અમેરિકાનું ટેન્શન વધ્યું: ટ્રમ્પની જીદ સામે રસ્તા પર ઉતર્યા ગ્રીનલેન્ડના લોકો, ‘મેક અમેરિકા ગો અવે’ના નારા લાગ્યા | Make America Go Away: Massive Protests in Greenland Against Trump’s Annexation Plans

![]()
Massive Protests in Greenland Against Trump’s Annexation Plans : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડેનમાર્કના સ્વાયત્ત પ્રદેશ ગ્રીનલેન્ડ પર કબજો કરવાની ઇચ્છા જતાવતાં યુરોપમાં તણાવ ઊભો થયો છે. ટ્રમ્પની નીતિઓની વ્યાપક ટીકા થઈ છે. ગ્રીનલેન્ડને હસ્તગત કરવા માટે અમેરિકા સૈન્ય કાર્યવાહી પણ કરી શકે એમ છે, એવી ટ્રમ્પની ધમકીના જવાબમાં 17 જાન્યુઆરીના રોજ ડેનમાર્ક અને ગ્રીનલેન્ડના હજારો નાગરિકોએ વિરોધ પ્રદર્શનો કરીને ‘Make America Go Away’ (અમેરિકાને દૂર કરો)ના ઝંડા લહેરાવ્યા હતા.
અમેરિકાને દૂર કરો, ગ્રીનલેન્ડ વેચાણ માટે નથી!
ગ્રીનલેન્ડની રાજધાની નૂક અને ડેનમાર્કની રાજધાની કોપનહેગન સહિત ઘણા શહેરોમાં લોકોએ રેલીઓ કાઢી હતી. પ્રદર્શનકારીઓએ ‘કલાલ્લિત નુનાત!’ (ગ્રીનલેન્ડિક ભાષામાં ગ્રીનલેન્ડનું નામ) અને ‘Greenland is not for sale!’ (ગ્રીનલેન્ડ વેચાણ માટે નથી!) જેવા નારા લગાવ્યા હતા. ઘણા લોકોએ રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યા હતા અને ટ્રમ્પની નીતિઓનો વિરોધ કરતા પ્લેકાર્ડ પકડ્યા હતા.
ટ્રમ્પે આપેલા સ્લોગન MAGA સાથે શબ્દરમત કરી
ટ્રમ્પે અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીના ઢંઢેરામાં MAGA (Make America Great Again – અમેરિકાને ફરી મહાન બનાવીએ) એવું સ્લોગન આપ્યું હતું. એમણે પહેરેલી MAGA લખેલી ટોપી પણ દુનિયાભરમાં પ્રસિદ્ધ થઈ ગઈ હતી. ગ્રીનલેન્ડ મુદ્દે ટ્રમ્પનો વિરોધ કરવા નીકળેલા પ્રદર્શનકારીઓએ ટ્રમ્પે પહેરેલી એવી જ ટોપીઓ પહેરેલી હતી, પણ એના પર ‘મેક અમેરિકા ગ્રેટ એગેઈન’ને બદલે ‘મેક અમેરિકા ગો અવે’ (Make America Go Away – MAGA – અમેરિકાને દૂર કરો) લખેલું હતું. આ ઉપરાંત, ‘અમેરિકા પાસે ખૂબ બધો બરફ છે’ (એટલે કે અમેરિકાએ ગ્રીનલેન્ડ જેવા બર્ફિલા પ્રદેશને હસ્તગત કરવાની કોઈ જરૂર નથી) જેવા વ્યંગાત્મક સંદેશા પણ જોવા મળ્યા હતા.
વડાપ્રધાન પણ પ્રદર્શનમાં જોડાયા
ગ્રીનલેન્ડના વડાપ્રધાન જેન્સ-ફ્રેડરિક નીલ્સન પણ નૂક ખાતે પ્રદર્શનમાં સામેલ થયા હતા. તેઓ પરંપરાગત ઇનુઇટ ગીતો ગાતા અને રાષ્ટ્રધ્વજ લહેરાવતા જોવા મળ્યા હતા. તેમણે ભીડને સંબોધિત કરીને ગ્રીનલેન્ડના હક માટે આગ્રહ કર્યો હતો.
