‘મને ભારતીય હોવા પર ગર્વ…’, બોલિવૂડમાં કોમવાદ મુદ્દે વિવાદ બાદ એઆર રહેમાનની સ્પષ્ટતા | AR Rahman Breaks Silence on Bollywood Communalism Row: “Proud to be Indian”

![]()
AR Rahman Breaks Silence on Bollywood Communalism Row : ભારતીય સંગીતકાર એ આર રહેમાને પોતાના ગીતો તથા સંગીત માટે સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. જોકે હાલમાં જ તેઓ સિનેમા ઈન્ડસ્ટ્રીમાં કોમવાદના આરોપના કારણે ચર્ચામાં આવ્યા છે. તેમના આરોપ બાદ ઘણા સ્ટાર્સે તેમનો વિરોધ પણ કર્યો હતો. જે બાદ હવે તેમણે વીડિયો પોસ્ટ કરી સ્પષ્ટતા આપી છે.
વિવાદ બાદ એઆર રહેમાનની સ્પષ્ટતા
એઆર રહેમાને કહ્યું છે કે, મારા માટે સંગીત લોકો તથા સંસ્કૃતિ સાથે જોડાવવાનું માધ્યમ રહ્યું છે. ભારત મારું ઘર જ નહીં, મારી પ્રેરણા અને ગુરુ પણ છે. મારો ઉદ્દેશ્ય કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. આશા છે કે લોકો મારી પ્રમાણિકતા અને અને ઉદ્દેશ્ય સમજશે. મને ભારતીય હોવા પર ગર્વ છે. ભારતે જ મને તે મંચ આપ્યો જેના પર હું મારી રચનાત્મકતા સ્વતંત્રતા સાથે દુનિયાને બતાવી શક્યો. ભારતે હંમેશા મને પ્રેરિત કર્યો છે. મેં ભારતમાં સિક્રેટ માઉન્ટેન નામના દેશના પ્રથમ મલ્ટીકલ્ચરલ વર્ચ્યુઅલ બેન્ડની સ્થાપના કરી છે. મેં જલા પ્રોજેક્ટમાં કામ કર્યું, નાગા સંગીતકારો સાથે મળીને સ્ટ્રિંગ ઓરકેસ્ટ્રા બનાવ્યું, સનશાઈન ઓરકેસ્ટ્રાને મેન્ટર કર્યું. સંગીત હંમેશા લોકોને જોડવા તથા સાંસ્કૃતિક ધરોહરનું સન્માન કરવાનું માધ્યમ રહ્યું છે.
શું હતો સમગ્ર વિવાદ?
એ.આર. રહેમાને બોલિવૂડમાં સાંપ્રદાયિક્તાને લઈને મોટું નિવેદન આપતા વિવાદ ઊભો થયો હતો. તેમણે કહ્યું હતું કે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છેલ્લા આઠ વર્ષથી તેમને કામ નથી મળ્યું. મ્યુઝિક ઈન્ડસ્ટ્રી હવે સંગીતકારો અને ડાયરેક્ટર નહીં પણ કોર્પોરેટ સંસ્થાઓના હાથમાં જતી રહી છે. ઈન્ડસ્ટ્રીની સત્તા તેવા લોકોના હાથમાં છે જે ક્રિએટિવ નથી. મને કામ ન મળવા પાછળ સાંપ્રદાયિક કારણ પણ જવાબદાર હોઈ શકે છે. જોકે આ બધુ સીધું જ મારી સામે નથી થતું, આવી વાતો મને સાંભળવા મળે છે.
નાના પ્રોડ્યુસર રહેમાન પાસે જતાં ડરે છે: જાવેદ અખ્તર
આ મુદ્દે ગીતકાર જાવેદ અખ્તરે કહ્યું છે કે, મને આવું નથી લાગતું. હું મુંબઈમાં જ રહું છું અને સૌ કોઈને મળતો રહું છું. લોકો મને ખૂબ સન્માન આપે છે. મને લાગે છે ત્યાં સુધી ઈન્ડસ્ટ્રીના લોકો એમ સમજે છે કે એ આર રહેમાન પશ્ચિમી દેશોમાં વધુ વ્યસ્ત રહે છે. એવામાં લોકોને સંકોચ થતો હશે કે એ આર રહેમાન આવશે કે નહીં આવે. તેઓ મહાન વ્યક્તિ છે તેથી નાના પ્રોડ્યુસર તેમની પાસે જતાં ખચકાય છે.
બોલિવૂડમાં ક્યાંય કોમવાદ નથી, ત્રણ સ્ટાર ખાન: શાન
બોલિવૂડ સિંગર શાને આ મામલે કહ્યું છે કે, લોકોના પોતપોતાનાં વિચાર હોઈ શકે. પણ જે તે સંગીતકાર અને ગીતકાર પોતાના વિચારો પ્રમાણે નિર્ણય લેતા હોય છે. મને પણ ઘણી વાર કામ નથી મળતું. પણ હું ક્યારેય તેને વ્યક્તિગતરૂપે નથી લેતો. આપણને કેટલું કામ મળશે તે આપણાં હાથમાં નથી. જે કામ મળે તે સારી રીતે કરવું જોઈએ. મને નથી લાગતું કે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં કોઈ સાંપ્રદાયિકતા છે. બોલિવૂડના ત્રણેય સુપરસ્ટાર લઘુમતી સમુદાયના છે.
સિંગર શંકર મહાદેવને કહ્યું છે, કે હું તમારી વાત સમજી શકું છું. ગીતનું નિર્માણ કરનારા અને ગીત રીલીઝ કરનારા બે અલગ અલગ વ્યક્તિ હોય છે. એવામાં ઘણીવાર ગીત અંગે નિર્ણય લેનારા લોકો સંગીત સાથે જોડાયેલા નથી હોતા. ઘણીવાર જેમ આપણે ઈચ્છીએ તેમ બધુ નથી થતું, કોઈ બીજી વ્યક્તિ તેના નિર્ણય લે છે.
કંગના રણૌતે એઆર રહેમાનને હેટફુલ વ્યક્તિ કહ્યા હતા
એ આર રહેમાનના નિવેદન પર કંગના રણૌતે પ્રતિક્રિયા આપી હતી. કંગનાએ રહેમાનને હેટફુલ વ્યક્તિ ગણાવ્યા હતા. કંગનાએ કહ્યું હતું કે, ડિયર એ આર રહેમાન… ફિલ્મ ઉદ્યોગમાં મને ભગવા પાર્ટીનું સમર્થન કરવાના કારણે ભેદભાવનો સામનો કરવો પડ્યો. હું તમને મળીને ફિલ્મ ‘ઈમરજન્સી’ની કહાની કહેવા માંગતી હતી. તમે તો મને મળવાનો જ ઈનકાર કરી દીધો હતો. મને કહેવામાં આવ્યું હતું કે તમે પ્રોપેગેન્ડા ફિલ્મનો ભાગ બનવા નથી માંગતા. જોકે બાદમાં વિપક્ષના જ નેતાઓએ પત્ર પાઠવી આ ફિલ્મની પ્રશંસા કરી. તમે નફરતમાં આંધળા થઈ ગયા છો. મને તમારા માટે ખેદ છે.



