ગાંધીનગર: કૂતરું કરડ્યાના 4 મહિના બાદ હડકવા ઉપડ્યો, નિવૃત IASની પુત્રીનું કરુણ મોત | Gandhinagar News retired ias daughter dies of rabies after dog bite Rabies virus

Rabies virus: ગાંધીનગરમાં રહેતા નિવૃત IAS અધિકારીના પરણિત પુત્રીનું કૂતરું કરડ્યા બાદ હડકવા ઉપડવાથી મોત થયું છે. મૃતક મહિલા ગાંધીનગરના જાણીતા શાળા પરિવાર સાથે જોડાયેલા હતા. શાળામાં જ ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડના ‘બીગલ’ બ્રીડના ડોગને રમાડી રહ્યા હતા તે દરિયામન તેણે બચકું ભર્યું હતું. ઘા સામાન્ય હોવાથી કોઈ સારવાર લેવામાં આવી ન હતી. જે બાદ ઘટનાના ચાર મહિના બાદ મહિલાને હડકવા ઉપડ્યો હતો. 15-17 દિવસની સારવાર બાદ મહિલાનું મોત થતાં શાળા અને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
શું છે સમગ્ર ઘટના?
આજથી ચાર મહિના પહેલાની વાત છે, જ્યારે શાળા સાથે જોડાયેલી મહિલા સિક્યુરિટી ગાર્ડના સ્ટાફ પાસે રહેલા ‘બીગલ’ બ્રીડના ડોગ પંપાળી રહી હતી. ત્યારે અચાનક જ તેને મહિલાને બચકું ભરી લીધું હતું. પણ પાલતુ ડોગ હોવાથી ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી ન હતી. જે બાદ ગત 17 ઓક્ટોબર 2025ના રોજ ‘બીગલ’ બ્રીડના ડોગને પણ હડકવા ઉપડ્યો હતો અને તેનું પણ મોત નીપજ્યું હતું.
શાળા સ્ટાફે કરી હતી જાણ
આ ઘટના બાદ શાળાના સંચાલકોએ પણ તમામ વાલીઓ અને સ્ટાફને મેસેજ કરી જાણ કરી હતી કે જો કોઈ વિદ્યાર્થી કે સ્ટાફનું કોઈ માણસ ‘બીગલ’ ડોગના સંપર્કમાં આવ્યું હોય તો તાત્કાલિક રસી મુકાવી દે, સ્કૂલ દ્વારા રેબીઝની રસી પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ઘટનાને ઘણા દિવસો વીતી ગયા હોવાથી મહિલાએ આ વાતને પણ ટાળી હતી.
ચાર મહિના બાદ લક્ષણો દેખાયા
પરંતુ ગત ડિસેમ્બર મહિનામાં મહિલાની તબિયત અચાનક લથડી હતી. જેથી 31 ડિસેમ્બરના રોજ અમદાવાદના ભાટ નજીક આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે રેબીઝના લક્ષણો જણાતા જરૂરી રિપોર્ટની તજવીજ હાથ ધરી હતી. જેમાં મહિલાને હડકવા જેને હાઇડ્રોફોબિયા તરીકે પણ ઓળખવામાં આવે છે તેની પુષ્ટિ થઈ હતી. બાદમાં ડોકટરોએ સતત 19 દિવસ સુધી હડકવા વિરોધી સારવાર કરી હતી પણ અંતે 17 જાન્યુઆરીના રોજ મહિલાનું મોત થયું છે. જેના પિતાએ ગુજરાત સરકારમાં એડિશ્નલ ચીફ સેક્રેટરી તરીકે સેવા આપી હતી, તેઓ 2001માં નિવૃત થયા હતા.
ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં અંતિમ સંસ્કાર
હડકવાના કારણે ડૉક્ટરની સલાહ મુજબ મૃતદેહને સંપૂર્ણ રીતે પ્લાસ્ટિક બેગમાં કવર કરી દેવામાં આવ્યો હતો. બાદમાં ગાંધીનગર સેક્ટર-30 સ્મશાન ગૃહમાં ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
લક્ષણો શરૂ થઈ જાય, પછી હડકવાનો ઇલાજ શક્ય નથી
આ ઘટના ચેતવતી છે હડકવા પ્રાણીના કરડવાથી લાળ દ્વારા ફેલાય છે. શ્વાન, ગાય, ઘોડા, બકરા, સસલા અને જંગલી પ્રાણીઓ જેવા કે શિયાળ, ચામાચીડિયા, કોયોટ્સ, શિયાળ અને હાયના જેવા ખેતરના પ્રાણીઓ હડકવાથી સંક્રમતિ હોય શકે છે જેથી તકેદારી રાખવી જરૂરી છે. એકવાર લક્ષણો શરૂ થઈ જાય, પછી હડકવાનો ઇલાજ થઈ શકતો નથી.
