ન્યાય મળે તે પહેલા જ દુનિયા છોડી ગઈ મણિપુરની દુષ્કર્મ પીડિત યુવતી, માતાએ ઠાલવી વેદના | Manipur Kuki Woman Dies 2 Years Ago Kidnapped By Mob And Gang Misdemeanor

![]()
Manipur Violence Gang Rape Victim Death : મણિપુરમાં વર્ષ 2023માં ફાટી નીકળેલી વંશીય હિંસા દરમિયાન સામૂહિક દુષ્કર્મનો શિકાર બનેલી 20 વર્ષીય કુકી યુવતીનું 10 જાન્યુઆરી 2026ના રોજ અવસાન થયું છે. બે વર્ષ સુધી શારીરિક યાતના, માનસિક આઘાત અને ન્યાયની આશા વચ્ચે ઝઝૂમ્યા બાદ પીડિતાએ દમ તોડ્યો છે. પરિવારનો આક્ષેપ છે કે, તેમની દીકરીને જીવતે જીવ ન્યાય ન મળ્યો.
પીડિતાને ભૂખી-તરસી રાખી અત્યાચાર કરાયો
મે 2023માં ઈમ્ફાલમાં સશસ્ત્ર શખ્સોએ યુવતીનું અપહરણ કરી પહાડી વિસ્તારમાં લઈ જઈ નરાધમ કૃત્ય આચર્યું હતું. પીડિતાએ અગાઉ જણાવ્યું હતું કે, તેને આખી રાત ભૂખી-તરસી રાખી અત્યાચાર કરાયો હતો. કોઈક રીતે તે જીવ બચાવી શાકભાજીના ઢગલા નીચે છુપાઈને ત્યાંથી ભાગવામાં સફળ રહી હતી.
યુવતીને ઊંઘમાં ડરામણા સપના આવતા : માતાની વેદના
યુવતીની માતાએ ભારે હૈયે જણાવ્યું કે, તેમની દીકરી પહેલા ખૂબ જ હસમુખી હતી અને બ્યુટી પાર્લરમાં કામ કરતી હતી. આ ઘટના બાદ તેની હસી ગાયબ થઈ ગઈ છે અને તે એક રૂમમાં કેદ થઈ ગઈ હતી. તે સતત ડરના ઓથાર નીચે જીવતી હતી અને તેને ઊંઘમાં પણ ડરામણા સપના આવતા હતા.
લાંબી સારવાર યુવતીનું મોત
મીડિયા અહેવાલ મુજબ, દુષ્કર્મને કારણે યુવતીને ગર્ભાશયની ગંભીર બીમારીઓ અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. ગુવાહાટીમાં તેની લાંબી સારવાર ચાલી રહી હતી, પરંતુ શારીરિક અને માનસિક ઈજાઓ એટલી ગંભીર હતી કે, તે ક્યારેય સ્વસ્થ થઈ શકી નહીં. અંતે ઈજાઓના કારણે જ તેનું મોત થયું છે.
મણિપુર હિંસામાં 260થી વધુ લોકોના મોત
સ્વદેશી જનજાતિ નેતા મંચ (ITLF)એ યુવતીના માનમાં કેન્ડલલાઈટ માર્ચની જાહેરાત કરી છે. મણિપુરમાં ફાટી નીકળેલી હિંસામાં અત્યાર સુધી 260થી વધુ લોકોના મોત થયા છે અને હજારો લોકો પોતાના ઘરો છોડીને અન્યત્ર સુરક્ષિત સ્થળે જવા માટે મજબૂર થયા છે.
આ પણ વાંચો : બંગાળમાં 15 વર્ષના ‘મહા જંગલરાજ’ને હટાવવાનો સમય… સિંગુરથી વડાપ્રધાન મોદીનો હુંકાર


