પંચમહાલ: પાનમ સિંચાઈ વિભાગના અધિકારીની ₹33 લાખની ‘કાળી કમાણી’નો પર્દાફાશ, ACBએ નોંધ્યો ગુનો | Panchmahal ACB Exposes ₹3 3 Million Disproportionate Assets of Panam Irrigation Officer

![]()
Panchmahal News: ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓ સામે એન્ટિ કરપ્શન બ્યુરો (ACB) એ લાલ આંખ કરી છે. પંચમહાલ જિલ્લામાં એસીબીએ એક મોટી કાર્યવાહી કરતા પાનમ સિંચાઈ પેટા વિભાગના તત્કાલીન નાયબ કાર્યપાલક ઈજનેર સામે ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કર્યો છે. લાખો રૂપિયાની કાળી કમાણીનો ખુલાસો થતા સરકારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આવક કરતા 74 ટકા વધુ મિલકત મળી આવી
એસીબીની તપાસમાં બહાર આવ્યું છે કે, પાનમ સિંચાઈ પેટા વિભાગના અધિકારી સ્નેહલકુમાર શાહ પાસે તેમની કાયદેસરની આવક કરતા અનેકગણી વધુ સંપત્તિ છે. વર્ષ 2004 થી 2015 ના સમયગાળા દરમિયાન તેમણે ભ્રષ્ટાચાર દ્વારા મિલકતો વસાવી હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે.
કુલ અપ્રમાણસર મિલકત: ₹33,00,000 થી વધુ (અંદાજે)
તફાવત: કાયદેસરની આવકની સરખામણીએ 74ટકાથી વધુનો તફાવત.
11 વર્ષની સર્વિસ દરમિયાન કરી ‘કાળી કમાણી’
એસીબીના સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્નેહલકુમાર શાહ જ્યારે ફરજ પર હતા ત્યારે તેમણે સત્તાનો દુરુપયોગ કરી મિલકતો ભેગી કરી હતી. તપાસ દરમિયાન તેમના બેંક ખાતા, રોકાણો અને સ્થાવર-જંગમ મિલકતોની ચકાસણી કરવામાં આવી હતી. આ લાંબી તપાસના અંતે પંચમહાલ એસીબી પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.