ટ્રમ્પે ખુલ્લેઆમ ગ્રીનલેન્ડ પર કબજો જમાવવાની વાત કરી છે
ટ્રમ્પે ગ્રીનલેન્ડને અમેરિકાનો ભાગ બનાવવાની ઈચ્છા વારંવાર વ્યક્ત કરી છે. તેઓ એવી દલીલ કરે છે કે આર્કટિકમાં આવેલો આ ટાપુ વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ છે અને તેની પાસે ઘણા દુર્લભ ખનિજો છે. ગ્રીનલેન્ડને અમેરિકાનો ભાગ બનાવવા માટે તેઓ લશ્કરી કાર્યવાહી કરવા પણ તૈયાર હોવાનું કહી ચૂક્યા છે.
ટ્રમ્પ ટેરિફ વધારીને નાક દબાવવાની પેરવી
ગ્રીનલેન્ડને ગજવે ઘાલવાની પ્રક્રિયામાં અડચણ ઊભી કરનારા યુરોપના દેશો પર વધારાનો ટેરિફ લાદવાની ધમકી પણ ટ્રમ્પ આપી ચૂક્યા છે. તેમણે ગ્રીનલેન્ડ સાથે સંબંધ ધરાવતા ડેનમાર્ક, જર્મની, ફ્રાન્સ, યુ.કે. જેવા તમામ યુરોપિયન દેશો પર 10% નવો ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. સાથોસાથ તેમણે ચેતવણી પણ આપી છે કે જો ગ્રીનલેન્ડનો સોદો ન થાય, તો આ ટેરિફ જૂન મહિનામાં 25% સુધી વધારી દેવામાં આવશે.
યુરોપે આકરો પ્રતિભાવ આપ્યો છે
ટ્રમ્પની સૈન્ય કાર્યવાહી કરવાની અને વિશેષ ટેરિફ લાદવાની ધમકીઓનો યુરોપીય નેતાઓએ જોરદાર વિરોધ કર્યો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ટેરિફની ધમકીઓને ‘અસ્વીકાર્ય’ ગણાવી છે. યુરોપિયન યુનિયને જાહેર કર્યું છે કે તે ડેનમાર્ક અને ગ્રીનલેન્ડના લોકો સાથે છે. ડેનમાર્કે પણ ગ્રીનલેન્ડ મુદ્દે કોઈ સોદાબાજી નહીં થાય, એમ સોય ઝાટકીને કહી દીધું છે.
ગ્રીનલેન્ડવાસીઓ મક્કમ છે
ગ્રીનલેન્ડના લોકો મુખ્યત્વે ઇનુઇટ વંશજો છે, જેમની પોતાની સમૃદ્ધ સંસ્કૃતિ અને ભાષા છે. ડેનમાર્કના વડપણ હેઠળ તેમને મોટા પ્રમાણમાં સ્વાયત્તતા મળી છે અને ભવિષ્યમાં સંપૂર્ણ સ્વતંત્રતા મળવાની શક્યતા પણ છે. ટ્રમ્પની મહેચ્છાએ ગ્રીનલેન્ડના નાગરિકોમાં રોષ ફેલાવ્યો છે, જેના પડઘા રૂપે આ વિરોધ પ્રદર્શનો યોજાયા છે. અમેરિકા જો ગ્રીનલેન્ડના સાર્વભૌમત્વને પડકારશે અને કોઈ સૈન્ય કાર્યવાહી કરવા જશે તો એ પગલું ચોક્કસપણે આકરા સૈન્ય સંઘર્ષમાં પરિણમશે, એવું લાગી રહ્યું છે.