હડકવાને કેવી રીતે ઓળખી શકાય, જાણો લક્ષણો
-હડકવાના લક્ષણો અને ચિહ્નો રોગના અંતિમ તબક્કા સુધી દેખાતા નથી, તે સમય સુધીમાં વાઇરસ મગજમાં ફેલાય છે જેના કારણે એન્સેફાલીટીસ, અને તરત જ મૃત્યુ.
-હડકવાનો ઇન્ક્યુબેશન પિરિયડ હોય છે, જેનો અર્થ છે કે લક્ષણો અને ચિહ્નો દેખાય તે પહેલા તે વ્યક્તિના શરીરમાં કેટલાક દિવસો સુધી નિષ્ક્રિય રહે છે. પ્રારંભિક લક્ષણો છે માથાનો દુખાવો, ગળામાં દુખાવો, તાવ અને ડંખના સ્થળે કળતર.
-વધુ પડતી લાળ, ગળવામાં તકલીફ, ગળવામાં તકલીફને કારણે પાણીનો ડર, ચિંતા, મૂંઝવણ, જેવા લક્ષણો અનિદ્રા અને આંશિક લકવો અને ક્યારેક કોમા પણ હડકવા સૂચવે છે.
-વ્યક્તિ અવાજ, પ્રકાશ અને હવાના ઠંડા પ્રવાહ માટે પણ અસહિષ્ણુ છે. હવાનો ડર (એરોફોબિયા) જોવા મળે છે.

કૂતરું કરડે ત્યારે શું કરવું?
-ઘાને નળ નીચે વહેતા પાણીમાં સાબુ અથવા એન્ટીસેપ્ટિક દવાથી 10 થી 15 મિનિટ ધોઈને સાફ કરવું.
-જેથી પ્રાણીની લાળમાં વાઈરસ હોય તો સાફ થઈ જાય જેથી ઈન્ફેકશન ઓછા પ્રમાણમાં લાગે.
-ઘાને ધોઈ સાફ કર્યા બાદ એન્ટીસેપ્ટિક દવા લગાવવી.
-કોઈપણ પ્રાણી કે કૂતરૂ કરડે તો બાધા કે ભુવા પાસે જવા કરતાં તાત્કાલિક રસી મુકાવો.
-સરકારી/પ્રાઈવેટ દવાખાનામાં હડકવાની રસી મુકાવવી. તેમજ હડકવાના તમામ ડોઝ નિયમિત સમયસર પૂર્ણ કરવા.
-રસી લેવા માટેનું કાર્ડ સાચવવું અને તમામ ડોઝ સમયસર લેવાય તે માટે સાથે રાખવું.
-પ્રાણી હડકવાના લક્ષણો ધરાવે છે કે કેમ ? જેની ખાત્રી કરવી અને ડોકટરને જાણ કરવી.
-જો પાલતું પ્રાણીઓ હોય તો તેને સમયસર રસી અપાવવી.
-પ્રાણીઓની સાર-સંભાળ કરતા લોકોએ પણ હડકવા ન થાય તે માટે હડકવાની રસીના ડોઝ અવશ્ય લેવા જોઈએ.
કૂતરું કરડે ત્યારે શું ન કરવું?
-પ્રાણી કરડયું હોય તો ઘા પર ખુલ્લા હાથે અડવું નહીં.
-પ્રાણી કરડયું હોય તો ઘા પર મરચું, હળદર કે ચૂનો લગાવવો નહીં. ઘા પર કોઈ તેલ પદાર્થ લગાવવો નહીં.
-અંધ વિશ્વાસ જેવા ટોચકા કરવા નહીં..નાના બાળકોને રખડતા પ્રાણીઓ સાથે રમવા દેવા નહીં.



