‘બંગાળના લોકો પર દુશ્મની કાઢી રહી છે TMC’, સિંગુરથી વડાપ્રધાન મોદીનો મમતા સરકાર પર પ્રહાર | PM Modi Mission West Bengal PM Modi Singur Rally Modi live

![]()
PM Modi Singur Rally: પશ્ચિમ બંગાળમાં માર્ચ-એપ્રિલ 2026માં વિધાનસભા ચૂંટણીઓ છે, ત્યારે વડાપ્રધાન મોદીએ જાણે આ જનસભા કરીને ચૂંટણીનું રણશિંગુ ફૂંક્યું છે. અહીંના હુગલી જિલ્લાના સિંગુરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મમતા બેનર્જી સરકાર વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે બિહારના ઉદાહરણ સાથે બંગાળની સ્થિતિની સરખામણી કરતા કહ્યું કે, ‘જે રીતે ભાજપ-NDA એ બિહારમાં જંગલરાજને ફરીથી આવતા રોક્યું છે, તેવી જ રીતે હવે બંગાળની જનતા પણ 15 વર્ષના ‘મહા-જંગલરાજ’ને વિદાય આપવા તૈયાર છે.’
830 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને રેલવેનો ઉલ્લેખ
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ રૂ. 830 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરતા જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં બંગાળમાં જેટલું કામ થયું છે, તેટલું કદાચ છેલ્લા 100 વર્ષમાં નથી થયું. દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન અને અડધો ડઝનથી વધુ અમૃત ભારત ટ્રેનો બંગાળને મળી છે. નવી ટ્રેનોમાંની એક ટ્રેન કાશી (વારાણસી) અને બંગાળ વચ્ચેના સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધોને વધુ મજબૂત કરશે. દિલ્હી અને તમિલનાડુ માટે પણ નવી અમૃત ભારત ટ્રેનો શરૂ કરવામાં આવી છે.
બંગાળના લોકો પર દુશ્મની કાઢી રહી છે TMC’
‘વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘મારો સતત પ્રયાસ રહે છે કે, બંગાળના યુવાનો, ખેડૂતો અને માતાઓ-બહેનો માટે દરેક શક્ય સેવા કરું, પણ અહીંયાની TMC સરકાર કેન્દ્ર સરકારની યોજનાઓને તમારા સુધી પહોંચવા દેતી નથી, મારા કે ભાજપ સાથે TMCની કોઈ દુશ્મની હોય તે માની શકાય પણ આ તો બંગાળના લોકો સાથે પોતાની દુશ્મની કાઢી રહી છે. TMC અહીંયાના યુવાનો, ખેડૂતો અને માતાઓ બહેનો સાથે દુશ્મની કરવાનું નક્કી કરીને બેઠી છે.’
PM મોદીએ ગેરંટી આપી
‘બંગાળમાં ઉદ્યોગ ત્યારે લાગશે, રોકાણ ત્યારે આવશે જ્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી હોય, બંગાળમાં હાલ તોફાની તત્વોને લૂંટવાની, માફિયાઓને છૂટો દોર મળ્યો છે, અહીંયા દરેક વસ્તુ પર સિન્ડીકેટ ટેક્સ લગાવામાં આવે છે, આ સિન્ડીકેટ ટેક્સ અને માફિયાવાદને ભાજપ જ ખતમ કરી નાંખશે, આ મોદીની ગેરંટી છે’
લોજિસ્ટિક્સ હબ અને ગ્રીન મોબિલિટી પર ભાર
સિંગુરના ટાટા નેનો વિરુદ્ધના આંદોલનનું નામ લીધા વિના વડાપ્રધાન મોદીએ કહ્યું કે, એક સમયે સિંગુર ઔદ્યોગિક સંઘર્ષનું કેન્દ્ર હતું, ત્યાં હવે ‘વિકસિત ભારત’નો પાયો નખાઈ રહ્યો છે. જેમ કે, બાલાગઢમાં બનનારી એક્સટેન્ડેડ પોર્ટ ગેટ સિસ્ટમ કોલકાતા પોર્ટ પરનો બોજ ઘટાડશે અને પરિવહન ખર્ચમાં ધરખમ ઘટાડો કરશે. પર્યાવરણની જાળવણી માટે હાઈબ્રિડ ઈલેક્ટ્રિક બોટ દ્વારા માલની હેરફેર (કાર્ગો મુવમેન્ટ) વધારવાનો પણ કેન્દ્ર સરકારનો સંકલ્પ છે.
વિકાસ અને વારસાના સંગમ મુદ્દે તૃણમૂલ સરકારને ટોણો
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ભાવુક અંદાજમાં કહ્યું કે બંગાળમાં જ ‘વંદે માતરમ’ને પૂર્ણ સ્વરૂપ મળ્યું હતું. તો તૃણમૂલ કોંગ્રેસ સરકારને ટોણો મારતા કહ્યું કે, ભાજપ સરકાર વિકાસની સાથે દુર્ગા પૂજા જેવા વારસાને પણ મહત્ત્વ આપે છે, જેને હેરિટેજ દરજ્જો મળ્યો છે. પૂર્વ ભારતનો વિકાસ એ જ વિકસિત ભારતનો મુખ્ય આધાર છે. આ માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે.
‘અસલી પરિવર્તન’ની હાકલ અને બિહારનો ઉલ્લેખ
સિંગુરમાં ઉમટેલી મેદનીને જોઈને વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ ઉત્સાહ પશ્ચિમ બંગાળની નવી વાર્તા લખી રહ્યો છે. બંગાળના લોકો હવે માત્ર પરિવર્તન નહીં પણ ‘અસલી પરિવર્તન’ ઈચ્છે છે. જે રીતે બિહારને જંગલરાજથી મુક્ત કર્યું છે, તેમ ભાજપ બંગાળમાંથી ‘મહા-જંગલરાજ’ને વિદાય આપવા સજ્જ છે.



