે અઢી અઢી વર્ષના ફોર્મ્યુલા પર અડી છે. જેથી મહાયુતિમાં પણ મેયર માટે હુતાતુંસી ચાલી રહી છે. બીજી તરફ જો શિવસેના (ઉદ્ધવ ઠાકરે): 65 બેઠકો, કોંગ્રેસ: 24 બેઠકો, MNS (રાજ ઠાકરે): 6 બેઠકો, AIMIM: 8 બેઠકોNCP (શરદ પવાર): 1 બેઠક તેમજ સપા પાસે 2 બેઠકો છે જેથી જો મહા વિકાસ અઘાડી જો મહાયુતિના કેટલાક કોર્પોરેટરો તોડી લે તો મહાવિકાસ અઘાડીનો પણ મેયર બની શકે છે. આ જ માટે હાલ મુંબઈ મહાનગરપાલિકા પર સત્તાની લડાઈમાં કાવાદાવા જોવા મળી રહ્યા છે.


