મહિલાઓ પણ કાયદાનો ખોટી રીતે ફાયદો ઉઠાવે છે : હાઇકોર્ટ | Women also take unfair advantage of the law: High Court

![]()
– પૈસા પડાવવા દહેજ ઉત્પિડનનો કેસ થયો : દિલ્હી હાઇકોર્ટ
– લગ્ન બે જ વર્ષ ટક્યા જ્યારે ઝઘડા અને કોર્ટ કેસો 15 વર્ષ સુધી ચાલ્યા, અંતે પતિ-સસરા નિર્દોષ જાહેર
નવી દિલ્હી : પારિવારિક વિવાદોમાં હંમેશા સાસરિયાવાળા જ જવાબદાર હોય તેવુ જરૂરી નથી, મહિલાઓ પણ કાયદાનો ખોટી રીતે ફાયદો ઉઠાવતી હોય છે તેવુ અવલોકન દિલ્હી હાઇકોર્ટ દ્વારા એક મામલાની સુનાવણી દરમિયાન કરવામાં આવ્યું હતું. પત્ની દ્વારા મધ્યસ્થતા દરમિયાન દર વખતે નવી નવી માગ કરવાને કોર્ટે લાલચી વલણ ગણાવ્યું હતું. દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ બંસલ કૃષ્ણાની બેંચે એક મહિલા દ્વારા કરાયેલી દહેજ ઉત્પિડનની ફરિયાદ મામલે સુનાવણી દરમિયાન આ અવલોકન કર્યું હતું. બેંચે કહ્યું હતું કે આ મામલામાં પત્નીએ વધુમાં વધુ ધન પડાવવા માટે પતિ અને સસરા સામે ફરિયાદ દાખલ કરી હતી. આ મામલાની સુનાવણી દરમિયાન આ હકિકતો સામે આવી હતી, દહેજ ઉત્પીડન કાયદાનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું પણ સ્પષ્ટ થાય છે. કોર્ટોએ કાયદાનો દુરૂપયોગ થતો અટકાવવાની જરૂર છે.
બેંચે કહ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોથી આ મામલાનો આરોપી પરિવાર કોર્ટો અને પોલીસ સ્ટેશનના ચક્કર લગાવી રહ્યો છે. બાદમાં હાઇકોર્ટે આ મામલામાં આરોપી બનાવવામાં આવેલા પતિ અને સસરાને ક્લીનચિટ આપી દીધી હતી. બેંચે નોંધ લીધી હતી કે લગ્ન ૨૦૦૯માં થયા હતા જ્યારે મહિલાએ વર્ષ ૨૦૧૧માં જ પતિનું ઘર છોડી દીધુ હતું, જે બાદ તે પરત પતિના ઘરે નહોતી ગઇ, જ્યારે તેના પતિ તેમજ સસરા સામે દહેજ ઉત્પિડન સહિતના ગંભીર આરોપો લગાવીને વર્ષ ૨૦૧૬માં ફરિયાદ દાખલ કરાવી હતી. બન્ને વચ્ચે મધ્યસ્થતા થઇ જેમાં સેન્ટર પર મહિલાએ પહેલા ફ્લેટ અને બાદમાં ૫૦ લાખ રૂપિયાની માગણી કરી હતી.


