બાવળાના ભાયલા પાસે કારે પાછળથી ટક્કર મારતા બાઇક ચાલકનું મોત | Biker dies after being hit by car from behind near Bhayla Bavla

![]()
– અકસ્માત સર્જી કારનો ચાલક નાસી છુટયો
– ધંધુકાના રોયકા અને ખડોલ ગામના યુવકો નોકરી પુરી કરી પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત નડયો
બગોદરા : અમદાવાદ-રાજકોટ હાઈવે પર બાવળા તાલુકાના ભાયલા ગામ પાસે ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મામાદેવના મંદિર પાસે કાર ચાલકે પૂરઝડપે વાહન હંકારી આગળ જઈ રહેલા બાઇકને ટક્કર મારતા ધંધુકાના રોયકા ગામના યુવકનું મોત નીપજ્યું છે. જ્યારે બાઇક સવારને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.
બગોદરાની ખાનગી કંપનીમાં નોકરી કરતો વિષ્ણુભાઈ વાસુભાઈ ગોહિલ (ઉં.વ.૨૦, રોયકા ગામ, ધંધુકા) નોકરી પુરી કરી રાત્રિના આશરે ૧ઃ૦૦ વાગ્યાના અરસામાં મિત્ર રવિ ભુપતભાઈ કાપરીયા (ઉં.વ. ૨૨, રહે. ખડોલ ગામ, ધંધુકા) સાથે બાઇક (જીજે-૨૭-બીસી-૧૫૬૦) લઇ ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન ભાયલા ગામમાં મામાદેવના મંદિર સામે પાછળથી આવતી આઇ-૨૦ કાર(જીજે-૧૮-ઇએલ-૫૦૫૫) ના ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારી હતી.
અકસ્માતમાં બાઈક ચાલક વિષ્ણુભાઈને નાક અને કાનમાંથી લોહી નીકળવા માંડયું હતું. ૧૦૮ના તબીબોએ તેમને સ્થળ પર જ મૃત જાહેર કર્યા હતા. બાઇકની પાછળ બેઠેલા રવિભાઈને ગંભીર ઈજાઓ થતા પ્રાથમિક સારવાર માટે બાવળા સીએચસીમાં પ્રાથમિક સાવરાવ આપી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
અકસ્માત સર્જી ફોરવ્હીલ ગાડીનો ચાલક વાહન સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો. મૃતકના કાકા દશરથભાઈ માનસંગભાઈ ગોહિલની ફરિયાદના આધારે કેરાળા જી.આઈ.ડી.સી. પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

