ચારધામ યાત્રામાં હવે ‘રીલ’ પર રોક: કેદારીનાથ-બદ્રીનાથ સહિતના મંદિરોમાં મોબાઈલ પર સંપૂર્ણ પ્રતિબંધ | Chardham Yatra 2026: Mobile Phones and Reels Banned Inside Temple Premises

![]()
Reels inside Chardham Temples banned: ઉત્તરાખંડની પવિત્ર ચારધામ યાત્રા પર જનારા શ્રદ્ધાળુ માટે આ વર્ષે મોટા સમાચાર સામે આવ્યા છે. બદ્રીનાથ, કેદારીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામની પવિત્રતા અને મર્યાદા જાળવી રાખવા માટે ઉત્તરાખંડ સરકાર અને વહીવટી તંત્રએ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. હવેથી મંદિર પરિસરમાં મોબાઈલ ફોન અને કેમેરા લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ મંદિરોમાં વધતા જતા ‘રીલ’ કલ્ચર અને સોશિયલ મીડિયા બ્લોગિંગ પર લગામ કસવાનો છે.
બેજવાબદારીથી કરાતી વીડિયોગ્રાફીથી અન્યોને પણ ખલેલ
આ અંગે ગઢવાલ કમિશનર વિનય શંકર પાંડેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવાયો હતો. વહીવટીતંત્રના જણાવ્યાનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં જોવા મળ્યું છે કે શ્રદ્ધાળુઓ દર્શન કરવાને બદલે મંદિરની અંદર ફોટા પાડવામાં અને વીડિયો કે રીલ બનાવવામાં વધુ સમય વિતાવે છે. આ કારણસર માત્ર મંદિરની ગરિમા તો જોખમાય જ છે, પરંતુ ત્યાં દર્શન માટે ઉભેલા અન્ય શ્રદ્ધાળુઓને પણ મુશ્કેલી પડે છે. ભીડનું વ્યવસ્થાપન કરવું પણ કઠિન બને છે. વળી, આ મુદ્દે અન્ય લોકો પણ વારંવાર ફરિયાદ કરે છે, જેથી પવિત્ર ધામોમાં કોઈ પણ વિવાદોને રોકવા માટે આ પગલું લેવાયું છે.
મંદિર બહાર જવાબદારીપૂર્વક ફોટો-વીડિયોગ્રાફી કરી શકાશે
નવા નિયમ મુજબ, બદ્રીનાથમાં સિંહદ્વારથી આગળ અને કેદારીનાથ, ગંગોત્રી તેમજ યમુનોત્રીના મંદિર પરિસરમાં મોબાઈલ લઈ જવાની મનાઈ રહેશે. શ્રદ્ધાળુઓએ દર્શન કરતા પહેલા જ પોતાના મોબાઈલ ફોન અને કેમેરા નક્કી કરેલા કાઉન્ટર પર જમા કરાવવાના રહેશે. બદ્રીનાથ-કેદારીનાથ મંદિર સમિતિ (BKTC) દ્વારા ફોન સુરક્ષિત રાખવા માટે અલગ વ્યવસ્થા કરાશે. જો કે, મંદિરની બહારથી બેકગ્રાઉન્ડમાં જવાબદારીપૂર્વક અને કોઈને ખલેલ ના પહોંચે તે રીતે ફોટો અને વીડિયોગ્રાફી કરવાની છૂટ રહેશે.
ચારધામ યાત્રાની તડામાર તૈયારી શરૂ
આ વર્ષે પણ યાત્રા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે, જેમાં 60% ઓનલાઇન અને 40% ઓફલાઇન પદ્ધતિ રખાઈ છે. ગત વર્ષે 50 લાખથી વધુ પ્રવાસીએ ચારધામના દર્શન કર્યા હતા, જેને ધ્યાનમાં રાખીને આ વર્ષે રસ્તા, આરોગ્ય અને સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવાઈ રહી છે. શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં દર્શન કરી શકે તે તંત્રની પ્રાથમિકતા છે.


