राष्ट्रीय

BMCમાં સત્તાની ખેંચતાણ: ફડણવીસ 50-50 ફોર્મ્યુલા માટે તૈયાર, ઉદ્ધવ ટોણો મારવાનો મોકો ન ચૂક્યાં! | BMC Mayor Race: Fadnavis open to 2 5 year formula



BMC mayor News : બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) ચૂંટણીમાં ભાજપ-શિંદે જૂથની મહાયુતિને સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે, પરંતુ હવે સત્તાનો અસલી સંઘર્ષ મેયર પદને લઈને શરૂ થયો છે. ‘કિંગમેકર’ની ભૂમિકામાં આવેલા એકનાથ શિંદેને ‘હોર્સ ટ્રેડિંગ’નો ડર સતાવી રહ્યો છે, જેના કારણે તેમણે પોતાના તમામ 29 કાઉન્સિલરોને 5-સ્ટાર હોટલમાં શિફ્ટ કરી દીધા છે. બીજી તરફ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અઢી-અઢી વર્ષના મેયરપદની ફોર્મ્યુલા પર વાતચીત કરવાના સંકેત આપ્યા છે, જેના પર ઉદ્ધવ ઠાકરેએ તીખો કટાક્ષ કર્યો છે.

ફડણવીસનું નરમ વલણ, ફોર્મ્યુલા માટે તૈયાર

BMCમાં મેયર પદને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, “મહાયુતિનો જ મેયર બનશે અને પદને લઈને કોઈ વિવાદ નથી.” જ્યારે તેમને અઢી-અઢી વર્ષની ફોર્મ્યુલા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું, “અમે મેયર પદ પર વાત કરીશું. એકનાથ શિંદે સાથે બેસીને વાત કરીશું… કોણ મેયર, કોનો મેયર, ક્યાં સુધી, તે અમે બંને પક્ષના નેતાઓ બેસીને નક્કી કરી લઈશું. કોઈ વિવાદ નહીં થાય. અમે બંને પક્ષો સારી રીતે BMC ચલાવીને બતાવીશું.”

શિંદેને ‘હોર્સ ટ્રેડિંગ’નો ડર, ઉદ્ધવ ઠાકરેનો કટાક્ષ

ચૂંટણી પરિણામો બાદ એકનાથ શિંદેએ તેમના તમામ 29 કાઉન્સિલરોને મુંબઈની તાજ હોટલમાં શિફ્ટ કરી દીધા છે, જેથી કોઈ પણ પ્રકારના હોર્સ ટ્રેડિંગને ટાળી શકાય. આ ઘટના પર શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ તીખો કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું, “જે રીતે કાઉન્સિલરોને હોટલમાં બંધ કરવામાં આવી રહ્યા છે, તેનાથી તો એવું જ લાગે છે કે મુંબઈના મેયર અઢી-અઢી વર્ષ માટે નિયુક્ત થઈ શકે છે.” તેમણે વધુમાં કહ્યું, “જેમ મારી પાર્ટી તોડીને આ મુખ્યમંત્રી બન્યા હતા, શું હવે તે જ રીતે મેયર બનાવશે?”

શિવસેના (UBT)નો મેયર બનાવવાનું સપનું

પત્રકાર પરિષદમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેમનું સપનું મુંબઈમાં શિવસેના (UBT)નો મેયર બનાવવાનું છે અને જો ભગવાનની ઈચ્છા હશે તો આ સપનું સાકાર થશે. તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો કે તેણે છેતરપિંડીથી ચૂંટણી જીતી છે અને મુંબઈને ગીરવે મૂકવા માંગે છે. તેમણે દાવો કર્યો કે ભાજપ તેમની પાર્ટીને જમીન સ્તરે ખતમ નથી કરી શકી, જે BMCમાં તેમની પાર્ટી દ્વારા જીતેલી 65 બેઠકો પરથી સ્પષ્ટ થાય છે.

BMCમાં સત્તાનું ગણિત

શુક્રવારે જાહેર થયેલા BMC ચૂંટણીના પરિણામોમાં મહાયુતિ ગઠબંધનને 118 બેઠકો સાથે પૂર્ણ બહુમતી મળી છે.

ભાજપ: 89 બેઠકો

શિવસેના (એકનાથ શિંદે): 29 બેઠકો

શિવસેના (ઉદ્ધવ ઠાકરે): 65 બેઠકો

કોંગ્રેસ: 24 બેઠકો

MNS (રાજ ઠાકરે): 6 બેઠકો

AIMIM: 8 બેઠકો

NCP (શરદ પવાર): 1 બેઠક

NCP (અજિત પવાર): 3 બેઠકો



Source link

Related Articles

Back to top button