QR કોડ સ્કેન કરીને દવાના ઉત્પાદન ને દવા અસલી છે કે નકલી તે પારખી શકાશે | QR code on medicine for Authentication

![]()
ડુપ્લિકેટ કે સ્પુરિયસ દવાઓથી બચવું છે?
(પ્રતિનિતિરફથી) અમદાવાદ,શનિવાર
ઉત્તર ભારતની બોગસ કંપનીઓમાં બનતી અને ગુજરાતના બજારમાં ઘૂસાડી દેવામાં આવતી દવા અસલી છે કે નકલી છે તે પારખી લેવા માટે ક્યૂઆર કોડથી સ્કેન કરવાની સિસ્ટમ આવી ગઈ છે. કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ સક્રિય ઇન્ડિયન ફાર્માકોપિયા કમિશને ક્યૂઆર કોડની આ સિસ્ટમ ચાલુ કરી છે. ટોલફ્રી નંબર ૧૮૦૦૧૮૦૩૦૨૪ પર તમારો મોબાઈલ નંબર રજિસ્ટર કરાવીને તમે દવાની સ્ટ્રીપ પર લગાડવામાં આવેલા ક્યૂઆર કોડને સ્કેન સ્કેન કરીને દવા અસલી કંપનીની છે કે નકલી કંપનીની છે તેનો ક્યાસ કાઢી શકો છો. તમને ક્યૂઆર કોડ સ્કેન કરતાં દવા શંકાસ્પદ જણાય તો અહીં આપેલા ટોલ ફ્રી નંબર પર તેની ફરિયાદ પણ કરી શકાય છે.
અત્યાર સુધીમાં ૨૬૨ દવાઓને ક્યૂઆર કોડથી સ્કેનિંગ કરવાની સિસ્ટમ હેઠળ લાવી લેવામાં આવી છે. આ દવાઓ હજારો કંપનીઓ જુદાં જુદાં નામથી બનાવતી હોવાથી હજારો દવાઓ આમ તો ક્યૂઆર કોડના સ્કેનિંગ હેઠળ આવી ગઈ હોવાનું ધ ફેડરેશન ઓપ ગુજરાત સ્ટેક કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટના પ્રમુખ જશુભાઈ પટેલનું કહેવું છે. જોકે હજીય બાકી રહી ગયેલી દવાઓને એટલે કે સો ટકા દવાઓને ક્યૂઆર કોડથી સ્કેનિંગ કરવાની સિસ્ટમ હેઠળ લાવી દેવાની માગણી કરવામાં આવી છે. દવાના પેકેટ પર તેને માટે ક્યૂઆર કોડ છાપવો ફરજિયાત છે.
દવાનું વેચાણ કરતાં દરેક કેમિસ્ટની અને હોલસેલ ફાર્મસીના કાઉન્ટરની આસપાસ પ્રજાની નજર પડે તે રીતે ક્યૂઆર કોડ લગાવી દેવા જણાવવામાં આવ્યું છે. આ ક્યૂઆર કોડ સ્કેન કરીને એડવર્સ ડ્રગ રિએક્શનની માહિતી પણ આપી શકાશે. અત્યારે ભારતમાંથી નિકાસ કરવામાં આવતી દવાઓ પર બાર કોડ કે ક્યૂઆર કોડ લગાવવો ફરજિયાત છે. પરંતુ સ્થાનિક બજારમાં વેચવામાં આવતી દવાઓ પર ક્યૂઆર કોડ લગાવવો ફરજિયાત નથી. તેથી બહુ ઓછી કંપનીઓ અત્યાર સુધીમાં ક્યૂઆર કોડ લગાડવાની સિસ્ટમથી જોડાયેલી છે.
તેથી જ ગુજરાત અને ભારતની દવાનું ઉત્પાદન કરતી દરેક કંપનીઓ દ્વારા વેચાણ માટે બજારમાં મૂકવામાં આવતા દરેક પ્રોડક્ટ્સને ક્યૂઆર કોડ જોડવાની સૂચના આપવામાં આવે ેતવી માગણી કરવામાં આવી છે. ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશનોની રાષ્ટ્રીય સ્તરની બોડીએ પણ પત્ર લખીને દેશમાં વેચાતી દરેક દવાઓને પણ ક્યૂઆર કોડની સિસ્ટમ હેઠળ આવરી લેવાની માગણી કરી છે.

